મીર અનીસ (જ. 1801, ફૈઝાબાદ; અ. 1874) : ઉર્દૂના ખ્યાતનામ મરસિયા-લેખક. આખું નામ મીર બબર-અલી અનીસ. તેમના પિતા મીર મુહમ્મદ મુસ્તહસન ખલીક પણ મરસિયા-લેખક હતા. પિતાની સાથે બાળપણમાં જ તેઓ લખનૌ જઈ વસ્યા હતા. તેમણે અરબી-ફારસી તથા ધાર્મિક ગ્રંથોના અભ્યાસની સાથે સાથે ઘોડેસવારીની તથા લશ્કરી તાલીમ પણ મેળવી હતી. તેમણે અવધના નવાબોમાંથી નવાબ ગાઝિયુદ્દીન હૈદર(1814–1827)થી લઈને નવાબ વાજિદઅલી શાહ (1847–1856) સુધીનો સમય જોયો હતો. મીર અનીસના સમકાલીન લખનૌની સભ્યતાએ માનવસંસ્કૃતિના દરેક પાસાને સાહિત્યિક રંગ અને સામાજિક ઉત્સવનો ઢંગ આપી દીધો હતો. મોહર્રમના ધાર્મિક પર્વની ઉજવણી ઉત્સવનું સ્વરૂપ પામી હતી. એ વાતાવરણમાં ઉછેર પામનાર અને કવિતાનો શોખ વારસામાં મેળવનાર મીર અનીસે સ્વાભાવિકપણે મરસિયા-લેખનને પોતાનો વ્યવસાય બનાવ્યો હતો. આ પ્રવૃત્તિમાં તેમની ધાર્મિક લાગણી તથા સાહિત્યિક આકાંક્ષા – બંને પોષાતાં હતાં અને લોકોને તેમના મરસિયા વાંચી કે ગવાતા સાંભળીને આત્મસંતોષ થતો હતો. આનું સુખદ પરિણામ એ આવ્યું કે ઉર્દૂ ભાષાને મરસિયા-કાવ્યનો અનુપમ તથા ઉત્કૃષ્ટ વારસો મળ્યો; જેની જોડ મળવી મુશ્કેલ છે. તેમના મરસિયાઓમાંથી દરેક કાવ્યમાં એક જુદો વિષય હોય છે, જે કરબલાનાં પાત્રોના જીવનપ્રસંગો ઉપર આધારિત હોય છે. તેમનાં પાત્રો ઐતિહાસિક હોય છે, પરંતુ તેમના જીવન-પ્રસંગો કે પરાક્રમો કાલ્પનિક હોય છે. મીર અનીસે આવી પ્રાસંગિક વિગતોને સચોટ વાણીમાં એવી રીતે રજૂ કરી છે કે તે ઐતિહાસિક સત્ય બની ગઈ છે. તેમણે મરસિયામાં શહીદો પ્રત્યે માનવીય લાગણીઓ  પ્રેમ, હમદર્દી, કરુણા વગેરે જન્માવ્યાં છે અને તેમના ઉપર અત્યાચાર કરનારાઓ વિરુદ્ધ ઘૃણાની છોળો ઉડાવી છે. તેમના મરસિયાનો સૂર અત્યંત કરુણ હોય છે, જે સાંભળનારાઓને રડાવ્યા વગર રહેતો નથી, અને મરસિયા લખવાનો મૂળ ઉદ્દેશ તેમાં જળવાય છે. મીર અનીસે મરસિયાની ભાષાને નિખાર આપ્યો છે. તેમણે અલંકારો વડે તેને રસપૂર્ણ બનાવી છે. અનીસે મરસિયાને એટલો લોકપ્રિય બનાવ્યો હતો કે તે કેટલીક પેઢીઓ સુધી અનીસનાં કુટુંબીજનોનો વ્યવસાય બની ગયો. અનીસના લઘુબંધુ મીર મુહમ્મદ નવાબ મૂનીસ અને અનીસના 3 દીકરા સલીસ, નફીસ તથા રઈસે પણ મરસિયા લખ્યા હતા. આમાંથી મીર ખુરશીદ અલી રઈસે સૌથી વધુ લોકચાહના મેળવી હતી, એ રીતે મીર નફીસના દૌહિત્ર સૈયદ અલીમુહમ્મદ આરિફે પણ પછી મરસિયા-લેખનમાં નામના મેળવી હતી. એમ કહેવાય છે કે ઉર્દૂમાં મીર અનીસ પછી કોઈએ મરસિયા-લેખનમાં તેમના જેવી નિપુણતા દર્શાવી નથી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી