મીરા કુમાર (જ. 31 માર્ચ 1945, પટણા, બિહાર) : ભારતની લોકસભાનાં સૌપ્રથમ મહિલા-અધ્યક્ષ. મે 2009માં મીરા કુમાર સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયાં એ ભારતની સંસદના 57 વર્ષના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. તેઓ ભારતની લોકસભાનાં 16મા અધ્યક્ષ હતાં. 2009ની 15મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તેઓ બિહારના સસારામ મતવિસ્તારમાંથી ભારે બહુમતીથી ચૂંટાયેલાં કૉંગ્રેસ પક્ષનાં મહિલા-સાંસદ છે. તેમના પિતા જગજીવનરામ લગભગ 40 વર્ષ સુધી સતત સાંસદ તરીકેની દીર્ઘ કારકિર્દી ધરાવનારા નેતા હતા. તેઓ ભારતના સંરક્ષણ-મંત્રી અને નાયબ વડાપ્રધાન જેવા હોદ્દાઓની જવાબદારી સંભાળી ચૂકેલા પીઢ દલિત નેતા હતા. તેમનાં માતા ઇન્દ્રાણીદેવીએ ભારતની સ્વાતંત્ર્ય- લડતમાં ભાગ લીધો હતો.
તેમણે દિલ્હી ખાતે કૉલેજશિક્ષણ મેળવ્યું. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. તેઓ કાયદાનાં પણ સ્નાતક બન્યાં. પ્રારંભે વકીલાતની કારકિર્દીમાં જોડાયાં બાદ 1973માં તેઓ ભારતીય વિદેશસેવામાં જોડાયાં હતાં. વિદેશસેવાના અધિકારી તરીકે તેમણે સ્પેન, લંડન, મોરિશિયસ જેવા દેશોમાં દૂતાવાસના જવાબદાર અધિકારી તરીકે ફરજો બજાવી હતી. રાજીવ ગાંધીના સૂચનથી તેમણે રાજકીય કારકિર્દી ઘડવાનો મનસૂબો કર્યો. એ પછી 1985માં ભારતીય વિદેશસેવા છોડીને તેઓ કૉંગ્રેસ પક્ષમાં જોડાયાં.
તેમના પતિ મંજુલ કુમાર ભારતની સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ વકીલ છે. આ દંપતી બે પુત્રો અને એક પુત્રી ધરાવે છે. કૉલેજકાળમાં મીરા સારાં ખેલાડી હતાં અને રાઇફલ શૂટિંગ તેમની પ્રિય રમત હતી, જેમાં તેમણે અનેક ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા હતા. કવિતાની રચના કરવી તે પણ તેમના શોખની બાબત રહી છે.
1985માં રાજકીય કારકિર્દીના આરંભે તેમણે ઉત્તરપ્રદેશના બિજનૌર મતવિસ્તારની પેટાચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીની ત્રિપાંખિયા સ્પર્ધામાં તેમણે બે અગ્રણી દલિત નેતાઓ – રામવિલાસ પાસવાન અને માયાવતી – ને હરાવી વિજય મેળવ્યો હતો. 1990–92 અને 1996–98નાં વર્ષો દરમિયાન તેઓ કૉંગ્રેસ પક્ષનાં મહામંત્રી બન્યાં અને પક્ષીય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે 11મી અને 12મી લોકસભામાં મતદાર-વિસ્તાર બદલ્યો. દિલ્હીના કરોલ બાગ મતવિસ્તારની બેઠક પરથી તેઓ ચૂંટણીમાં વિજેતા બન્યાં. 1999ની 13મી સામાન્ય ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ પણ ચાખ્યો. ફરીને 2004ની 14મી સામાન્ય ચૂંટણી અને 2009ની 15મી સામાન્ય ચૂંટણીમાં તેમણે મતવિસ્તાર બદલ્યો. તેઓ આ બંને ચૂંટણી પિતા જગજીવનરામના સસારામ મતવિસ્તારમાંથી લડ્યાં અને બંને વખત વિજયી બન્યાં. 2004માં મનમોહનસિંઘની સરકારમાં તેઓ લઘુમતીઓ અને દલિતો માટેના ખાસ વિભાગનાં મંત્રી હતાં. 2009ની 15મી લોકસભામાં તેઓ જળસ્રોત વિભાગના મંત્રીપદે નિમણૂક પામેલાં; પરંતુ બે દિવસ બાદ તેઓ લોકસભામાં અધ્યક્ષ તરીકે ચૂંટાતાં તેમણે ઉપર્યુક્ત હોદ્દા પરથી રાજીનામું આપવાનું પસંદ કર્યું. ‘ઉચ્ચ હોદ્દેદારોની ક્રમવ્યવસ્થા’(વૉરંટ ઑવ્ પ્રિસીડન્સ)માં ભારતની લોકસભાના અધ્યક્ષનો હોદ્દો ચોથા ક્રમાંકનો ઉચ્ચ હોદ્દો છે, જે ધરાવનાર તેઓ સૌપ્રથમ મહિલા છે. જુલાઈ, 2007માં પ્રતિભા પાટિલ ભારતનાં સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયાં તે ઘટના જેવી જ આ પણ એક યાદગાર ઘટના છે. આ બંને ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર મહિલાઓને ચૂંટીને કૉંગ્રેસ પક્ષે તેની સામાજિક ઇજનેરી સિદ્ધિ દ્વારા રાજકીય કૌશલ્ય અને સામાજિક નિસબતનો પરિચય કરાવ્યો છે.
મીરા કુમાર સામાજિક કાર્યકર અને દલિત નેતા તરીકે ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેમણે વિવિધ દલિત આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવવા ઉપરાંત માનવ-અધિકાર પંચનાં કાર્યોમાં કામગીરી બજાવી છે. રાષ્ટ્રીય દુષ્કાળરાહત ફંડનાં તેઓ અધ્યક્ષ હતાં. જ્ઞાતિપ્રથાની નાબૂદી માટે તેઓ સક્રિય છે. દલિતોને ન્યાય મળે તે માટે તેમણે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરી તે દિશામાં નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા દિલ્હી યુનિવર્સિટીની કોર્ટનાં સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. સસારામ મતવિસ્તાર, બિહાર રાજ્ય, જગજીવનરામ સેવા આશ્રમ તથા જગજીવનરામ સૅનેટોરિયમ જેવી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે તેઓ કોઈ ને કોઈ રીતે સંકળાયેલાં રહ્યાં છે. આમ તેમની રાજકીય અને સામાજિક કારકિર્દી બહોળો વ્યાપ ધરાવે છે.
વિદેશસેવાનાં મૃદુભાષી પૂર્વ અધિકારી, પીઢ દલિત નેતાનાં પુત્રી તેમજ સામાજિક-રાજકીય કાર્યોનો તેમનો વિશાળ અનુભવ જોતાં લોકસભાના અધ્યક્ષની નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી બજાવવામાં પણ તેઓ સક્ષમ નીવડશે એવી ધારણા હતી.
વર્ષ 2014માં આયોજિત સામાન્ય ચૂંટણીમાં તેઓ પરાજિત થયાં હતાં. વ્યક્તિગત રીતે લીલો રંગ તેમનો પ્રિય રંગ છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુંતલમ્’ તેમનું પ્રિય પુસ્તક છે.
રક્ષા મ. વ્યાસ