મુંદ્રા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભૂજ, પૂર્વમાં અંજાર, દક્ષિણે કચ્છનો અખાત અને પશ્ચિમે માંડવી તાલુકાઓ આવેલા છે. તાલુકામાં મુંદ્રા શહેર અને 60 ગામડાં આવેલાં છે. પશ્ચિમે માંડવી અને પૂર્વે અંજાર વચ્ચેનો આ પ્રદેશ ‘કંઠી’ તરીકે પણ ઓળખાય છે.

તાલુકાનો દરિયાકાંઠો ઊંચાણવાળો અને રેતાળ છે. ઉત્તરનો ભાગ સપાટ અને ફળદ્રૂપ મેદાની છે, તેની પહોળાઈ સ્થાનભેદે 32થી 48 કિમી. જેટલી છે. ઉત્તર સરહદે વાગડની નાની ટેકરીઓ આવેલી છે. આ તાલુકામાં ખાત્રોડની ટેકરીઓમાંથી નીકળતી ભૂખી નદી 40 કિમી. લાંબી છે. તેની ઉપર રોહા, જાંબુડી, ચાકર, બંધારા, પત્રી, લખપુર અને મુંદ્રા આવેલાં છે. મુંદ્રા નજીક કેવડી નદીનો ભૂખી સાથે સંગમ થાય છે. ભૂખી મુંદ્રા નજીક કચ્છના અખાતને મળે છે. ભૂતપૂર્વ કચ્છ રાજ્યે પત્રી નજીક ‘ખેંગારસાગર’ નામનું જળાશય બાંધ્યું હતું. કચ્છના અખાતને કિનારે આવેલા આ તાલુકાની આબોહવા ખુશનુમા રહે છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ આશરે 362 મિમી. જેટલો પડે છે.

તાલુકાના 8,077 હેક્ટર વિસ્તારમાં કાંટાવાળા બાવળ, ગાંડો બાવળ, બોરડી, આવળ, ગૂગળી જેવાં વૃક્ષો જોવા મળે છે. આ ઉપરાંત ‘રાખાલ’ તરીકે ઓળખાતાં ઘાસનાં બીડો પણ છે. આ બીડો 5,672 હેક્ટર ક્ષેત્રફળ ધરાવે છે. કચ્છમાં કાંકરેજી, થરી અને વાગડી ઓલાદની ગાયો અને બળદ જોવા મળે છે. પાટણવાડિયા અને કચ્છી મારવાડી ઘેટાં અને બકરાંનું પ્રમાણ પણ ઘણું છે. અહીંની સ્થાનિક ઓલાદની ભેંસ જાફરાબાદી ભેંસ કરતાં પ્રમાણમાં ઓછું દૂધ આપે છે. ઊંટો અને ઘોડાઓનું પ્રમાણ ઓછું છે. અહીંનાં ઘેટાં-બકરાંનું ઊન બરછટ અને હલકું હોય છે. લોકોની આજીવિકાનો આધાર મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર છે.

અહીં ખાદ્ય પાકોનું વાવેતર 30,000 હેક્ટરમાં અને અખાદ્ય પાકોનું વાવેતર 19,000 હેક્ટરમાં થાય છે. ઘઉં, જુવાર, બાજરી, મગ, મગફળી, એરંડા અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે. તાલુકામાં બે બીજકેન્દ્રો, એક ફળવિકાસ-કેન્દ્ર અને એક ખારેકનું ફાર્મ છે. તાલુકામાં 103 કિમી. લંબાઈના પાકા રસ્તા આવેલા છે. આ તાલુકામાં મત્સ્યઉદ્યોગનો વિકાસ થયો છે.

તાલુકામાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિર અને કૉલેજ છે.

મુંદ્રા શહેર કચ્છના અખાતના કિનારા પર 22° 50´ ઉ. અ. અને 69° 44´ પૂ. રે. પર આવેલું છે. શહેરની આસપાસ ખજૂરી, નાળિયેરી, આંબા, ચીકુડી, જમરૂખડી, પપૈયાં તથા કેળના બગીચા આવેલા છે.  સાક્ષરતાનું પ્રમાણ આશરે 60 % જેટલું છે. મુંદ્રા નગર પંચાયત હસ્તક આઠ કિમી. લંબાઈ ધરાવતા રસ્તા છે, તે પૈકી બે કિમી.ના પાકા રસ્તા છે.

