મિસ્ત્રી, સાયરસ (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને ટાટા સરનેમ ન ધરાવતા નવરોજી સકલાતવાલા પછીના બીજા ચૅરમૅન હતા. 4 જુલાઈ, 1968ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં જન્મ. પિતા ભારતીય અબજોપતિ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રના માંધાતા તથા ભારતીય ફિલ્મઉદ્યોગની પ્રસિદ્ધ અને ઐતિહાસિક હિટ ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’ના ફાઇનાન્સર પલોનજી મિસ્ત્રી અને માતા પેસ્ટી પેરિન દુબાશ. બંને માતાપિતા પારસી અને ભારતમાં મૂળિયાં ધરાવે છે.
પ્રાથમિક શિક્ષણ દક્ષિણ મુંબઈમાં પ્રતિષ્ઠિત કેથેડ્રલ ઍન્ડ જોહન કોનન સ્કૂલમાં મેળવ્યું. પછી લંડનની ઇમ્પેરિયલ કૉલેજમાં અભ્યાસ કર્યો અને 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 1996માં લંડન યુનિવર્સિટીમાંથી મૅનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ માસ્ટર્સની ઉપાધિ મેળવી.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી સાયરસ મિસ્ત્રી 1991માં ડિરેક્ટર તરીકે શાપૂરજી પલોનજી ઍન્ડ કંપની લિમિટેડમાં જોડાયા. મિસ્ત્રી શાપૂરજી પલોનજી ઍન્ડ કંપનીમાં મૅનેજિંગ ડિરેક્ટર હતા, જે શાપૂરજી પલોનજી ગ્રૂપની કંપની છે. વર્ષ 2013માં ધ ઇકૉનૉમિસ્ટ મૅગેઝિને તેમને “ભારત અને બ્રિટન એમ બંનેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગપતિ” ગણાવ્યા હતા.
1 સપ્ટેમ્બર, 2006નાં રોજ ટાટા સન્સના બોર્ડમાં મિસ્ત્રી સામેલ થયા હતા. તેમણે ટાટા એલએક્સસી લિમિટેડના ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 18 સપ્ટેમ્બર, 2006 સુધી ટાટા પાવર કંપની લિમિટેડના ડિરેક્ટર હતા. વર્ષ 2013માં ટાટા સન્સના ચૅરમૅન તરીકે નિમણૂક થઈ. ઉપરાંત ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા પાવર, ટાટા ટેલીસર્વિસીસ, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ગ્લોબલ બેવરેજીસ અને ટાટા કેમિકલ્સ સહિત ટાટાની તમામ મોટી કંપનીઓના ચૅરમૅન પણ બન્યા હતા.
ઑક્ટોબર, 2016માં ટાટા સન્સે મિસ્ત્રીને ચૅરમૅનપદેથી દૂર કર્યા. રતન ટાટાનું ચૅરમૅન તરીકે પુનરાગમન થયું અને થોડા મહિના પછી નટરાજન ચંદ્રશેખરન નવા ચૅરમૅન બન્યા. ડિસેમ્બર, 2019માં નૅશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) ચંદ્રશેખરનની નિમણૂકને ગેરકાયદેસર ઠેરવી અને ટાટા ગ્રૂપને સાયરસ મિસ્ત્રીને ચૅરમૅન ફરી બનાવવાનો આદેશ આપ્યો. જોકે સર્વોચ્ચ અદાલતે 10 જાન્યુઆરી, 2020ના રોજ એનસીએલએટીના આદેશ પર સ્ટે મૂક્યો હતો. ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં શાપૂરજી પલોનજી મિસ્ત્રી સાયરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મારફતે 18.4 ટકા હિસ્સો ધરાવે છે.સાયરસ નૅશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલના સભ્ય પણ હતા.
4 સપ્ટેમ્બર, 2022ના રોજ મિસ્ત્રી અને પંડોળે પરિવારના ત્રણ સભ્યો ઉદવાડામાં ઈરાનશાહ આતશ બેહરામના દર્શન કરવા આવ્યા હતાં. ઉદવાડાથી મુંબઈ પરત ફરતાં મર્સિડિઝ-બેન્ઝ જીએલસી પાલ્ઘર જિલ્લામાં ચરોટી નજીક સૂર્યા નદી પર અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય રાજમાર્ગ 8 પર એક પુલની ઉપર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોડ ડિવાઇડર સાથે અથડાઈ ગઈ, જેમાં પાછળની બેઠક પર સીટ બેલ્ટ બાંધ્યા વિના બેઠેલા સાયરસ મિસ્ત્રીનું તાત્કાલિક અવસાન થઈ ગયું હતું. મૃત્યુ સમયે મિસ્ત્રીની નેટવર્ક 29 અબજ ડૉલર હતી
કેયૂર કોટક