મુંજ (રાજ્યકાળ 974–995) : માળવાના પરમાર વંશનો સૌથી શક્તિશાળી શાસક, શ્રેષ્ઠ સેનાપતિ અને વિદ્વાનોનો આશ્રયદાતા. તેણે કલચુરિના ચેદિ રાજા યુવરાજ બીજાને તથા મેવાડના ગોહિલોને હરાવી તેમનાં પાટનગરોમાં લૂંટ ચલાવી. માળવાના વાયવ્ય ખૂણે સ્થિત હૂણમંડળ પર રાજ્ય કરતા હૂણોને હરાવ્યા. તેણે નડૂલ(જોધપુર રાજ્યમાં)ના ચાહમાનો ઉપર ચડાઈ કરી તેમના આબુ પર્વત તથા દક્ષિણના કેટલાક પ્રદેશો જીતી લીધા. તેણે પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજને હરાવી નાસી જવાની ફરજ પાડી.

કલ્યાણીના ચાલુક્ય રાજા તૈલ (તૈલપ) બીજાએ માળવા પર છ વાર ચડાઈ કરી. મુંજે તેને દરેક વખતે પરાજય આપ્યો. ત્યારબાદ તૈલ બીજાની આપત્તિને કાયમ માટે દૂર કરવાનો તેણે નિશ્ચય કર્યો. પોતાના અનુભવી વૃદ્ધ અમાત્ય રુદ્રાદિત્યની સલાહની અવગણના કરીને મુંજે તૈલ બીજાના રાજ્ય ઉપર ચડાઈ કરી. તેણે ગોદાવરી નદી ઓળંગી તે પછી કેદ પકડાયો. મુંજના અધિકારીઓએ ગુપ્ત રીતે તેને છોડાવવા યોજના ઘડી. પરંતુ રાજા તૈલ બીજાને તેની માહિતી મળી જતાં તેણે મુંજને દેહાંતદંડ આપ્યો. નર્મદા નદીના કિનારા સુધીના મુંજના પ્રદેશો તૈલે પોતાના રાજ્યમાં જોડી દીધા. મુંજ એક સમર્થ રાજા, મહાન સેનાપતિ અને અસામાન્ય કવિ હતો. તે કલાકારો અને સાહિત્યકારોનો આશ્રયદાતા હતો. તત્કાલીન કાવ્યસંગ્રહોમાં તેની વિવિધ કૃતિઓ મળી છે. ધનંજય ભટ્ટ, હલાયુધ, ધનિક, પદ્મગુપ્ત અને બીજા ઘણા કવિઓ અને લેખકો તેના દરબારનાં અમૂલ્ય રત્નો હતાં. મુંજે લોકકલ્યાણ વાસ્તે અનેક જળાશયો તથા મંદિરો બંધાવ્યાં હતાં.

શિવપ્રસાદ રાજગોર