મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ) (જિલ્લો – પરાવિસ્તાર સહિત) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.ની આજુબાજુનો 534 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મહારાષ્ટ્ર રાજ્યનો તે નાનામાં નાનો જિલ્લો હોવા છતાં વસ્તીની ર્દષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે. તેની ઉત્તરે થાણે જિલ્લો, પૂર્વમાં પુણે, દક્ષિણે રાયગઢ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. મુંબઈ ભારતનું પ્રથમ કક્ષાનું અગ્રિમ બંદર હોવાથી તેનું ઘણું મહત્વ છે. ‘મુંબઈ’ નામ અહીં આવેલા મુમ્બા માતાના સ્થાનક પરથી ઊતરી આવેલું છે. આ સ્થાનક ખ્રિસ્તીયુગ અગાઉનું હોવાનું કહેવાય છે. ત્યારે પણ અહીંના ટાપુઓ પર વસ્તી હતી. આ જિલ્લાનું વહીવટી મથક વાંદરા (પૂર્વ) ખાતે આવેલું છે.

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ આ જિલ્લો નવસાધ્ય કરેલા વિસ્તારથી, નાની નાની છૂટીછવાઈ ટેકરીઓ સહિતના ટાપુઓથી તેમજ થોડીક ખાડીઓથી બનેલો છે. આ જિલ્લો કોંકણ અને સાત ટાપુસમૂહથી થાણેની ખાડી દ્વારા જુદો પડે છે. ભાંડરવાડ, ભોઈવાડા, બ્રાઈ, કમ્બાલા, ફ્લૅગ સ્ટાફ, ઘોરપડે, ગોલાન્જી, લવ ગ્રોવ, મલબાર, નવરોજી, રૌલી, શિવરી, દુર્ગ, સાયન દુર્ગ, એન્ટૉપ અને વરલી જેવી જુદી જુદી ટેકરીઓની ઊંચાઈ 40 મીટરથી 80 મીટર વચ્ચેની છે. આખોય જિલ્લો તેના ઉત્તર ભાગને બાદ કરતાં બધી બાજુએથી અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. ઉત્તર ભાગ તરફ થોડાંક સરોવરો છે. આખોય ભાગ દરિયાઈ આબોહવા ધરાવે છે. અહીં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 27° સે. અને 24° સે. જેટલાં રહે છે, ઉનાળાનું મહત્તમ તાપમાન 34° સે. સુધી પહોંચે છે અને શિયાળાનું લઘુતમ તાપમાન 19° સે. જેટલું થાય છે. અહીં સરેરાશ વરસાદ 1,800 મિમી. જેટલો પડે છે. કિનારાના ભાગોમાં થોડીઘણી વનસ્પતિ જોવા મળે છે.

