મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી) : સોલંકી રાજા કર્ણદેવ(રાજ્યકાલ : 1064–1094)ની રાણી અને સિદ્ધરાજ જયસિંહ(રાજ્યકાલ : 1094–1142)ની માતા. તે ચંદ્રપુર(કોંકણ)ના કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી હતી. જયકેશી કર્ણાટકના ચાલુક્ય રાજાનો સામંત હતો. ગુજરાતના રાજા કર્ણદેવ સાથે લગ્ન કરવાનો નિશ્ર્ચય કરી તે પાટણ આવી હતી; પરંતુ એ કદરૂપી હોવાથી કર્ણદેવે તેના પ્રત્યે વિમુખતા બતાવી. આથી નિરાશ થયેલ મીનળદેવીએ અગ્નિપ્રવેશ દ્વારા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. તે જાણીને રાજમાતા ઉદયમતી પણ અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયાં. તેથી માતાને બચાવી લેવા કર્ણદેવે મીનળદેવી સાથે લગ્ન કર્યાં. પરંતુ તેના તરફની વિમુખતા ચાલુ રહી. એક વાર મુંજાલ મંત્રીએ કર્ણદેવની કોઈ હલકા કુળની પ્રેયસીની જગાએ એને ગુપ્ત રીતે કર્ણ પાસે એકાંતમાં મોકલી દીધી. એ મિલનના પરિણામે તે જયસિંહ સિદ્ધરાજની માતા બની. જયસિંહ નાની વયે ગાદીએ બેઠો હોવાથી માતા મીનળદેવી સત્તાનાં સૂત્રો સંભાળતી હતી. કર્ણદેવના અવસાન બાદ દેવપ્રસાદે પાટણની ગાદી મેળવવા પ્રયાસ કર્યો; પરંતુ મીનળદેવીએ મહામાત્ય સાંતૂની સહાયથી તે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. પોતાના પુત્રનું રક્ષણ કરવા મીનળદેવીએ શરૂનાં વર્ષોમાં અથાગ પરિશ્રમ કર્યો હતો. તેણે કેટલાંક લોકકલ્યાણનાં કાર્યો કર્યાં હતાં. તેણે ધોળકામાં મલાવ તળાવ તથા વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં. મલાવ તળાવના એક ખૂણે એક ગણિકાનું ઘર આવતું હતું. તેણે ઘરની એ જગા ન આપી. તેથી ગોળાકાર તળાવ ઊણપવાળું બન્યું. આ ઘટના મીનળદેવીની ન્યાયપ્રિયતા માટે નોંધપાત્ર ગણાય છે. સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જતા યાત્રાળુઓ પાસેથી બાહુલોડ નજીક વેરો લેવામાં આવતો હતો. મીનળદેવીએ જયસિંહને આગ્રહ કરીને તે વેરો દૂર કરાવ્યો. તેનાથી સિદ્ધરાજે પ્રતિવર્ષ 72 લાખ જેટલી મોટી આવક ગુમાવી હતી.

શિવપ્રસાદ રાજગોર