મીનાસ્ય : દક્ષિણ ગોળાર્ધનો એક તેજસ્વી તારો. પશ્ચિમના દેશોમાં તે Fomalhaut તરીકે ઓળખાય છે. 1.17 તેજાંકનો આ તારો, આકાશના તેજસ્વી તારાઓમાં 18મા ક્રમે આવે છે. જેને ‘યામમત્સ્ય’ એટલે કે ‘દક્ષિણની માછલી’ કહેવામાં આવે છે. ‘Piscis Austrinus’ નામના તારામંડળનો આ પ્રમુખ તારો હોઈ, ખગોળવિજ્ઞાનીઓ એને α Piscis Austrinus નામે ઓળખે છે.
ઑક્ટોબર માસના મધ્યભાગમાં, રાત્રિના દસ વાગ્યાના સુમારે આ તારો દક્ષિણ આકાશમાં ક્ષિતિજથી 35°થી 40° જેવી ઊંચાઈએ જોઈ શકાય છે. તેના ક્ષેત્રમાં આ એક જ તેજસ્વી તારો હોવાથી તેની ઓળખ સહેલી છે અને આ જ કારણથી તેનું એક બીજું નામ ‘The solitary one’ અર્થાત્ ‘એકાકી’ છે. યામમત્સ્ય તારામંડળ, ક્રાંતિવૃત્ત ઉપર આવેલ મીન રાશિથી આશરે 20° જેટલું દક્ષિણે છે.
Fomalhaut નામ, ‘ફુમ-અલ્-હુટ’ એવા અરબી શબ્દ પરથી આવેલ છે. તેનો અર્થ થાય છે ‘માછલીનું મોઢું !’ ‘મીનાસ્ય’ નામ પણ આ જ અર્થનું છે. (‘મીન’ એટલે માછલી અને ‘આસ્યં’ એટલે મોઢું). નોંધપાત્ર હકીકત છે કે આકાશના આ વિસ્તારમાં પ્રાચીન ખગોળરસિકોએ માછલીના જેવા ત્રણ આકારો જોયા છે. એક તો મીન રાશિ(Piscis)નો, બીજો તિમિ(Cetus)નો અને ત્રીજો આકાર તે આ યામમત્સ્ય(Piscis Austrinus)નો.
એક ગ્રીક દંતકથા અનુસાર, આ તારો Typhon નામના એક દૈત્યનું સ્વરૂપ છે, જે હાલ સિસિલી(Sicily)માં આવેલ જ્વાળામુખી પર્વત એટ્ના (Mt. Etna) નીચે દબાયેલો છે, સીરિયાની એક અન્ય દંતકથા અનુસાર આ તારો માછલીના આકારના એક દરિયાઈ દેવ Dragonનું સ્વરૂપ છે !
આ તારો પૃથ્વીથી 23 પ્રકાશવર્ષ જેટલા અંતરે આવેલો છે અને ખગોળીય વર્ગીકરણ અનુસાર તે A3V વર્ગનો ગણાય છે. A3 વર્ગ એટલે એવો તારો જેનું સપાટી-તાપમાન 13,000° K જેટલું હોય. (સૂર્યની સપાટીનું તાપમાન 6,000° K છે. એટલે એ G2 વર્ગનો તારો ગણાય છે.) રોમન ‘V’ આ તારો ‘મુખ્ય શ્રેણી’ (‘main sequence’) પરનો તારો હોવાનું સૂચવે છે. એટલે કે હજી તેના કેન્દ્ર ભાગમાં હાઇડ્રોજનનું હિલિયમમાં સંયોજન કરીને ઊર્જા મેળવતો તે તારો છે. (આ તબક્કા બાદ તારો જ્યારે અન્ય વિસ્તારમાં, અન્ય નાભિકીય પ્રક્રિયા દ્વારા ઊર્જા મેળવતો હોય ત્યારે તે રાક્ષસી રૂપમાં ફેરવાઈ જાય છે અને તે સમયે તે તેના દળ અનુસાર I, II, III કે IV એવા રાક્ષસી વર્ગમાં આવે છે.) સૂર્ય કરતાં આશરે ત્રણ ગણું દળ ધરાવતો આ તારો, સૂર્ય કરતાં પંદર ગણો તેજસ્વી છે. પરંતુ આવા દળદાર તારાની જીવન-મર્યાદા પ્રમાણમાં ટૂંકી હોય છે. આમ આ તારાનું કુલ આયુષ્ય આશરે 20 કરોડ વર્ષ જેટલું મનાય છે. જ્યારે સૂર્ય માટે તે 10 અબજ વર્ષ જેટલું મનાયું છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