ગેટવે ઑવ્ ઇન્ડિયા, મુંબઈ

ખેતીપશુપાલનમત્સ્યપાલન : મુંબઈ ઘણું મોટું ઔદ્યોગિક અને વેપારીમથક તેમજ બંદર હોવાથી જિલ્લાના લોકો ઉદ્યોગો, વેપાર અને વિવિધ વ્યવસાય-નોકરીઓમાં રોકાયેલા છે. આ જિલ્લામાં ખેતી માટે મોટેભાગે જમીનો ઉપલબ્ધ નથી. જોકે અહીંના કેટલાક ભાગોમાં ડાંગર, શાકભાજી અને નાળિયેરીની ખેતી થાય છે. સમગ્ર જિલ્લો શહેરી વસાહતોવાળો હોવાથી પશુપાલનની પ્રવૃત્તિ અહીં લગભગ જોવા મળતી નથી. મત્સ્યપાલનનો વ્યવસાય અહીં જૂના વખતથી ચાલ્યો આવે છે. સમુદ્રકિનારાના ભાગોમાં અને ખાડીઓમાં મચ્છીમારીનો વ્યવસાય વિકસ્યો છે. આ માટે અહીં ચાર વિભાગો છે : (1) વરસોવા A, (2) વરસોવા B, (3) બૉમ્બે, (4) સાસૂન ડૉક.  અગાઉની ઉપલબ્ધ માહિતી અનુસાર પકડવામાં આવેલી માછલીઓનો 50 % જથ્થો સાસૂન ડૉકમાંથી મળેલો છે, બાકીનો 50 %  જથ્થો ઉપર્યુક્ત ત્રણેય વિભાગોનો ભેગો મળીને થાય છે. માછલીઓ ભેગી કરવાનું કાર્ય મોટેભાગે યાંત્રિક હોડીઓ દ્વારા થાય છે. બૃહદ્ મુંબઈ જિલ્લામાંથી 40 જેટલી જુદી જુદી જાતની માછલીઓ મળે છે. તે પૈકી શ્રીંપ, પ્રૉન, ધોમા અને બૉમ્બે ડક મુખ્ય છે. તે કુલ ઉત્પાદનના લગભગ 60 % થી 65 % જથ્થો આવરી લે છે. (શ્રીંપ 30 %, પ્રૉન 15 %, ધોમા 8 %, બૉમ્બે ડક 6થી 10 %.) તેમનું વાર્ષિક વેચાણ-મૂલ્ય 40થી 50 કરોડ રૂપિયા જેટલું થાય છે. તાજી માછલીઓ 60 %, ક્ષારીય ભીની માછલીઓ 30 % અને સૂકી માછલીઓ 10 % જેટલી વેચાય છે. ક્ષારીય અને સૂકી માછલીઓ દક્ષિણનાં રાજ્યોમાં જાય છે. શાર્કના યકૃતમાંથી તેલ કાઢવામાં આવે છે. શાર્કના દેહના જુદા જુદા અવયવોનો વેપાર પણ થાય છે. માછીમારીનો વ્યવસાય સપ્ટેમ્બરથી મે સુધી ચાલે છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાંથી ત્રણ પ્રકારની પથ્થર-પેદાશો મળે છે : (1) પૂર્વ તરફના ટાપુઓમાંથી ટ્રેપ. (2) મલબાર અને મહાલક્ષ્મી વચ્ચેના ભાગમાંથી બેસાલ્ટ. (3) ફૉર્ટ, એક્સ્પ્લેનેટ, ગિરગાંવ અને માહિમમાંથી મળતો તીરસ્થ કૉંક્રીટ (કંકર). ટ્રેપ બાંધકામમાં અને માર્ગો બનાવવામાં અને બેસાલ્ટ દીવાલોના ચણતર માટે વપરાય છે; જ્યારે કંકર અને હલકી કક્ષાનો ચૂનાખડક ઓછા પ્રમાણમાં મળતો હોવાથી તેમનું મૂલ્ય ઓછું અંકાય છે.

મુંબઈ જિલ્લામાં મુંબઈ એ મોટા અને નાના પાયા પરના અનેક ઉદ્યોગો ધરાવતું ભારતનું પ્રમુખ ઔદ્યોગિક મહાનગર છે. આ જિલ્લો અરબી સમુદ્ર પરના મોકાના સ્થાનને કારણે ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો માટે સેતુ સમાન છે. અહીં યંત્રો, યંત્રસામગ્રી, વીજાણુયંત્રો, રસાયણો, લોખંડ-પોલાદનાં માળખાં, કાપડ, કપડાં, ઢોર માટેની ખાદ્યસામગ્રી, પીણાં, તમાકુ, લાકડાં અને તેની પેદાશો, ચામડાં, રબર, પ્લાસ્ટિક પેદાશો વગેરેનું ઉત્પાદન લેવાય છે. અહીંના ઉદ્યોગોને મુખ્ય ઉત્પાદક ચીજો તથા ઉપભોકતાલક્ષી ચીજવસ્તુઓ – એ પ્રમાણેના બે વિભાગોમાં વિભાજિત કરેલા છે. રાજ્યના વિવિધ ઉદ્યોગો પૈકીનો મોટો ભાગ તો મુંબઈમાં જ કેન્દ્રિત થયેલો છે. આ જિલ્લામાં કારખાનાંઓની સંખ્યા પણ વિશેષ છે. મોટાભાગનો રસાયણ-ઉદ્યોગ પણ અહીં જ વિકસ્યો છે. જિલ્લાના મહત્વના ગણાતા મુખ્ય છ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ-ઉદ્યોગ; રસાયણો અને તેમની પેદાશોનો ઉદ્યોગ; યંત્રો અને યાંત્રિક ઓજારોનો ઉદ્યોગ; વીજ-સંકલિત યંત્ર-ઉદ્યોગ; પરિવહન સાધન-સામગ્રી તથા બેઝ-ધાતુઓ અને મિશ્રધાતુઓના ઉદ્યોગનો સમાવેશ થાય છે. રેલમાર્ગોની, સડકમાર્ગોની અને બંદર સુવિધા ઉપલબ્ધ હોવાથી અહીંના ઔદ્યોગિકીકરણને વેગ મળેલો છે; તેથી આ જિલ્લાનું સ્થાન ઊંચું આવ્યું છે. અહીંની તેમજ આજુબાજુની કુલ 105 જેટલી સુતરાઉ કાપડની મિલો પૈકી 54 જેટલી મિલો તો આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત અહીં હાથસાળ, યાંત્રિક સાળ (પાવરલૂમ), ડાઇંગ-પ્રિન્ટિંગ, લુહારીકામ, સુથારીકામ, ઈંટો-ટાઇલ્સ બનાવવાના એકમો વગેરે પણ વિકસેલા છે. આ બધા ઉદ્યોગો હજારો માણસોને રોજીરોટી પૂરી પાડે છે.

