મીર, સૈયદઅલી કાશાની
February, 2002
મીર, સૈયદઅલી કાશાની (સોળમી સદી) : ગુજરાતનો ઇતિહાસકાર. ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ. સ. 1511–1526)નો તે દરબારી ઇતિહાસકાર અને કવિ હતો. તેણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનો ઇતિહાસનો ગ્રંથ લખ્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન-સમયનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. આ ગ્રંથનો 50 ટકા ભાગ લેખકની કે અન્ય કવિઓની કાવ્ય-પંક્તિઓથી ભરપૂર છે. એણે એના ઇતિહાસમાં જે કાંઈ જાતે જોયેલું અથવા બનાવોમાં ભાગ લેનારાઓ પાસેથી સાંભળેલું તેના આધારે લેખન કર્યું છે. તેણે બનાવોના વર્ણનમાં સ્થળ, વર્ષ, મહિનો, દિવસ વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે. એણે તત્કાલીન બનાવોની કાળજીપૂર્વક નોંધો રાખી હતી. વળી તેણે સુલતાનનાં વખાણ કરવામાં અતિશયોક્તિ પણ કરી છે.
જયકુમાર ર. શુક્લ