મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો) : ઉર્દૂ ગદ્યલેખક તથા કવિ અને ‘બાગ વ બહાર’ નામની દાસ્તાનના કર્તા. તેમનાં ઉપનામ ‘લુત્ફ’, ‘અમ્મન’ હતાં. તેમના વડવાઓ મુઘલ બાદશાહ હુમાયૂંના સમયથી રાજદરબારમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. મીર અમ્મન દિલ્હીના છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહના સમયમાં થઈ ગયા. તેઓ દિલ્હીમાં જમીન-જાગીર ધરાવતા હતા, પરંતુ અહમદશાહ અબદાલીના હુમલા વખતે તેઓ લૂંટાઈ ગયા. દિલ્હીથી સ્થળાંતર કરીને મીર અમ્મન પહેલાં અઝીમાબાદ પટણા ગયા અને ત્યાંથી કૉલકાતા પહોંચીને સ્થાયી થઈ ગયા. કૉલકાતાના ફૉર્ટ વિલિયમમાં અંગ્રેજ સત્તાધીશોએ એક શૈક્ષણિક સંસ્થા (કૉલેજ) સ્થાપી હતી, જેમાં અંગ્રેજ અફસરોને ઉર્દૂ-હિન્દી-હિન્દુસ્તાની ભાષાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા હતી. આ ફૉર્ટ વિલિયમ કૉલેજ(સ્થાપના : 1800)માં મીર બહાદુરઅલી હુસેની નામના વિદ્વાન મીર મુનશી (પ્રાચાર્ય) હતા. મીર અમ્મનના તેઓ મિત્ર હતા. તેમની ભલામણથી ડૉ. ગિલક્રિસ્ટે, મીર અમ્મનનાં જ્ઞાન તથા નિષ્ઠા જોઈને તેમને કૉલેજમાં શૈક્ષણિક કાર્ય સુપરત કર્યું. મીર અમ્મને વિદેશીઓને ઉર્દૂ ભાષાના શિક્ષણમાં મદદરૂપ થવા એક પ્રખ્યાત ફારસી ગદ્યકૃતિ ‘કિસ્સએ ચ્હાર દરવીશ’નો સીધી અને સરળ ઉર્દૂ ભાષામાં અનુવાદ કર્યો અને આ ભાષાંતરનું નામ ‘બાગ વ બહાર’ રાખ્યું. આ કૃતિએ એક તરફ મીર અમ્મનનું નામ રોશન કર્યું અને બીજી તરફ ઉર્દૂમાં એક નવીન ગદ્યશૈલીનો પાયો નાંખ્યો. મીર અમ્મન પહેલાં ઉર્દૂ ગદ્યની શૈલી ઘણી અઘરી તથા વાગ્મિતાથી ભરપૂર હતી. મીર અમ્મને દિલ્હીની બોલચાલની ભાષા, ત્યાંના મુહાવરાઓ, સીધાં-સાદાં વાક્યો તથા વાર્તાલાપની શૈલી દ્વારા ઉર્દૂ ગદ્યમાં એક નવો ચીલો પાડ્યો. મીર અમ્મને ‘બાગ વ બહાર’નું લેખનકાર્ય 1801માં શરૂ કરીને 1802માં પૂરું કર્યું અને 1803માં તેનું પહેલું પ્રકાશન થયું. આ પુસ્તકે એવી તો લોકચાહના મેળવી કે અંગ્રેજી, ફ્રેંચ, પૉર્ટુગીઝ તથા લૅટિન ભાષાઓમાં તેના અનુવાદ થયા. ઉર્દૂમાં તો તેને કાવ્યસ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું. ફ્રેંચ વિદ્વાન ગાર્સન દતાસીએ તેના વિશે ઘણું લખ્યું છે. મીર અમ્મનની ભાષા ઉપરાંત તેમની કૃતિમાં નિરૂપાયેલ હિન્દુસ્તાની રહેણીકરણી, વેશભૂષા, વાર-તહેવારો અને રીતરિવાજોનાં વર્ણનોથી પણ વાચકોનું ધ્યાન ખેંચ્યું હતું. મીર અમ્મન કવિ હતા. જોકે તેઓ વ્યવસાયી કવિ ન હતા. તેમની કાવ્યકૃતિઓ મળતી નથી. છતાં તેમની કવિત્વશક્તિની છાપ તેમની ગદ્ય-કૃતિમાં દેખાઈ આવે છે. મીર અમ્મને એક બોધદાયક ફારસી કૃતિ ‘અખ્લાકે મુહસિની’(લેખક : મુલ્લા હુસેન વાઅઝ કાશિફી)નો પણ ઉર્દૂ ગદ્યમાં ‘ગંજે ખૂલી’ના નામે અનુવાદ કર્યો હતો. તે કૉલકાતાથી 1846માં પ્રગટ થયો હતો.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી