મીસેનાઈ સંસ્કૃતિ : પ્રાચીન ગ્રીસના મીસેની નગરમાં વિકસેલી સંસ્કૃતિ. પ્રાચીન ગ્રીસમાં આર્ગોસથી ઉત્તરે 10 કિમી.ના અંતરે આવેલ મીસેની નામના નગરમાં ઈ. સ. પૂ. સોળમી સદીમાં સાંસ્કૃતિક વિકાસ થયો હતો. જર્મન પુરાતત્વવિદ હેનરિક શ્લીમાને ઈ. સ. 1876માં મીસેનીમાં ટેકરી ઉપર ખોદકામ કરાવીને કિલ્લા સહિતનાં વિશાળ મહેલ, કબરો, હાડપિંજરો, કાંસાનાં હથિયારો, માટીનાં વાસણો તથા સોનું, ચાંદી અને કાંસાનાં અલંકારો અને બીજી વસ્તુઓ શોધી કાઢી. તે સમયે મીસેની ગ્રીસનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. મહેલના બે દરવાજામાંથી એક દરવાજા ઉપર બે સિંહણોની આકૃતિઓ છે. મહેલની દીવાલો ઉપર સુંદર ચિત્રો છે. સિંહદ્વારની દક્ષિણ બાજુએથી છ કબરોમાંથી 19 હાડપિંજરો મળ્યાં છે. તેની પાસે કીમતી અલંકારો, લડાઈનાં શસ્ત્રો, ચિત્રકામથી સુશોભિત ફૂલદાનીઓ, સોના-ચાંદીનાં વાસણો વગેરે મળી આવેલ છે. મહેલોની દીવાલો પરનાં ચિત્રો તત્કાલીન યુદ્ધકીય પરિસ્થિતિનું સૂચન કરે છે. ચિત્રોમાંથી સ્ત્રીઓ અને પુરુષોના પોશાકોની માહિતી પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ ચુસ્ત પોશાકો પહેરતી અને આકર્ષક કેશગુંફન કરતી. પુરુષો લાંબા વાળ અને કેટલાક દાઢી રાખતા. ત્યાં દ્રાક્ષ, જવ અને ઑલિવ ખેતપેદાશોમાં મુખ્ય હતાં. ત્યાં ધાતુકામ અને માટીકામના ઉદ્યોગો વિકસ્યા હતા. કાંસામાંથી ભાલા, તીર, તલવાર, ખંજર, ઢાલ વગેરે શસ્ત્રો બનાવવામાં આવતાં. ખેડૂતો ઉપરાંત લુહાર, સુથાર, કુંભાર, ચિત્રકાર વગેરે વ્યવસાયો ચાલતા હતા. વધારે શક્તિશાળી પરદેશી પ્રજાના હુમલાથી આ સંસ્કૃતિનો નાશ ઈ. સ. પૂ. બારમી સદીમાં થયો હતો.
જયકુમાર ર. શુક્લ