મીર (Mir – અર્થ : શાંતિ) : સોવિયેત રશિયા(હવેના રશિયા)નું અંતરીક્ષમથક. તેનો મુખ્ય ભાગ (core module) 20 ફેબ્રુઆરી, 1986ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીનાં વર્ષોમાં અન્ય અંતરીક્ષયાનો વડે તેના વધારાના ભાગ અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યા હતા અને ‘મીર’ના મુખ્ય ભાગ સાથે જોડવામાં આવ્યા હતા. આ રીતે, અંતરીક્ષમાં એક કાયમી, વિશાળ અને પરિવર્ત્ય (flexible) પ્રયોગશાળા તૈયાર કરવામાં આવી હતી.

સોવિયેત રશિયાના ત્રીજી પેઢીના ‘મીર’ અંતરીક્ષ-મથક[ પહેલી પેઢીનું ‘સૉયુઝ’ (1967) તથા બીજી પેઢીનું ‘સેલ્યૂટ’ (1971) હતું]માં છ ‘ડૉકિંગ પૉર્ટસ’ છે, જેની મદદથી અન્ય ભાગ અથવા અંતરીક્ષયાનો તેની સાથે જોડી શકાય છે. અંતરીક્ષયાત્રીઓને રહેવા માટે તેમાં મોટો કક્ષ, અધિક વિદ્યુતશક્તિ તથા વૈજ્ઞાનિક સંશોધનો માટે આધુનિક ઉપકરણો તથા કમ્પ્યૂટર રાખવામાં આવ્યાં છે. તેના મુખ્ય નળાકાર ભાગનું વજન 21 ટન, લંબાઈ 13.13 મીટર તથા મહત્તમ વ્યાસ 4.2 મીટર છે.

માર્ચ, 1987માં ‘મીર’ સંકુલ સાથે જોડાવા માટે સોવિયેત રશિયાએ પહેલી વખત લગભગ 21 ટન વજનનો Kvant–1 (Quantum–1) નામનો એક મોટો વિશિષ્ટ એકમ અંતરીક્ષમાં મોકલ્યો હતો, જે મુખ્યત્વે ખગોળભૌતિકશાસ્ત્રના કાર્ય માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તે મુખ્ય ‘મીર’ જેટલો જ મોટો હતો અને તેથી અંતરીક્ષમથકમાં રહેવાની જગા લગભગ બેગણી થઈ ગઈ હતી. ફેબ્રુઆરી, 1989માં 19 ટન વજનનું Kvant–2 પણ ‘મીર’ સાથે જોડવામાં આવ્યું હતું, જેમાં સ્નાન કરવા માટે ફુવારો અને મોરી (shower and sink) હતાં તથા અંતરીક્ષયાત્રી બહાર ખુલ્લા અંતરીક્ષમાં સમારકામ કરવા માટે મથકમાંથી આવ-જા કરી શકે તે માટે હવાચુસ્ત તંત્ર(airlock system)ની સુવિધા રાખવામાં આવી હતી. આ રીતે ‘મીર’ અંતરીક્ષમથકને અમેરિકાના ‘સ્કાયલૅબ’(1973)ની સમકક્ષ બનાવવામાં આવ્યું હતું. માર્ચ, 1990 દરમિયાન 19 ટન વજનનો Kvant–3 (Kristall) નામનો એકમ ‘મીર’ની સાથે જોડવામાં આવ્યો હતો, જેમાં સોવિયેત રશિયાના ‘બુરાન’ (Buran) નામના સ્પેસ-શટલને ‘મીર’ સાથે જોડવા માટે ડૉકિંગ પૉર્ટ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પૃથ્વી પરની પરિસ્થિતિમાં બનાવી ન શકાય તેવાં વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યો અંતરીક્ષની વજનવિહીન પરિસ્થિતિમાં બનાવવા માટે તેમાં ઉપકરણો મૂકીને ‘મીર’ને અંતરીક્ષના કારખાનામાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ સાથે ‘મીર’નું કુલ વજન 82 ટન થયું હતું. Kristall સુવિધાનો ઉપયોગ કરીને સોવિયેત રશિયાના અંતરીક્ષયાત્રીઓએ વીજાણુશાસ્ત્ર અને બાયૉમેડિકલ ઉપયોગો માટે લાખો ડૉલરની કિંમતના સ્ફટિક (crystals) બનાવ્યા હતા.