મુંબઈ યુનિવર્સિટી કૉન્વોકેશન હૉલ અને રાજાબાઈ ટાવર

અહીંથી તૈયાર કપડાં અને કાપડ, ઢોરોની ખાદ્યસામગ્રી તથા લોખંડ-પોલાદની ચીજવસ્તુઓની નિકાસ થાય છે. આયાત થતી ચીજવસ્તુઓમાં ખાદ્યાન્ન, યંત્રસામગ્રી, રૂની ગાંસડીઓ વગેરેનો સમાવેશ થાય છે. આજુબાજુના પ્રદેશોના ખેડૂતો અને ઉત્પાદકો પોતે પોતાની પેદાશો અહીં મોકલે છે. વેપારી ર્દષ્ટિએ આ જિલ્લો ધંધા-વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. અહીંનો વેપાર ભારતનાં બધાં જ રાજ્યો સાથે તેમજ દુનિયાના મોટાભાગના દેશો સાથે સંકળાયેલો છે. કેટલાક એકમો બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાયેલા છે. વેપારની સગવડો સાચવવા માટે અહીં દેશ-વિદેશની અનેક બૅંકો આવેલી છે.

પરિવહન : મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દુનિયાની ઘણી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓનો લાભ આ હવાઈ મથકને મળે છે. ઇન્ડિયન ઍરલાઇન્સ તેમજ ઍર ઇન્ડિયાની હવાઈ સેવાઓ દેશની બહારની તેમજ અંદરના ભાગોની સેવાઓ આપે છે.

પશ્ચિમ અને મધ્ય રેલવિભાગનાં મુખ્ય મથકો દાદર અને શિવાજી ટર્મિનસ (વિક્ટોરિયા ટર્મિનસ) છે. અહીંની બ્રૉડગેજ રેલવે ભારતનાં ઘણાંખરાં મુખ્ય સ્થળોને જોડે છે. આ ઉપરાંત મુંબઈ અને પરાંને જોડતી સ્થાનિક રેલસેવાની પણ સગવડ છે. આ અગાઉ અહીં મેટ્રો અને મોનોરેલ સેવાનો લાભ પણ તાજેતરમાં મળ્યો છે. આ રેલમાર્ગો વીજળીથી ચાલે છે. તેથી તે ખૂબ ઝડપી અને સસ્તા બની રહેલા છે. તેનું મુખ્ય વહીવટી મથક ચર્ચગેટ છે.

