મીરાજી, સનાઉલ્લાહ (વીસમા શતકનો પૂર્વાર્ધ) : ઉર્દૂના વિવાદાસ્પદ કવિ તથા લેખક. તેમની રચનાઓમાં હિન્દુ દેવમાલા અને હિન્દી ભાષાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેઓ બાળપણમાં ગુજરાતમાં રહ્યા હતા અને ગુજરાતના ડુંગરો તથા ગ્રામીણ સંસ્કૃતિથી પણ પ્રભાવિત થયા હતા. તેમનું નામ મુહમ્મદ સનાઉલ્લાહ હતું. તેઓ કાશ્મીરના દાર (ધાર) કુટુંબના હતા. પંજાબ તેમનું વતન હતું. તેમના પિતા ભારતીય રેલવેમાં બ્રિજ-ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા. તેમણે રેલવેમાં પાવાગઢ પાસે હાલોલમાં અને સૌરાષ્ટ્રમાં દ્વારકામાં કામ કર્યું હતું. સનાઉલ્લાહને આ રીતે ગુજરાતનાં શાંત તથા સ્વચ્છ વાતાવરણ ધરાવતાં અને સાથે સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે નિકટનો સંબંધ ધરાવતાં ઐતિહાસિક સ્થળોને નજીકથી જોવાની તક મળી હતી. તેમણે લાહોરમાં શાળાકીય શિક્ષણ લીધું હતું. તેમને અંગ્રેજી તથા ઉર્દૂ સાહિત્યના વાચનનો શોખ હતો અને બહુ નાની વયે તેઓ લાહોરના પ્રથમ પંક્તિના ઉર્દૂ સામયિક ‘અદબી દુન્યા’ના નાયબ તંત્રી બન્યા હતા. એ સમયે તેમણે પ્રાચીન ભારતીય પરંપરાના વિલક્ષણ કવિઓ અમરુ, વિદ્યાપતિ તથા ચંડીદાસની રચનાઓ અને તેમના વિચારોનો અભ્યાસ કરીને તેમના વિશે વિવેચનાત્મક લેખો લખ્યા હતા. આવી જ રીતે તેમણે અમેરિકી કવિ એડ્ગર ઍલન પો તથા ફ્રેન્ચ કવિ તથા લેખક ચાર્લ્સ બૉદલેરનો પણ અભ્યાસ કર્યો હતો. આ કવિઓનો ઘેરો પ્રભાવ મીરાજીના મન ઉપર પડ્યો હતો. તેઓ ભરયુવાનીમાં લાહોરમાં એક બંગાળી કુટુંબની વિદ્યાર્થિની મીરા સેનના એકતરફી અને આંધળા પ્રેમમાં પડ્યા હતા અને તેના નામ ઉપરથી તેમણે પોતાનું ઉપનામ ‘મીરાજી’ રાખી લીધું હતું. અપ્રાપ્ય પ્રેમ તથા સાંત્વનના બોજ હેઠળ મીરાજીમાં દૂરત્વ(distance)ની એક ઘેરી ભાવના વિકસી હતી. તેમને દૂરવર્તી ભૂતકાળની લગની લાગી હતી. પરિણામે તેમણે સમાજના પ્રચલિત રીતરિવાજો વિરુદ્ધ રહેણીકરણી અપનાવી લીધી હતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી ઑલ ઇન્ડિયા રેડિયો(AIR)માં નવી ભરતી થતાં તેના ડિરેક્ટર જનરલ પિતરસ બુખારીએ બીજા ઉર્દૂ-પંજાબી સાહિત્યકારોની સાથે મીરાજીને પણ દિલ્હી બોલાવી રેડિયો-સ્ટેશનમાં નિયુક્ત કર્યા હતા. દિલ્હીમાં મીરાજીએ શિસ્તબદ્ધ રીતે રહેવાનો પ્રયત્ન કર્યો હતો; પરંતુ 1944માં રેડિયો-સ્ટેશન છોડીને મુંબઈની ફિલ્મી દુનિયામાં જઈ ફરી પાછા આઝાદ બની ગયા હતા. મીરાજી પ્રકૃતિના ઉપાસક હતા. તેમણે પ્રકૃતિમાં રહેલા દૂરવર્તી સૌંદર્યને શોધી કાઢીને તેનાં ગુણગાન અનોખી રીતે પોતાની કવિતામાં ગાયાં છે.

કેટલાક વિવેચકોએ મીરાજીને ધરતી-પૂજાના કવિ તરીકે બિરદાવ્યા છે; પરંતુ તેમની કવિતાનો મુખ્ય સૂર તો માણસના અંતરની આધિ અને આત્માની પીડા છે. તેમાંથી બહાર નીકળવા માટે મીરાજીએ સમાજનાં તથા સભ્યતાનાં બંધનો તોડવાનો આગ્રહ રાખ્યો હતો. આ રીતે તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા, પરંતુ તેઓ ડાબેરી કે અન્ય પ્રકારનાં કોઈ રાજકીય વલણો ધરાવતા ન હતા. તેઓે શુદ્ધ સાહિત્યના ઉપાસક હતા, તેથી ઉર્દૂના પ્રગતિવાદી લેખકો તેમનો વિરોધ કરતા હતા અને તેમની ઉપર જાતીય વલણો તથા વિકૃત માનસ ધરાવવાનો આરોપ મૂકતા હતા. હકીકતમાં મીરાજી એક સક્ષમ કવિ હતા. મીરાજીએ દેશ-વિદેશના કવિઓ ઉપર જે વિવેચનાત્મક લેખો લખ્યા છે તે તેમની ઊંડી ર્દષ્ટિ અને ગદ્ય ઉપરના તેમના પ્રભુત્વને છતાં કરે છે. તેમના આ લેખો ઉર્દૂ વિવેચન-સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી