મીન રાશિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રની છેલ્લી રાશિ. તેનો આકાર અવળસવળ બે માછલાં જેવો છે. તેમાં 35 તારાઓ છે અને તેનું ક્ષેત્ર ઘણું લાંબું દેખાય છે.
મીન રાશિ ચરણ રહિત, કફ પ્રકૃતિવાળી, જલતત્વવાળી, રાત્રિબલી, શબ્દહીન, નોળિયાના જેવા રંગની, સૌમ્ય અને દ્વિસ્વભાવવાળી, જલચર, ક્રાન્તિમાન, બહુસ્ત્રીસંગ કરનારી, બહુ પ્રજાવાળી, બ્રાહ્મણ જાતિની, ઉત્તર દિશાની સ્વામિની, વિષમોદયી અને શિથિલ અંગવાળી છે.
આ રાશિનો સ્વામી ગુરુ છે. રાશિચક્રમાં ગુરુને ધન અને મીન એમ બે રાશિઓ મળેલી છે અને સૂર્યને સિંહ રાશિ મળેલી છે. આ રાશિઓનું અંતર મીનથી સિંહ છઠ્ઠી અને સિંહથી ધન ચોથી તેમજ ધનથી મીન ચોથી રાશિ છે. આ રાશિઓ અને તેમના સ્વામીઓ વચ્ચે દોસ્તી છે. સૂર્ય ક્ષત્રિય જાતિનો અને ગુરુ વિપ્ર જાતિનો છે. વિચિત્રતા એવી છે કે ગુરુની ધન રાશિમાં સૂર્ય આવે અને જેટલો સમય રહે તે સમય શુભ કાર્યો માટે વર્જ્ય ગણાય છે અને તેને ધનાર્ક કહે છે અને સૂર્ય મીન રાશિમાં આવે ત્યારે તેને મીનાર્ક કહે છે. ઉત્તર ભારત અને ગુજરાતમાં ધનાર્ક-મીનાર્કમાં શુભ કાર્યો કરવામાં આવતાં નથી.
ધનાર્કને ઉત્તર હિંદમાં ખર માસ કહે છે. ત્યારે હેમંત ઋતુ ચાલતી હોય છે. ઠંડીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે બલદાયક પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવામાં આવે છે.
આમ ધનાર્ક અને મીનાર્કને લગ્નાદિ શુભ કાર્યો માટે વર્જિત ગણ્યા છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં એટલે સૂર્યના ઘરમાં જાય છે ત્યારે તે સમય સિંહસ્થ વર્ષનો ગણાય છે અને તે લગ્નાદિ શુભ કાર્યો માટે નિષિદ્ધ મનાયો છે. આ બંને સમયને (ધનાર્ક તથા સિંહસ્થ વર્ષને) ગુર્વાદિત્ય એવી સંજ્ઞા જ્યોતિષશાસ્ત્રીઓએ આપેલી છે. આમ ગુર્વાદિત્યને શુભ કાર્યોમાં ત્યાજ્ય ગણેલ છે.
મીન રાશિમાં પૂર્વા ભાદ્રપદા એક ચરણ, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી સંપૂર્ણ એટલે ચાર ચરણવાળાં નક્ષત્ર ગણેલાં છે. મીન રાશિનો સમય પંચકનો ગણાય છે. આમ છતાં ઉત્તરા ભાદ્રપદા અને રેવતી એ બંને નક્ષત્રો પ્રત્યેક શુભકાર્યમાં ગ્રાહ્ય ગણેલાં છે. મૃતકને અગ્નિસંસ્કાર કરતી વખતે પંચક હોય તો ‘પુત્તલ’ વિધાન એટલે મૃતકની સાથે પાંચ દર્ભનાં પૂતળાં મૂકવાનો રિવાજ છે. પંચકમાં દક્ષિણ દિશાની યાત્રા કરવી, અગ્નિદાહ દેવો, ખાટલો ભરવો, ઘાસ-લાકડાનો સંગ્રહ કરવો – આટલાં કાર્યોનો નિષેધ હોય છે; બાકીનાં કાર્યો કરી શકાય છે.
મીન રાશિનો ચંદ્ર ચાલતો હોય ત્યારે જન્મેલાની રાશિ મીન ગણાય છે. જાતકનું નામ પાડવા માટે દ-ચ-ઝ-થ અક્ષરો છે. તેનો સ્વામી ગુરુ છે. મીનનું જળ તત્વ અને ગુરુનું જળ તત્વ હોવાથી મીન લગ્ન કે ચંદ્રવાળા અન્ય –કોઈ ગ્રહની યુતિ કે ર્દષ્ટિ ન હોય તો તેમના દેહ પુષ્ટ હોય છે.
આ રાશિમાં જન્મેલા જાતકો સામાન્ય રીતે ગૌરવર્ણનું ઘાટીલું મેદયુક્ત શરીર, મધ્યમ ઊંચાઈ અને સુંદર આંખો ધરાવે છે. શરીરનું બંધારણ જળપ્રકૃતિનું હોય છે. તેઓ સ્વભાવે માયાળુ, હંમેશાં બીજાંનું ભલું કરનારા, ન્યાયપ્રિય, સાત્વિક વિચારો ધરાવનારાં હોય છે. વળી તેઓ ધાર્મિક અને ઈશ્વરનો ડર રાખનારા હોય છે.
ભારતી જાની