મુંબઈ ભારતનું સૌથી મોટું બારમાસી બંદર છે. પૂર્વ, મધ્ય પૂર્વ અને યુરોપના જળમાર્ગોની મધ્યમાં તેનું સ્થાન હોવાથી પસાર થતાં બધાં જહાજોને આ બંદરનો લાભ મળે છે. મુંબઈનું બારું ત્રણ ધક્કા ધરાવે છે : પ્રિન્સ ડૉક, વિક્ટોરિયા ડૉક અને ઇન્દિરા ડૉક. વધતી જતી યાતાયાતને કારણે જવાહરલાલ નહેરુ બંદર તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રવાસન : મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર હોવા ઉપરાંત ભારત અને દુનિયાભરનાં સ્થળોના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. તે માત્ર સુંદર અને અલબેલી નગરી હોવા સાથે ભવ્ય પણ છે. મુંબઈના દક્ષિણ ભાગમાં સમુદ્રકિનારા પર આવેલું ગેટ વે ઑવ્ ઇન્ડિયા ભારત માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. અહીંના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ, રાજાબાઈ ક્લૉક-ટાવર, ફ્લોરા ફાઉન્ટન, સચિવાલય, નરીમાન પૉઇન્ટ, શિવાજી (વિક્ટોરિયા) રેલમથક, હૅન્ગિંગ ગાર્ડન, કમલાદેવી નહેરુ પાર્ક, જીજામાતા ઉદ્યાન (વિક્ટોરિયા ગાર્ડન), મહાલક્ષ્મી મંદિર, રેસકોર્સ, હાજી અલી દરગાહ વગેરે વિશેષ ઉલ્લેખનીય પ્રવાસ-સ્થળો છે. આ ઉપરાંત, મુમ્બાદેવી, બોરીવલી ખાતેની કૅનેરીની ગુફાઓ, બ્રેબૉર્ન સ્ટેડિયમ, વાનખેડે સ્ટેડિયમ, તાજમહાલ હૉટેલ, ઑબેરૉય હૉટેલ, એસ્સેલ વર્લ્ડ જેવાં જોવાલાયક સ્થળો પણ છે. કૅનેરીની ગુફાઓ નજીક મહાશિવરાત્રિ, માણકેશ્વર, પશ્ચિમ વડાલા ખાતે વીતીરોબાના મેળા, ડોંગરી ખાતે પીર સૈયદ અહમદ અલીશાહ કાદરીનો, માહિમ ખાતે મખદૂરો ફકીર અલી સાહેબનો, પૂર્વ વડાલા ખાતે શેખ મિસરીનો ઉરસ, ગોવાલિયા ટૅંક ખાતે શ્રી લક્ષ્મીનારાયણનો, બાંદરા ખાતે બાંદરા(માઉંટ મેરી)નો અને માઉંટ પૉઇસરનો મેળો ભરાય છે. વારતહેવારે અહીં જુદા જુદા ઉત્સવો પણ ઊજવાતા રહે છે, તેમાં ગણેશચતુર્થી, હનુમાન-જયંતી, નાગપંચમી, નાળિયેરી પૂનમ, જન્માષ્ટમી, વિજયાદશમી, દિવાળી, મકરસંક્રાંતિ, હોળી વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.

અંધેરી તાલુકામાં સાન્તાક્રૂઝ હવાઈ મથક, સહાર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, માઉન્ટ મેરી ચર્ચ, ડ્રાઇવ-ઇન-થિયેટર, જુહૂ પાર્ક, જુહૂ બીચ, બૉમ્બે યુનિવર્સિટી (1857), એસ. એન. ડી. ટી. મહિલા યુનિવર્સિટી, જોગેશ્વરી ગુફાઓ અને પાલી હિલ્સનો જોવાલાયક સ્થળોમાં સમાવેશ થાય છે. કુર્લા તાલુકામાં પવાઈ સરોવર, આઇ.આઇ.ટી., ભાભા અણુ-સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય રાસાયણિક અને ખાતર નિગમ, હિન્દુસ્તાન અને ભારત પેટ્રોલિયમ શુદ્ધીકરણ એકમનો સમાવેશ થાય છે. બોરીવલી તાલુકામાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, લાયન સફારી પાર્ક, ચિત્રાનગર, આરે મિલ્ક કૉલોની, એસ્સેલ વર્લ્ડ, માનોરી, ગોરાઈ, માધમઢનો અને વરસોવા સમુદ્ર રેતપટ, તુલસી સરોવર, વિહાર સરોવર, કૅનેરીની અને મંડપેશ્વરની કૉન્ડિબટ્ટીની અને મહાકાળીની ગુફા જેવાં જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.