મુંદ્રા બારમાસી લઘુ બંદર છે. ભૂખી અને કેવડીના સંગમ પરનું જૂનું બંદર પુરાઈ જતાં મુંદ્રાથી 10 કિમી. દૂર નવું બંદર વિકસાવવામાં આવ્યું હતું. લંગરસ્થાન કિનારાથી 2.5 કિમી. દૂર છે. નવી નાળ ખાતે 12થી 13 મીટર (સાત ફેધમ) જેટલું પાણી રહે છે. ગુજરાત મેરીટાઇમ બૉર્ડ અને અદાણી એક્સ્પૉર્ટના સહકારથી અહીં નવું બંદર બંધાયું છે. 15 મીટર ડ્રાફ્ટ ધરાવતાં 80,000 ટનનાં જહાજો અહીં આવી શકે એમ છે. જહાજો માટે ચાર ઉતરાણ-સ્થળો (બર્થ) છે. આ ઉપરાંત કન્ટેનર ટર્મિનલ પણ છે. તેનો 4.5 કિમી. વિસ્તાર છે. 4,000થી વધારે રી.ઇ.યુ. ધરાવતાં ક્ધટેનર જહાજો અહીં લાંગરી શકે એવી જોગવાઈ છે. માલ ચડાવવા-ઉતારવા સ્વયંસંચાલિત શિપ-લોડર, મોબાઇલ ક્રેન, બજરા અને ગોડાઉનો છે. રસાયણો, પેટ્રોલિયમ પેદાશો, ખાદ્યતેલ જેવા પ્રવાહી પદાર્થો માટે 2.5 લાખ લિટર પ્રવાહી સંગ્રહી શકે તેવું ટૅન્કફાર્મ પણ છે. પોસ્ટ પેનોમૅક્સ જહાજો માટે અદ્યતન 1,100 મીટર લાંબું કન્ટેનર ટર્મિનલ છે. સૂકા માલ માટે ત્રણ લાખ ચોમી. ખુલ્લી જમીન અને 50,000 ચોમી.નાં બંધ ગોડાઉનોની વ્યવસ્થા છે. 54 કિમી. લાંબી બ્રૉડગેજ રેલવે નંખાતાં તે દેશના અન્ય ભાગો સાથે પણ સંકળાય એવું આયોજન છે.

મુંદ્રા બંદર

મીઠાના કારખાનાની પોતાની જેટી છે. રાજ્યની આર.સી.સી. જેટી પણ છે. નવું બંદર થતાં તેનો ઉપયોગ ઘટવાનો  સંભવ રહે છે. નિકાસમાં મુખ્યત્વે બેન્ટોનાઇટ, બૉક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. મીઠાની નિકાસ બાંગ્લાદેશ શ્રીલંકાના દેશો ખાતે થાય છે. બેન્ટોનાઇટ ઈરાની અખાતના દેશોમાં જાય છે. લોખંડના ભંગારની પણ આયાત થાય છે.

મુંદ્રા ખાતે મીઠાના અગરો છે. ભારત સૉલ્ટ ઍન્ડ કૅમિકલ વર્કસ અહીં 1948માં સ્થપાયું હતું. અહીં જિન-પ્રેસ, લોટ દળવાની ઘંટીઓ, બરફનું કારખાનું તથા ખેતીનાં ઓજારોનું સમારકામ કરવાની સગવડ ધરાવતો હળવો ઇજનેરી ઉદ્યોગ છે. લાકડાંની લાટીઓ તથા રાચરચીલાનો ઉદ્યોગ પણ છે. મત્સ્ય ઉદ્યોગનો પણ અહીં વિકાસ થયો છે. મુંદ્રામાં ત્રણ વાણિજ્ય બૅંકો અને એક સહકારી બૅંક છે.

મુંદ્રા ખાતે બી.એડ. કૉલેજ, પ્રાથમિક શિક્ષકો માટેનું અધ્યાપન મંદિર, પ્રાથમિક શાળાઓ, બાલમંદિર અને પ્રૌઢ-શિક્ષણકેન્દ્રો આવેલાં છે. આ ઉપરાંત એક પુસ્તકાલય પણ છે.

મુંદ્રામાં જીવાજી ગુરુના શિષ્ય હંસગર મહારાજનાં પગલાં ધરાવતી 1740ની સાલ દર્શાવતી, ઘુમ્મટવાળી એક કલાત્મક છત્રી છે; તે જૈન સાધુની છત્રીના સ્તંભો ધરાવે છે તથા તેનો અંદરનો ભાગ તેરમી–ચૌદમી સદીનું સ્થાપત્ય હોવાનું સૂચવે છે. છત્રી નજીક વહાણવટીઓના પાળિયા પણ છે. જૈન સાધુની પાદુકા આરસની છે. ઘુમ્મટના અંદરના ભાગમાં સંગીતકારોની હારમાળા કોતરાયેલી છે. મુંદ્રાથી બે કિલોમીટર દૂર નીલકંઠ મહાદેવ છે. તે 1924માં બંધાયેલ. બીજું શિવમંદિર ખારાઈ ખાતે છે. આ ઉપરાંત, મોહનરાયજીનું મંદિર અને મુરાદપીરની દરગાહ પણ છે.

શિવપ્રસાદ રાજગોર