મીર કાસિમ (જ. ? ; અ. 8 મે, 1777, દિલ્હી) : બંગાળનો નવાબ. મીર કાસિમે બંગાળના નવાબ મીર જાફર વિરુદ્ધ કાવતરું કરીને અંગ્રેજોની મદદથી તેમાં સફળતા મેળવી. તેથી અંગ્રેજોએ 20 ઑક્ટોબર, 1760ના રોજ તેને બંગાળનો નવાબ બનાવ્યો હતો. તે મુશ્કેલીઓને સાચી રીતે સમજનાર, યોગ્ય અને મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. તેનામાં લશ્કરી નેતૃત્વનો અભાવ હતો. અંગ્રેજો સાથે થયેલી સંધિ પ્રમાણે તેણે કંપનીને બર્દવાન, મિદનાપુર તથા ચટગાંવના જિલ્લાનો વહીવટ સોંપ્યો હતો.
મીર કાસિમે બંગાળમાં ફેલાયેલી અવ્યવસ્થા, જમીનદારો અને અંગ્રેજોના વર્ચસને દૂર કરવા અને નબળા રાજકોષને સમૃદ્ધ કરવા માટે દરબારી ખર્ચમાં કાપ મૂક્યો, ધનવાનો પાસેથી ધન મેળવ્યું તથા જે જમીનદારો કર આપતા ન હતા તેમની પર લશ્કરી દબાણ વધારી કર મેળવી રાજ્યની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો. તેણે અંગ્રેજોનું તમામ દેવું ભરપાઈ કર્યું. મીર કાસિમે બાહ્ય મુશ્કેલીનો પણ સામનો કર્યો. તેમાં ભોજપુરના જમીનદારોને હરાવી તે પ્રદેશ પર અધિકાર સ્થાપ્યો. તેણે મુઘલ શાહજાદાને પણ હરાવ્યો; પરંતુ તે તેના નેપાળના આક્રમણમાં અસફળ રહ્યો.
મીર કાસિમે અંગ્રેજોનો રાજકીય હસ્તક્ષેપ દૂર કરવા પોતાની રાજધાની મુર્શિદાબાદથી ખસેડી મુંગેર બનાવી ત્યાં પ્રશિક્ષિત લશ્કર દ્વારા કિલ્લાને સુર્દઢ બનાવી ત્યાં તોપ અને બંદૂક બનાવવાનું કારખાનું શરૂ કરાવ્યું. તેણે કંપની દ્વારા ચાલતા અયોગ્ય વેપાર તરફ કૉલકાતાના ગવર્નરનું ધ્યાન દોરવા અનેક પત્રો લખ્યા હતા, પરંતુ કોઈ પરિણામ ન આવતાં તેણે પોતાની વેપારનીતિમાં પરિવર્તન આણ્યું. તેણે બે વર્ષ સુધી તમામ વેપારને કરમુક્ત જાહેર કરી દેશી અને વિદેશી વેપારના સંબંધમાં સમાનતા આણી હતી.
મીર કાસિમનાં રાજકીય તથા વહીવટી પગલાંઓથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘણું નુકસાન થયું; તેથી કંપનીએ મીર કાસિમ વિરુદ્ધનું કાવતરું મીર જાફર સાથે મળીને શરૂ કર્યું. ત્યારે મીર કાસિમે લશ્કરી તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે કંપનીના સેનાપતિ એલિશે પટણા પર યુદ્ધ કરી તેના પર અધિકાર સ્થાપ્યો ત્યારે તેણે પુન: સામનો કરી તેના પરનો અધિકાર પાછો મેળવ્યો. કંપનીએ મીર જાફરને નવાબ જાહેર કરી મીર કાસિમ વિરુદ્ધ ખુલ્લો સંઘર્ષ શરૂ કર્યો. કંપનીના મેજર એડમ્સે અનેક યુદ્ધો કર્યાં. તેમાં કટવાહ, ગિરિઆહ, સૂતી અને ઉદયનાળાનાં યુદ્ધો મુખ્ય હતાં. મીર કાસિમે યુદ્ધસ્થાન છોડીને અવધમાં શરણ મેળવ્યું.
મીર કાસિમે પુન: નવાબ બનવા અવધના શુજા-ઉદ્-દૌલા તથા ત્યાં શરણ મેળવીને રહેલા મુઘલ શાહઆલમ સાથે મૈત્રી કરી. પટના પર તેણે અધિકાર મેળવી, બક્સરના મેદાનમાં સંયુક્ત લશ્કર એકઠું કર્યું. કંપનીના લશ્કરે શાહઆલમને પોતાના તરફ કરી લઈ, 22 ઑક્ટોબર, 1764ના રોજ યુદ્ધ કરી વિજય મેળવ્યો. મીર કાસિમ અલ્હાબાદ નાસી ગયો. ત્યારપછી તે બાર વર્ષ સુધી ભટકતું જીવન ગુજારી, દિલ્હીમાં મૃત્યુ પામ્યો હતો.
જિગીશ પંડ્યા