પ્રક્ષેપિત થયા પછી 13 વર્ષો (1986–1999) ‘મીરે’ અંતરીક્ષમથકે લગભગ 400 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. 13 માર્ચ, 1986થી તેમાં અંતરીક્ષયાત્રીઓની આવનજાવન ચાલુ રહી. પૃથ્વી પરથી ‘સૉયુઝ’ અંતરીક્ષયાનમાં અંતરીક્ષયાત્રીઓ આવતા અને ‘મીર’ના યાત્રીઓની અદલાબદલી થતી. સામાન્ય રીતે ‘મીર’માં ત્રણ યાત્રીઓ કાર્યરત રહેતા. પૃથ્વી પરથી માનવરહિત ‘પ્રોગ્રેસ’ અંતરીક્ષયાન ‘મીર’ માટે જરૂરી પુરવઠો – પાણી, ખોરાક, બળતણ તથા અન્ય ઉપકરણો વગેરે – પહોંચાડતું હતું. 1987માં સોવિયેત રશિયાના અંતરીક્ષયાત્રી યુરી રોમાનેન્કોએ ‘મીર’માં 326 દિવસો સુધી રહીને દીર્ઘ અંતરીક્ષયાત્રાનો વિક્રમ સ્થાપ્યો હતો. (તે પહેલાં સોવિયેત રશિયાના અંતરીક્ષયાત્રીઓએ ‘સેલ્યુટ–7’ અંતરીક્ષમથકમાં 237 દિવસ રહેવાનો વિક્રમ પ્રાપ્ત કર્યો હતો.) ત્યારપછી 1996માં રશિયાનો અંતરીક્ષયાત્રી પૉલિયાકૉવ ‘મીર’માં 439 દિવસ સુધી રહ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી રહેવાનો વિક્રમ છે. એ સાથે પૉલિયાકૉવની અંતરીક્ષયાત્રાની કારકિર્દી કુલ 680 દિવસની થઈ હતી.

1991માં સોવિયેત સંઘના ભાગલા પડ્યા તે પછી આર્થિક મુશ્કેલીઓને કારણે રશિયાનો અંતરીક્ષ-કાર્યક્રમ અસર પામ્યો હતો; તેમ છતાં ‘મીર’નું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. સોવિયેત સંઘના અનુગામી કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (C.I.S.) દ્વારા પહેલાંના ગુપ્ત અને મર્યાદિત અંતરીક્ષ-કાર્યક્રમોનાં દ્વાર ખોલીને આંતરરાષ્ટ્રીય સહકાર શરૂ કરવામાં આવ્યો હતો, જેનો લાભ અમેરિકાની ખાનગી કંપનીઓ તથા યુરોપની અંતરીક્ષ-સંસ્થા ESAએ લેવાનું શરૂ કર્યું હતું. નાસા અને રશિયા વચ્ચે પણ સંયુક્ત સ-માનવ અંતરીક્ષ-કાર્યક્રમો અંગે તથા અમેરિકાનું Freedom નામનું અંતરીક્ષમથક તૈયાર કરવા માટે રશિયાનો સહકાર મેળવવા અંગે કરાર કરવામાં આવ્યા હતા. Freedom અંતરીક્ષમથકનું નામ International Space Station રાખવામાં આવ્યું છે; જેમાં 16 દેશો સહકાર આપે છે.) આ કરાર અનુસાર 1995માં અમેરિકાનું સ્પેસ-શટલ ‘એન્ડેવર’ (Endeavour) ‘મીર’ સાથે જોડવામાં આવ્યું હતું અને એ સાથે બંને દેશોનાં સંયુક્ત અંતરીક્ષ-ઉડ્ડયનો ચાલુ કરવામાં આવ્યાં હતાં. વીસ વર્ષ પહેલાં 1975 દરમિયાન ‘એપૉલો-સૉયુઝ ટેસ્ટ પ્રૉજેક્ટ’ – ASTP (1975) અંતર્ગત બંને દેશોનાં અંતરીક્ષયાન –‘એપૉલો’ અને ‘સૉયુઝ’–નું અંતરીક્ષમાં મિલન થયું હતું.

એ પછીનાં વર્ષોમાં ‘મીર’માં અમેરિકા તથા અન્ય દેશોના અંતરીક્ષયાત્રીઓનાં સંયુક્ત ઉડ્ડયનો ચાલુ કરવામાં આવ્યાં હતાં. ‘મીર’ના ઉપયોગ માટે દરેક દેશ તરફથી રશિયાને અમુક કિંમત આપવામાં આવતી હતી અને એ રીતે રશિયાને નાણાકીય મદદ મળતી હતી. મે, 1995 દરમિયાન 20 ટન વજન ધરાવતો Specktr નામનો ભાગ ‘મીર’ સાથે જોડવામાં આવ્યો હતો, જેમાં અમેરિકા તરફથી મળેલાં વૈજ્ઞાનિક ઉપકરણો તથા નવી સૌર પૅનલો હતી. આને લીધે ‘મીર’નું આયુષ્ય લંબાયું હતું. 1996માં રશિયા અને અમેરિકાનાં બે સંયુક્ત ઉડ્ડયનો થયાં હતાં. આ ઉપરાંત, રશિયાએ Priroda નામનો એક વધારાનો ભાગ ‘મીર’ સાથે જોડ્યો હતો, જેમાં અમેરિકા અને યુરોપનાં વૈજ્ઞાનિક ઉપકરણો રાખવામાં આવ્યાં હતાં. એ સાથે કુલ સાત જુદા જુદા ભાગ ધરાવતા ‘મીર’નું વજન 109 ટન થયું હતું.

