મુંદ્રા કૌભાંડ : જીવનવીમા નિગમના નાણાભંડોળનું  ગેરરીતિભર્યું મૂડીરોકાણ કરવા અંગેનું કૌભાંડ. 1956ના કાયદાથી ભારતમાં સ્વાયત્ત જીવનવીમા નિગમની રચના થઈ. એથી ખાનગી ક્ષેત્ર હેઠળ ચાલતો વીમાઉદ્યોગ જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. વીમાદારોના પ્રીમિયમથી રચાયેલું ઘણું મોટું ભંડોળ આ નિગમ ધરાવતું; જેનાં નાણાંનું મૂડીરોકાણ અન્ય સંસ્થાઓમાં કરવામાં આવતું હતું. આ નાણાં રોકવા અંગે સરકારે સ્પષ્ટ નીતિ જાહેર કરી હતી. તે અનુસાર જે એકદમ સધ્ધર અને ઊંચી પ્રતિષ્ઠા ધરાવતી હોય તેવી ‘બ્લૂ ચીપ્સ’ જેવી કંપનીઓમાં નાણાં રોકવાની નીતિ હતી.

1957માં સાંસદ ફિરોઝ ગાંધીએ જીવનવીમા નિગમના નાણાભંડોળ અંગેની ગેરરીતિઓની આધારભૂત રજૂઆત કરી મુંદ્રા પ્રકરણનો પર્દાફાશ કર્યો. લોકસભાના અન્ય સાંસદ ડૉ. રામ સુભગસિંગે અખબારી અહેવાલને આધારે આ રજૂઆતને સમર્થન આપ્યું. આ સાંસદોની રજૂઆત અનુસાર સધ્ધર અને ઊંચી પ્રતિષ્ઠા વગરની હરિદાસ મુંદ્રાની છ જાહેર કંપનીઓમાં વીમાનિગમે એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ મૂડીરોકાણ ખાનગી ઉદ્યોગપતિ મુંદ્રાને ખટાવવા માટે કરવામાં આવેલું હતું, જેનાથી નિગમને ખરેખર કોઈ લાભ થવાનો ન હતો. આ કામગીરીમાં તે સમયના નાણામંત્રી ટી. ટી. કૃષ્ણામાચારી સંડોવાયેલા હતા. મુંદ્રાની મુખ્ય ર્દષ્ટિ એક જ હતી, કરોડો રૂપિયાની નાણાકીય રમત–ગેરરીતિ કરી, કંપનીઓ વ્યક્તિગત ધોરણે ખરીદી લેવી, શૅરબજારમાં ચાલાકી કરવી અને શક્ય તેટલા બહોળા પ્રમાણમાં નાણાકીય સામ્રાજ્ય વિસ્તારવું.

જીવનવીમા નિગમના મૂડીરોકાણ અંગેની આ ગેરરીતિ જાહેર થઈ અને દેશમાં તે ‘મુંદ્રા કૌભાંડ’ તરીકે જાણીતી બની. એથી જનજીવન અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો. પરિણામે 17 જાન્યુઆરી, 1958ના રોજ આ અંગે ન્યાય પંચ નીમવાની જાહેરાત થઈ અને તે સમયની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ મહંમદ કરીમ ચાગલાનું એકવ્યક્તિ તપાસ-પંચ નીમવામાં આવ્યું. મુંદ્રાની છ કંપનીઓના જે શૅરોની ખરીદી કરવામાં આવી હતી તે વ્યાપારી સિદ્ધાંતો અને પ્રણાલિકાને અનુરૂપ હતી કે કેમ તેનો નિર્ણય કરવાનું; એ ખરીદીની યોગ્યતા નક્કી કરવાનું તથા એ ખરીદી માટે જવાબદાર વ્યક્તિ કે વ્યક્તિઓ કોણ છે તે તપાસવાનું કાર્ય પંચને સોંપવામાં આવ્યું.

પંચે પોતાની તપાસમાં ઉપર્યુક્ત મુદ્દાઓ હાથ ધર્યા. 10 ફેબ્રુઆરી, 1958ના રોજ એટલે કે પચીસ દિવસના ટૂંકા ગાળામાં સંગીન, તાર્કિક, નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરી પંચે જણાવ્યું કે જીવનવીમા નિગમના નાણાભંડોળનું મૂડીરોકાણ કરવા માટે જે સરકારી નીતિ જાહેર કરાયેલી હતી તેના કરતાં તદ્દન જુદી જ રીતે, એક કરોડ જેવી મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગેનો સમગ્ર વ્યવહાર શંકાસ્પદ હતો. તેમાં યોગ્ય વિધિ અને નિયમો અનુસરવામાં આવ્યાં નહોતાં અને નાણાં રોકવાનો આદેશ નાણાસચિવ તરફથી આવ્યો હતો, પરંતુ તેની જવાબદારી મંત્રીએ સ્વીકારવી જોઈએ. આ કાર્ય પાછળનું પ્રયોજન નિગમના હિત કરતાં મુંદ્રાને સહાયકર્તા બનવાનું જણાતું હતું. વ્યાપારિક અને નાણાકીય વ્યવહારની તપાસ અંગે પ્રજાએ પણ અસાધારણ રસ દાખવેલો. તેમજ વર્તમાનપત્રોમાં પણ સચોટ અને સવિસ્તર માહિતી રજૂ કરવામાં આવી હતી.

આ કૌભાંડને માટે નાણામંત્રી ટી. ટી. કૃષ્ણામાચારી તથા નાણાસચિવ શ્રી એચ. એમ. પટેલને જવાબદાર ઠેરવવામાં આવ્યા. નાણાસચિવે રાજીનામું આપી દીધું. ત્યારબાદ તેમને આ અંગે નિર્દોષ જાહેર કરવામાં આવેલા. આ કૌભાંડને કારણે નાણામંત્રીએ પણ રાજીનામું આપવું પડ્યું હતું. પ્રજાસત્તાક ભારતના રાજકીય જીવનનું આ પહેલું જાહેર કૌભાંડ હતું.

રક્ષા મ. વ્યાસ