વસ્તી : અહીં ભારતનાં મોટા ભાગનાં રાજ્યોના લોકો વસે છે. અહીંની મુખ્ય ભાષા મરાઠી છે; પરંતુ પચરંગી વસવાટને કારણે ગુજરાતી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓનો પણ ઉપયોગ થાય છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને ત્રણ તાલુકાઓમાં વહેંચેલો છે.

ઇતિહાસ : મુંબઈ શહેર મૂળ સાત ટાપુઓને સાંકળી લઈને તૈયાર થયેલું છે. મુંબઈ શહેરનો આજનો સળંગ દેખાતો ભૂમિભાગ માનવસર્જિત નવસાધ્ય કરેલી ભૂમિમાંથી નિર્માણ પામેલો છે. ઈ. સ. 1500 પહેલાં અહીંના મૂળ ટાપુઓનું કોઈ વસવાટમૂલ્ય ન હતું. 1530માં સર્વપ્રથમ વાર પૉર્ટુગીઝ લોકોએ અહીં પગ મૂક્યો હતો. તે સમયે અહીં કોળી, ભંડારી અને કલાશી જાતિના લોકો વસતા હતા. મુઘલકાળ દરમિયાન અહીં આવેલા અંગ્રેજોને આ ટાપુઓમાં રસ જાગ્યો. 1661માં ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાનાં લગ્ન પૉર્ટુગીઝ રાજકુંવરી સાથે થયાં ત્યારે આ ટાપુ તેને દહેજ પેટે મળ્યો. 1668માં તેણે આ ટાપુ ઇંગ્લૅન્ડની વેપારી પેઢી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યો. ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચોકસાઈપૂર્વકનું આયોજન કરીને તેનો વિકાસ કરવાનું કાર્ય કર્યું. તે સમયે તે માહિમ સાથે સંકળાયેલો વિસ્તાર હતો.

મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા ભવન, મુંબઈ

ઓગણીસમી સદી દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિને કારણે બ્રિટન વિશ્વનું એક વિશાળ કારખાનું બન્યું હતું. તે સમયે બ્રિટન ગૃહોપયોગી અનેક ચીજવસ્તુઓ બનાવતું હતું અને સમગ્ર વિશ્વમાં તેની નિકાસ કરતું હતું. તે વખતે ભારતમાંથી સસ્તા ભાવે કાચો માલ બ્રિટન જતો, ત્યાં ગૃહવપરાશની વિવિધ ચીજવસ્તુઓ બનતી અને ભારત સહિત દેશપરદેશોમાં વેચાતી હતી. તે ગાળામાં આ ટાપુવિસ્તારને રેલવે અને પાકા રસ્તાઓથી જોડવામાં આવ્યો. ઈ. સ. 1869માં સુએઝ નહેર ખુલ્લી મુકાતાં પશ્ચિમની અનેક વસ્તુઓ અહીંના બંદરી સ્થળે ખડકાવા માંડી. તે સમયે ભારતીય ઉપખંડમાં આ સ્થળ સુતરાઉ કાપડઉદ્યોગ અને રેલવે માટેનું મુખ્ય મથક બન્યું.

ટાઉનહૉલ, મુંબઈ

અઢારમી સદી સુધી મુંબઈના ભૂમિ-આકારમાં કોઈ ફેરફાર થયો ન હતો. 1752માં સર્વપ્રથમ વાર અહીંના શહેરી ગણાતા વિસ્તારની હદ નક્કી કરવામાં આવી. ફૉર્ટથી 4 કિમી.નો વિસ્તાર શહેરી વિસ્તાર તરીકે નક્કી કરાયો. 1865માં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના થઈ. તે સમયે મુંબઈને દસ વૉર્ડમાં વહેંચવામાં આવ્યું હતું. (કોલાબા, ફૉર્ટ, માંડવી, ભુલેશ્વર, ઉમરખાડી, ગિરગાંવ, કમાટીપુરા, મલબાર હિલ, મઝગાંવ અને માહિમ–પરેલ). બાકીનો વિસ્તાર (આજનો પરાવિસ્તાર) મુંબઈ જિલ્લા તરીકે અલગ પાડવામાં આવ્યો; ત્યારે તેમાં આશરે 50 જેટલાં ગામોનો સમાવેશ કરેલો.

