મીર, કાસમભાઈ નથુભાઈ (જ. 1906, ઉમરી ગામ, મહેસાણા; અ. 28 ઑક્ટોબર 1969) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ખ્યાતનામ દિગ્દર્શક, સંગીતકાર તથા અભિનેતા. શરૂઆત શ્રી આર્યનૈતિક નાટક સમાજથી 1917માં; પછી શ્રી વિજય નૌતમ નાટક સમાજમાં 1918માં; શ્રી દેશી નાટક કંપની લિમિટેડમાં 1920માં; શ્રી દેશી નાટક સમાજમાં 1924માં જોડાયા. હરગોવિંદદાસ જેઠાભાઈ શાહ સંસ્થાના માલિક થયા 1927માં. માત્ર 21 વર્ષની વયે તેઓ દેશી નાટક સમાજના દિગ્દર્શક અને સંગીતકાર બન્યા.

1936માં એમનાં પ્રથમ પત્નીના અવસાનનો તાર મળ્યો ત્યારે શ્રી દેશી નાટક સમાજના રંગમંચ પર નાટક ભજવાઈ રહ્યું હતું. કાસમભાઈને આવા આઘાતના સમાચાર મળ્યા પછી પણ જાણે કાંઈ જ બન્યું ન હોય એમ તેમણે નાટકમાંનું શૃંગારનું ર્દશ્ય અનોખા  આત્મસંયમથી રાબેતા મુજબ ભજવી નાટ્યનિષ્ઠા દાખવી.

કાસમભાઈ નથુભાઈ મીર

1938માં એમનાં બીજાં લગ્ન નક્કી થયાં ત્યારે ‘વડીલોના વાંકે’ નાટક ખૂબ સફળતાપૂર્વક ભજવાતું હતું. અને એમાં એમની ‘પુષ્કર’ની ભૂમિકા હોવા ઉપરાંત દિગ્દર્શન અને સંગીત પણ એમનાં હતાં. એ સંજોગોમાં વધારે રજા મળી શકે તેમ ન હતી. આથી વરરાજા રૂપે કાસમભાઈ મુંબઈથી સીધા જ લગ્નમંડપમાં ગયા અને લગ્નવિધિ પતાવી તેઓ લગ્નમંડપમાંથી સીધા જ મુંબઈ શ્રી દેશી નાટક સમાજમાં પહોંચી ગયા.

કાસમભાઈ અને અભિનેત્રી મોતીબાઈની અભિનય-બેલડીએ શ્રી દેશી નાટક સમાજમાં 15 વર્ષ સુધી અનોખા અભિનયથી પ્રેક્ષકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને વિવિધ નાટકોનાં ગીતોમાં ઘણા વન્સમોર મેળવ્યા હતા. એમનાં લોકપ્રિય ગીતોની ગ્રામોફોન રેકર્ડનું સારું વેચાણ થતું હતું.

તેમની કારકિર્દી દરમિયાન તેમણે 50 નવાં નાટકોનું દિગ્દર્શન, 51 નવાં નાટકોમાં અભિનય, 41 નાટકોમાં સંગીત, અંદાજે 1,200 સંગીતની તરજોનું સર્જન, 8,000થી વધારે વખત રંગમંચ પર અભિનય જેવી વિવિધ કામગીરી સંભાળી. 1953 સુધી નાટ્યતખ્તા પર અભિનય કર્યા પછી 1954થી માત્ર દિગ્દર્શન સંભાળવાનું ચાલુ રાખ્યું.

કાસમભાઈના દિગ્દર્શનવાળાં લોકપ્રિય નાટકોમાં ‘વલ્લભીપતિ’, ‘સાંભરરાજ’, ‘સોરઠી સિંહ’, ‘વિધિના ખેલ’, ‘ઊગતો ભાનુ’, ‘વડીલોના વાંકે’, ‘સંપત્તિ માટે’, ‘સર્વોદય’, ‘સંસ્કારલક્ષ્મી’, ‘માયા ને મમતા’, ‘પરભવની પ્રીત’ અને ‘પૈસો બોલે છે’ (547 પ્રયોગ સુધી ભજવાયેલું એમના જીવનનું, તેમનું દિગ્દર્શન પામેલું છેલ્લું નાટક હતું) જેવાં નાટકોનો સમાવેશ થાય છે.

એમની યાદગાર ભૂમિકાઓમાં ‘વડીલોના વાંકે’માં પુષ્કરની, ‘સંપત્તિ માટે’માં અનુપમની, ‘લીલાવતી’માં સુમતિવિલાસની, ‘વીણાવેલી’માં કઠિયારાની તથા ‘ઉમાદેવી’માં હમીરકુમારની મુખ્ય છે.

શ્રી દેશી નાટક સમાજે કાસમભાઈની લાંબા સમયની સંનિષ્ઠ ફરજની કદર રૂપે, તેમના માટે ‘અજિતસિંહ’ (29 એપ્રિલ 1931), ‘ગર્ભશ્રીમંત’ (12 સપ્ટેમ્બર, 1954), ‘વીરપૂજન’ (9 સપ્ટેમ્બર, 1957) તથા ‘સંપત્તિ માટે’ (29 મે, 1958) નાટકોની લાભરાત્રિ(benefit night)ના પ્રયોગો યોજ્યા હતા.

1949માં વીરચંદ શેઠના ‘ખટાઉ’માં દિગ્દર્શક બન્યા અને 1950માં પોતાની માલિકીની નાટ્યસંસ્થા શ્રી વિજય નાટક સમાજ શરૂ કરી; પણ એક વર્ષ પછી તે બંધ થઈ. ત્યારબાદ 1951માં ફરીથી શ્રી દેશી નાટક સમાજમાં જોડાયા.

સંગીતનું જ્ઞાન તેમણે સંગીતકાર લક્ષ્મણસિંહજી ભૈયાજી પાસેથી મેળવ્યું હતું. તેઓ કડક શિસ્તપાલનના હિમાયતી હતા. કાસમભાઈમાં દિગ્દર્શનકળાની અનોખી સૂઝ હતી. તેઓ મધુર કંઠ પણ ધરાવતા હતા. એમની સંગીતની તરજો ખૂબ લોકપ્રિય નીવડી હતી. નવોદિત કલાકારોને તેઓ નાટ્યકળાની તાલીમ પણ આપતા હતા.

શ્રી દેશી નાટક સમાજમાં 4 દસકા સુધી દિગ્દર્શન, અભિનય અને સંગીતનાં ત્રિવિધ ક્ષેત્રોમાંનું કાસમભાઈ મીરનું પ્રદાન ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યાદગાર નીવડ્યું છે.

1961માં કાસમભાઈ મીરને રાષ્ટ્રપતિચંદ્રક અપાયો હતો.

ધીરેન્દ્ર સોમાણી