મીરા દાતાર સૈયદઅલી
February, 2002
મીરા દાતાર સૈયદઅલી (જ. 1474, ગુજરાત; અ. 1492, મીરા દાતાર, ઉનાવા, જિ. મહેસાણા) : સલ્તનતકાલીન ગુજરાતના એક પ્રસિદ્ધ પીર. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે મીરા દાતાર સૈયદઅલીની દરગાહ છે.
મીરા દાતાર સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. તેમને બે પુત્રો હતા. મોટો પુત્ર અબુ મહંમદ અને નાનો પુત્ર સૈયદઅલી. સૈયદઅલીનો જન્મ હિજરી સંવત 879 (ઈ. સ. 1474) રમઝાન માસ, 29મા ચાંદ, જુમેરાત(ગુરુવાર)ના રોજ થયો હતો. મીરા દાતાર સૈયદ અલીનું ખાનદાન ઇસ્લામના પયગમ્બર હઝરત મહંમદ સાથે જોડાયેલું છે. મીરા દાતારના દાદા હઝરતઅલી હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)ના જમાઈ થાય. ખુદ હઝરત મહંમદ પયગમ્બર તેમના નાના થાય. મીરા દાતાર નાનપણથી જ નેક અને પરહેજગાર (સંયમી) હતા. હંમેશાં ખુદાની ઇબાદતમાં રત રહેતા. તેઓ હઝરત ઇમામ હુસેનને ખૂબ માનતા. નાનપણથી જ નિયમિત કુરાનેશરીફનું પઠન કરતા અને હજરત ઇમામ હુસેનને તે બક્ષતા (અર્પતા) અને ખુદા પાસે હંમેશાં એક જ દુવા (પ્રાર્થના) કરતા :
‘એ ખુદા, જેવી રીતે હઝરત ઇમામ હુસેન અલ્લાહના રાહમાં શહીદ થયા હતા, એમ જ હું પણ અલ્લાહના રાહમાં, માનવસમાજની હિફાજત કરતાં કરતાં શહીદ થાઉં.’
હિજરી સન 830(ઈ. સ. 1426)માં મીરા દાતારના દાદા ઇલમુદ્દિન ગુજરાતમાં આવ્યા અને અહમદશાહ બાદશાહ(ઈ. સ. 1411–1442)ના દરબારમાં આવી ગુજરાતમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. અહમદશાહ બાદશાહે તેમને ગુજરાતમાં રહેવાની સગવડ કરી આપી. એક દિવસ અહમદશાહ બાદશાહે ઇલ્મુદ્દીનને કહ્યું, ‘તમે સો ઘોડેસવારો લઈ લીલાપુર ગામમાં જાવ. પાટણ નગરમાં ભીલ અને ડાકુઓએ પ્રજા પર અત્યાચાર કર્યો છે. તેને જેર કરી પ્રજાનું રક્ષણ કરો.’
હિજરી સંવત 880(ઈ. સ. 1475)માં રાજા મેવાસ સાથે યુદ્ધ કરી, ભીલો અને ડાકુઓને જેર કર્યા અને પ્રજામાં શાંતિ અને સલામતી સ્થાપી.
બાદશાહ અહમદશાહના અવસાન પછી થોડાં વર્ષો બાદ મહમૂદ બેગડો (ઈ. સ. 1459–1511) સત્તા પર આવ્યો. એ સમયે માંડુના રાજાએ ત્યાંની પ્રજા પર અમાનવીય અત્યાચારો કરવા માંડ્યા હતા. તેનાથી પ્રજાને બચાવવા મહેમૂદ બેગડાએ લશ્કર સાથે માંડુ કૂચ કરી. તે લશ્કરમાં સૈયદઅલી દાતાર(મીરા દાતાર)ના દાદા ઇલ્મુદ્દીન પણ સૈનિક તરીકે ગયા હતા. માંડુના રાજાની લશ્કરી તાકાત સામે મહેમૂદ બેગડાનું લશ્કર વર્ષો સુધી લડ્યું, પણ વિજય ન મળ્યો. એક દિવસ મહેમૂદ બેગડો નમાજ પઢતા ઇલ્મુદ્દીનને જોઈ ગયો. તેમની ઇબાદત અને ચહેરા પરના તેજથી પ્રભાવિત થઈ તેણે ઇલ્મુદ્દીનને પૂછ્યું : ‘માંડુના રાજાને હરાવવાની કોઈ તરકીબ બતાવો.’ ઇલ્મુદ્દીને કહ્યું, ‘મારા પૌત્ર સૈયદઅલીને બોલાવો. તેના હાથે જ માંડુના રાજાનો પરાજય થશે.’ અને મહેમૂદ બેગડાએ તુરત ઘોડસવારને સંદેશો લઈ મોકલ્યો. સંદેશો મળતાં જ સૈયદઅલી યુદ્ધભૂમિ પર દોડી આવ્યા. માંડુના રાજા સાથે યુદ્ધ થયું અને તેને હરાવ્યો, પણ માંડુના રાજાએ સૈયદઅલીને એક ગુફામાં દગાથી હણ્યા અને મીરા દાતાર સૈયદઅલી શહીદ થયા. એ દિવસ હતો શુક્રવાર મહોરમ માસનો – 29મો ચાંદ, હિજરી સન 898 (ઈ. સ. 1492). ઉનાવા ગામમાં તેમને દફનાવવામાં આવ્યા. આજે એ જ સ્થાન પર તેમની દરગાહ છે.
મીરા દાતાર સૈયદઅલીના નામ સાથે જોડાયેલા બે શબ્દો ‘મીરા’ એટલે કે ‘બહાદુર’ અને ‘દાતાર’ એટલે કે ‘દાન દેનાર’ તેમની શહીદી પછી હંમેશ માટે જોડાઈ ગયા. આજે પણ મીરા દાતારની દરગાહ પર આવનાર કોઈ જ શ્રદ્ધાળુ ખાલી હાથે પાછા જતા નથી, એવી ર્દઢ માન્યતા હિન્દુ-મુસ્લિમ બંને સમાજમાં પ્રવર્તે છે. ખાસ કરીને આસપાસના લોકો માનસિક બીમારી ધરાવતા દર્દીઓને અહીં લાવે છે અને તેમને સારું થાય છે એવી માન્યતા છે.
હાલમાં મીરા દાતાર મુસ્લિમોનું યાત્રાનું ધામ છે. તેમની દરગાહ પાસે મુહર્રમની 28મીએ આ પીરના માનમાં પ્રતિવર્ષ ઉર્સ ભરાય છે. તેમાં દેશમાંથી 15,000 લોકો ભેગા થાય છે.
મહેબૂબ દેસાઈ