મુંબઈનો ઝડપી વિકાસ થતાં 1872માં મુંબઈનું ફરી વાર નવેસરથી આયોજન કરવું પડ્યું. Aથી F સુધીના વૉર્ડ બનાવાયા અને તેના 28 વિભાગો પાડવામાં આવ્યા અને તે પછી 1906માં બીજા બે વિભાગો ઉમેરાયા. 1920માં સાલસેટ તાલુકાને બે ભાગમાં વહેંચ્યો, ઉત્તર વિભાગ થાણે જિલ્લો અને દક્ષિણ વિભાગ મુંબઈ જિલ્લા તરીકે જુદો પડાયો. 1921માં અંબરનાથ તાલુકાનો સમાવેશ મુંબઈ જિલ્લામાં કરવામાં આવ્યો, પરંતુ 1936માં તેને થાણે જિલ્લામાં મૂકવામાં આવ્યો. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેરફારો થતા જવાથી સમયને અનુરૂપ વહીવટી વિભાગોમાં પણ ફેરફારો થતા રહ્યા છે. 1950 અને 1956માં મ્યુનિસિપલ કૉર્પોરેશનની સીમા બદલાતી રહી.

પરાવિસ્તારો અને મુંબઈનો વ્યવસ્થિત વિકાસ થાય તે માટે બૃહદ્ મુંબઈની મ્યુનિસિપાલિટીના મુખ્ય પંદર વિભાગો પાડ્યા છે :

Aથી G  –     મુખ્ય મુંબઈ ટાપુ એટલે કે કોલાબાથી માહિમ સુધીનો વિસ્તાર

H  –       પૂર્વ અને પશ્ચિમ વાંદરાનો વિસ્તાર

K  –       ઉત્તર અને દક્ષિણ અંધેરીનો વિસ્તાર

L  –       કુર્લા

M  –       ચેમ્બુર

N  –       ઘાટકોપર

P  –       ગોરેગાંવ – મલાડ

R  –       કાંદિવલી અને બોરીવલી

T  –       મુલુન્ડ, તુલસી અને વિરાર-વિસ્તાર

મુંબઈ મહાનગરનો વિકાસ ઝડપી હોવાથી સમુદ્રના ખાડી-વિસ્તારોમાં નવસાધ્ય ક્રિયા દ્વારા નવી જમીન નિર્માણ કરીને તેનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. નવો વિસ્તાર નવી મુંબઈ તરીકે જાણીતો બન્યો છે.

મુંબઈ (રાજ્ય) : ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ ભાષાઓ મુજબ રાજ્યોની પુનર્રચના કરવામાં આવેલી. ત્યારે મુંબઈનું દ્વિભાષી (ગુજરાતી-મરાઠી) રાજ્ય અસ્તિત્વમાં આવેલું. આ રાજ્યમાં ગુજરાત (મુખ્ય ભૂમિ, સૌરાષ્ટ્ર, કચ્છ), મહારાષ્ટ્ર, મરાઠાવાડ, વિદર્ભ તેમજ દક્ષિણ ઉચ્ચપ્રદેશના સમુદ્રકિનારાની સાંકડી પટ્ટી અર્થાત્ કર્ણાટકથી રાજસ્થાન વચ્ચેના બધા જ વિસ્તારનો સમાવેશ થતો હતો. આ દ્વિભાષી રાજ્યની ઉત્તરે પાકિસ્તાન અને રાજસ્થાન, ઈશાન અને પૂર્વ તરફ મધ્ય પ્રદેશ, દક્ષિણે આંધ્ર પ્રદેશ અને મૈસૂર રાજ્યની સીમા તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા હતા. આ દ્વિભાષી મુંબઈ રાજ્યનું મુખ્ય વહીવટી મથક (પાટનગર) મુંબઈ ખાતે હતું. મુંબઈ, અમદાવાદ, પુણે, નાગપુર અને સોલાપુર મુખ્ય શહેરો હતાં. 1951માં તેની વસ્તી 4,78,00,000 જેટલી હતી. 1960માં આ દ્વિભાષી રાજ્યને ભાષાને મુદ્દે ગુજરાત અને મહારાષ્ટ્રનાં બે અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યનું પાટનગર ત્યારે અમદાવાદ હતું અને હવે ગાંધીનગર છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર મુંબઈ છે.

નીતિન કોઠારી