મુંબઈ સમાચાર
February, 2002
મુંબઈ સમાચાર : એશિયાનું સૌથી જૂનું વિદ્યમાન દૈનિક સમાચારપત્ર. પારસી સાહસિક યુવાન ફરદુનજી મર્ઝબાને 1 લી જુલાઈ, 1822 ને સોમવારને દિવસે મુંબઈમાં ‘શ્રી મુમબઈનાં શમાચાર’ નામે સાપ્તાહિક સ્વરૂપે પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને જાય છે. 1812માં મુદ્રણાલયની સ્થાપના કરી. ગુજરાતી ટાઇપો બનાવ્યા અને મુદ્રણનું કામ શરૂ કર્યું. 1814માં બંગાળી પંચાંગને આધારે ગુજરાતી પંચાંગ તૈયાર કરીને છાપ્યું.
શરૂઆતમાં ‘મુંબઈ સમાચાર’ દર સોમવારે પ્રસિદ્ધ થતું. એમાં પાંચ-છ પાનાંનું વાચન આવતું. એ સમયમાં ખબર મેળવવાની મુશ્કેલી હતી. આથી વાચકોને સમાચાર મોકલવાની વિનંતી પત્રમાં જ કરવામાં આવતી. ત્યારબાદ 3 જાન્યુઆરી, 1832, મંગળવારના દિવસથી એ દૈનિક બન્યું. એનું કદ એક જ પાનાનું રાખવામાં આવ્યું. 1833માં અનેક મુશ્કેલીઓને કારણે રવિવાર અને બુધવાર એમ બે દિવસે પ્રગટ થવા માંડ્યું. 1855થી એ ફરીથી દૈનિક સ્વરૂપે પ્રકાશિત થવા લાગ્યું. 1922થી ‘મુંબઈ સમાચાર’ની સાપ્તાહિક આવૃત્તિ દર રવિવારે નિયમિત પ્રસિદ્ધ થતી. ઈ. સ. 1961થી શાંતિકુમાર ભટ્ટ એનું તંત્રીપદ સંભાળતા. તેમાં છેલશંકર વ્યાસની ‘ઉઘાડે છોગે’ કૉલમે ગુજરાતી વાચકવર્ગનું સારું એવું આકર્ષણ જમાવ્યું હતું.
એ સમયે મુંબઈમાં ગુજરાતી ભાષા બોલતી – સમજતી પ્રજા માટે છાપું એટલે ‘સમાચાર’ અને ‘સમાચાર’ એટલે છાપું ! એના સ્થાપક ફરદુનજી મર્ઝબાનના પત્રકારત્વ અંગે ચોક્કસ વિચારો હતા. એમનો આગ્રહ રહેતો કે વર્તમાનપત્રની ભાષા સાદી, સરળ અને સામાન્ય માનવી વાંચી શકે તેવી હોવી જોઈએ.
એના પ્રથમ અંકના લેખમાં જ લોકમત અને પત્રકારત્વના સ્વાતંત્ર્ય પર એમણે ભાર મૂક્યો હતો. પ્રમાણભૂત સમાચારો આપવાનો આગ્રહ હોવાથી ચકાસણી કર્યા વિના કોઈ પણ સમાચાર છાપતા નહિ. દોઢસો વર્ષના સમયગાળામાં આઠ જેટલા માલિકોએ આ પત્ર ચલાવ્યું. એ પછી મંચેરજી નસરવાનજી કામા, જેહાન દારૂવાલા અને હાલ પિન્કી દલાલ એના તંત્રીપદે છે. આ દૈનિકનું સંચાલન કામા પરિવાર કરે છે.
ફરદુનજીએ બોલચાલની ભાષા પ્રયોજી અને ‘મુંબઈ સમાચારે’ સરળ ભાષા પ્રયોજવાની એની વિશેષતા જાળવી રાખી. ફરદુનજીએ પહેલા જ અંકમાં વાચકોને કહેલું કે સમાજના દરેક વર્ગને સમજાય તેવી જ ભાષા આ છાપામાં છપાશે.
‘‘શમાચારની ગુજરાતી બોલી હેવી લેવા ધારીચ જે પારશી તથા વાણીઆં લોકો શરવેનાં સમજમો આવે અને આપણે જો કદાપિ ચાહીએ કે નીતરી ગુજરાતી ભાશા બોલીએ અથવા ચાહીએ કે ફારશી અરબી અંગરેજીના બોલો ભેલીને બોલીએ તો તે બંધે તરહથી બોલી શકીએચ પણ તે એકબીજાને સમજવી કંઠણ પડશે.’’
સ્વાતંત્ર્ય-સંગ્રામની ચળવળમાં આ વર્તમાનપત્રે આગવો ફાળો આપ્યો. સમાચાર-સંપાદનની એની નીતિ એકધારી રહી છે. વાચનક્ષમતા અને વિશ્વસનીયતાનું સહઅસ્તિત્વ ધરાવતું આ વર્તમાનપત્ર ઉશ્કેરણીજનક કે આધાર વિનાના સમાચાર પ્રગટ કરતું નથી. ફેલાવો વધારવાની સ્પર્ધાથી એ વેગળું રહ્યું છે. પારસી માલિકી હોવા છતાં વર્ષોથી એ બધી કોમોનું, બધા વર્ગોનું, બધા ધર્મોનું માનીતું મુખપત્ર છે. કોઈ પણ ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભવવી નહિ એવો આશય રાખતું આ વર્તમાનપત્ર ધર્મને નામે ચાલતાં ધતિંગો અને અત્યાચારો સામે લડત ચલાવતું રહ્યું છે. દેશના કોઈ પણ ભાગમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ સર્જાય ત્યારે ‘મુંબઈ સમાચાર’ અને તેના વાચકોએ અચૂક મદદ કરી છે અને એ માટે સેવાકાર્ય કર્યું છે. આ અખબારમાં દરેક કોમના સમાચાર આવે છે. ઉપરાંત રોજેરોજ લગભગ અડધુંથી પોણું પાનું ભરીને હિન્દુ, જૈન, પારસી, મુસ્લિમ કોમની અવસાનનોંધ વિનામૂલ્યે છપાય છે. આ અખબારમાં આવતા વેપારના સમાચારની વિશ્વસનીયતા ઘણી ઊંચી છે. આજે (2002) તે આકર્ષક મુદ્રણ અને સમૃદ્ધ પૂર્તિ સાથે પ્રગટ થાય છે.
દિનેશ દેસાઈ
પ્રીતિ શાહ