મીરઝા અઝીઝ કોકા (જ. 1544 આશરે; અ. 1624, અમદાવાદ) : મુઘલ સમ્રાટ અકબરે નીમેલો ગુજરાતનો પ્રથમ સૂબેદાર. તે ‘ખાન આઝમ’ તરીકે જાણીતો અને અકબરનો દૂધભાઈ હતો. તેને કુલ ચાર વાર ગુજરાતનો સૂબેદાર નીમવામાં આવ્યો હતો. તેની પ્રથમ સૂબાગીરી (1573–75) દરમિયાન રાજા ટોડરમલે ગુજરાતમાં છ માસ રહીને દસ વર્ષ માટે મહેસૂલ-પદ્ધતિ નક્કી કરી. અકબરે ઘોડા પર નિશાની કરવાનો ધારો ગુજરાતમાં અમલ કરવા ફરમાવ્યું; પરંતુ ખાન આઝમ તેનો વિરોધી હોવાથી અકબરે તેને સૂબેદારપદેથી દૂર કર્યો. અઝીઝ કોકા બીજી વાર ગુજરાતનો સૂબેદાર નિમાયો (1590–1593) ત્યારે ગુજરાતમાં અશાંતિ પ્રવર્તતી હતી. મુઝફ્ફરશાહ સહિતના બળવાખોરોના ત્રીસ હજારના લશ્કર સામે અઝીઝ કોકાના સેનાપતિપદે મુઘલોના દસ હજારના સૈન્યની ધ્રોળ પાસે ભૂચર મોરીમાં થયેલી ભીષણ લડાઈ(18 જુલાઈ, 1591)માં મુઘલોનો જ્વલંત વિજય થયો. આ લડાઈ નિર્ણાયક હોવાથી એની યાદ લોકસાહિત્યમાં સચવાઈ રહી છે. બીજે દિવસે અઝીઝ કોકાએ નવાનગર શહેર લૂંટ્યું. બીજે વરસે તેણે ઘોઘા, માંગરોળ, સોમનાથ તથા જૂનાગઢનો કિલ્લો જીતી સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તા સ્થાપી અને મુઝફ્ફરશાહ 3જાનો અંત આણ્યો. તેથી અકબરના દરબારમાં અઝીઝ કોકાની ખૂબ પ્રશંસા થઈ. એનું સન્માન કરવા માટે એને આગ્રા બોલાવવામાં આવ્યો, પરંતુ તે હજ કરવા મક્કા ગયો. અકબરે એને ત્રીજી વાર ગુજરાતનો સૂબેદાર (1600–1605) નીમ્યો. આ દરમિયાન એણે ગુજરાતનો વહીવટ પાટનગર આગ્રા રહીને ચલાવ્યો. એણે પોતાના નાયબ તરીકે પોતાના પુત્રો શમ્સુદ્દીન અને શાદમાનને એક પછી એક નીમ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં કોઈ નોંધપાત્ર ઘટના બની નહોતી. જહાંગીરના અમલ દરમિયાન અઝીઝ કોકાને ફરી વાર ગુજરાતનો સૂબેદાર (1609–1611) નીમવામાં આવ્યો. તેમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે અઝીઝ કોકાએ મુઘલ રાજધાનીમાં રહેવું અને એના નાયબ તરીકે એના મોટા પુત્ર મીરઝા શમ્સુદ્દીને ગુજરાતમાં જવું. અઝીઝ કોકાના બીજા દીકરા મીરઝા ખુર્રમને સોરઠ વિસ્તારનો વહીવટ કરવા મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન ટોડરમલના પુત્ર રાય ગોપીનાથે સૂરત જિલ્લાના જમીનદારો પાસેથી ખંડણી ઉઘરાવી, બોરસદ તાલુકાના બીલપાડના ઠાકોરને, ખેરાળુ તાલુકાના માંડવાના સરદારને તથા કાંકરેજ(જિ. બનાસકાંઠા)ના ઠાકોરને હરાવી, કેદ કરીને ગ્વાલિયરના કિલ્લામાં રાખ્યા. પાછળથી તેમને મુક્ત કર્યા. અઝીઝ કોકાએ પાટણના પાદરમાં ખાન સરોવર બંધાવેલું, જે હાલ પણ મોજૂદ છે.

જયકુમાર ર. શુક્લ