અંતરીક્ષમાં ‘મીર’નું અગિયારમું વર્ષ (1997) આકરી કસોટી સમાન હતું. 1997ના ફેબ્રુઆરીમાં ‘મીર’માં આગ લાગી હતી અને ઑક્સિજન ઉત્પન્ન કરતા યંત્રમાં મુશ્કેલી ઊભી થઈ હતી. જૂન, 1997માં પૃથ્વી પરથી પુરવઠો લાવનાર માનવ-રહિત ‘પ્રોગ્રેસ’ યાન ‘મીર’ સાથે જોડાણ દરમિયાન તેના Specktr ભાગ સાથે અથડાયું હતું, જેથી તેમાં નાનું કાણું પડી ગયું હતું અને તે ઉપરાંત તેની સૌર પૅનલોને પણ મોટું નુકસાન થયું હતું. આ અકસ્માતને કારણે Specktrમાં હવાનું દબાણ ખૂબ ઘટી ગયું હોવાથી તેને બંધ કરી દેવું પડ્યું હતું. તથા સૌર પૅનલોને નુકસાન થયું હોવાથી ‘મીર’નો વિદ્યુત-શક્તિ પુરવઠો પણ અડધો થઈ ગયો હતો. જુલાઈ 1997માં ‘મીર’ના મુખ્ય કમ્પ્યૂટરમાં સમસ્યા ઊભી થવાથી તેનું કાર્ય ઘણું જોખમાયું હતું. ત્યારપછી રશિયન અને અમેરિકન અંતરીક્ષયાત્રીઓેએ ‘મીર’માં જરૂરી સમારકામ કર્યું હતું તથા નવાં કમ્પ્યૂટર, સૌર પૅનલો તથા ઑક્સિજન ઉત્પન્ન કરવાનાં યંત્રો લાવીને તેનું કાર્ય વ્યવસ્થિત કર્યું હતું; તેમ છતાં Specktrનું જરૂરી સમારકામ તો થઈ શક્યું નહોતું.

જુલાઈ, 1997ના અહેવાલ પ્રમાણે પ્રક્ષેપિત થયા પછીનાં દસ વર્ષ કરતાં વધારે સમયગાળા દરમિયાન ‘મીર’ અંતરીક્ષયાને પૃથ્વીની 65,000 વખત પ્રદક્ષિણા કરી હતી. 50 કરતાં વધારે ખેપ દરમિયાન માનવરહિત ‘પ્રોગ્રેસ’ યાન દ્વારા 100 ટન કરતાં વધારે વજનનાં ખોરાક, બળતણ, પાણી, હવા, વૈજ્ઞાનિક સાધનો તથા જરૂરી યંત્ર-સામગ્રી ‘મીર’ને પહોંચાડવામાં આવ્યાં હતાં, જ્યારે ‘સૉયુઝ’ અને સ્પેસ-શટલ 20 કરતાં વધારે વખત ‘મીર’ સાથે જોડવામાં આવ્યાં હતાં.

1998ના વર્ષમાં ‘મીર’નું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું; તેમ છતાં આકરી નાણાકીય તંગીને કારણે ‘મીર’ને લાંબા સમય સુધી કાર્યરત રાખવું મુશ્કેલ બન્યું હતું. આ માટે રશિયાને દર વર્ષે 20–25 કરોડ ડૉલરનો ખર્ચ કરવો પડતો હતો. આ ઉપરાંત રશિયાએ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષમથકનો પહેલો ભાગ Zarya બનાવવાની જવાબદારી સ્વીકારી હોવાથી તે માટે પણ નાણાં ફાળવવાની ખાસ જરૂર હતી. છેલ્લી માહિતી પ્રમાણે 1999ના વર્ષ દરમિયાન ‘મીર’ને કાર્યરત રાખવામાં આવેલ. 2001ની સાલમાં દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં નિર્વિઘ્ને ઉતારી લેવામાં આવ્યું.

પરંતપ પાઠક