મીઠા-ઉદ્યોગ : કુદરતી રીતે પ્રાપ્ય ખારા પાણીને સૂકવીને અથવા છીછરા સમુદ્ર સુકાઈ જવાથી કાળક્રમે ઘનસ્વરૂપ બનેલા સ્તરોમાંથી મીઠું મેળવવાનો પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ઉદ્યોગ. મીઠું માનવજીવન માટે ખૂબ ઉપયોગી છે. અંગ્રેજી ભાષાનો મીઠા માટેનો શબ્દ ‘સૉલ્ટ’ લૅટિન શબ્દ ‘સૅલેરિયમ’ અને અંગ્રેજી પર્યાય ‘સૅલેરી’ ઉપરથી બન્યો છે, જે ભૂતકાળમાં મીઠાનો ચલણ તરીકે ઉપયોગ થતો હોવાનો દ્યોતક છે. રોજિંદા જીવનમાં રસોઈ બનાવવા; ખાદ્ય પદાર્થોની સાચવણી માટે; ખેતી માટે; એમોનિયમ નાઇટ્રેટ ખાતરના ઉત્પાદન તથા ઢોરના ખાણમાં મિશ્રણ કરવા માટે; મચ્છી તથા માંસને બગડતું અટકાવવા; ચામડું કમાવવા; કાપડ, કાચ, સાબુ, કાગળ, પ્લાસ્ટિક, જંતુનાશક દવાઓ, સિરૅમિક, દવા, રંગ વગેરે ઉદ્યોગો ચલાવવા અને સોડા-ઍશ, કૉસ્ટિક સોડા, ક્લોરિન, બ્લીચિંગ પાઉડર, બ્રોમીન વગેરેના ઉત્પાદન માટે મીઠાનો ઉપયોગ થાય છે. સોડિયમ અને પોટૅશિયમ આયોડાઇડ ચોખ્ખા મીઠા સાથે ભેળવીને વાપરવાથી આયોડિનના અભાવે થતો કંઠમાળનો રોગ અટકાવી શકાય છે. વનસ્પતિ અને પ્રાણીઓની તંદુરસ્તી માટે અને જ્ઞાનતંતુના કોષોને વિદ્યુતપ્રવાહયુક્ત પરમાણુ પૂરા પાડવા માટે પણ તે ઉપયોગી છે. મીઠાની ઊંડી ખાણો રેડિયો-ઍક્ટિવ કચરાના સંગ્રહ માટે વપરાય છે.

મીઠાના બે પ્રકારો છે. એક પ્રકારમાં સમુદ્ર, ખારાં સરોવર તથા ભૂગર્ભીય ખારા પાણીનું સૂર્યના તાપથી બાષ્પીભવન કરીને કુદરતી પ્રક્રિયા દ્વારા મીઠું મેળવાય છે. સમુદ્રના પાણીમાં 2.5 % અને ખારા સરોવરના પાણીમાં 10 % મીઠું હોય છે. સમુદ્રકિનારો ધરાવતા અનેક દેશો, ઑસ્ટ્રેલિયાના મધ્યભાગમાં આવેલો ખારાં સરોવરોનો પ્રદેશ અને ઇઝરાયલમાં આવેલું મૃત સરોવર મીઠાના ઉત્પાદન માટે જાણીતાં છે. બીજા પ્રકારમાં લાખો વરસો પૂર્વે છીછરા સમુદ્ર કાળક્રમે સુકાઈ જતાં તેમાંથી ઘન સ્વરૂપે સિંધવ મીઠું મળે છે. યુરોપીય દેશો ઑસ્ટ્રિયા, પોલૅન્ડ અને જર્મની, ભારતમાં હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સિંધવની ખાણો છે. જગતમાં 12થી 14 કરોડ ટન જેટલું મીઠું ઉત્પન્ન કરવામાં આવે છે. અમેરિકામાં સૌથી વધુ મીઠું ઉત્પન્ન થયું હતું, બીજું સ્થાન એ સમયના સોવિયેત રશિયાનું હતું, જ્યાં ઉત્પાદનની ર્દષ્ટિએ અન્ય મહત્વના દેશોમાં ચીન, જર્મની, કૅનેડા, ઇંગ્લૅન્ડ અને ભારતનો સમાવેશ થાય છે. અન્ય જે દેશોમાં ઓછા જથ્થામાં મીઠાનું ઉત્પાદન થાય છે, તેમાં સ્પેન, હોલૅન્ડ, ગ્રીસ, રુમાનિયા, જાપાન, ઇટાલી વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં 1960માં મીઠાનું ઉત્પાદન 15.98 લાખ ટન હતું, જે ક્રમશ: વધીને 1997માં 1.42 કરોડ ટન ઉપર પહોંચ્યું હતું. દેશમાં મીઠાનું ઉત્પાદન રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, ગોવા વગેરે અનેક રાજ્યોમાં થાય છે; પરંતુ તેમાં ગુજરાત, તમિળનાડુ તથા રાજસ્થાનનો હિસ્સો 95 %થી અધિક છે. દેશમાં થયેલા મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો આશરે 70 % હતો. 2005માં ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન 1.28 કરોડ ટનથી વધારે હતું. ગુજરાતમાં આ ઉદ્યોગ માટે ઘણી અનુકૂળતા છે, કારણ કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું હવામાન સૂકું છે; હવામાં ભેજનું પ્રમાણ ઓછું છે; દરિયાકિનારે ઉજ્જડ જમીન ઘણી છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતાં અન્ય ભાગમાં નદીઓ નાની છે અને સમુદ્રના પાણીની ખારાશ સરેરાશ જળવાઈ રહે છે. ગુજરાતમાં જે જિલ્લાઓમાં મીઠાનું ઉત્પાદન થાય છે, તેમાં કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બનાસકાંઠા, અમદાવાદ, સૂરત, વલસાડ વગેરેનો સમાવેશ થાય છે. જોકે ભૂતકાળમાં ઉત્પાદનની ર્દષ્ટિએ જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટનો હિસ્સો લગભગ 80 % હતો અને તેમાં પણ જામનગર તથા કચ્છનો હિસ્સો સંયુક્ત રીતે 57 %થી વધારે હતો.

ભાવનગર ખાતે નમક સંશોધન સંસ્થા મીઠાની ગુણવત્તા સુધારવા તથા તેની આડપેદાશોના ઉત્પાદનને ઉત્તેજન આપવા સ્થપાઈ છે અને 1961થી તેમાં સમુદ્રીય રસાયણોના સંશોધનનો ઉમેરો થયો છે. આ ઉદ્યોગમાં નાનાં ક્ષેત્રોના માલિક તરીકે તથા કામદારો તરીકે કોળી, ખારવા અને મુસ્લિમ કુંભારો મુખ્ય છે. કંડલા ખાતે બિહાર અને ઓરિસાના કામદારો છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, સાબરમતી મીઠું ઉત્પાદક મંડળ અને અગરિયાઓની સહકારી મંડળીઓ મીઠાવિતરણનું કામ કરે છે.

શિવપ્રસાદ રાજગોર