મિસ્ત્રી, બાબુભાઈ

February, 2002

મિસ્ત્રી, બાબુભાઈ (જ. 1919, સૂરત, ગુજરાત; અ. 20 ડિસેમ્બર 2010, મુંબઈ) : કમ્પ્યૂટર નહોતાં એ જમાનામાં પૌરાણિક, ધાર્મિક અને તિલસ્મી ચિત્રોમાં ખાસ પ્રભાવ (સ્પેશિયલ ઇફેક્ટ) અને યુક્તિપૂર્વકની છબિકલાના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રથમ છબિકાર અને દિગ્દર્શક. કોઈ ર્દશ્યમાં જાદુઈ કે ચમત્કારી પ્રભાવ ઊભો કરવા માટે બાબુભાઈ મિસ્ત્રી કાળા રંગની પશ્ચાદભૂમાં દેખાઈ ન આવે તે માટે કાળા દોરાનો ઉપયોગ કરતા એટલે મિત્રો અને પરિચિતોમાં તેમનું નામ ‘કાલા ધાગા’ પડી ગયું ! તેમણે હિંદી, ગુજરાતી, તમિળ અને તેલુગુ ચિત્રોમાં દિગ્દર્શન કર્યું અને અનેક ચિત્રોમાં છબિકલાની જવાબદારી સંભાળી.

1933માં શ્રીકૃષ્ણ ફિલ્મ કંપનીમાં સામાન્ય પોસ્ટર બનાવનાર તરીકે બાબુભાઈએ કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યાં તેઓ તેમના કાકા રંગીનદાસ પેન્ટરને મદદ કરતા. ધીમે ધીમે બાબુભાઈએ તેમની પોતાની આગવી શૈલી વડે ધ્યાન ખેંચ્યું અને કંપનીના કળાવિભાગમાં જોડાઈ ગયા. ત્યાં યુક્તિપૂર્વકની છબિકલામાં નામના મેળવી. ચેન્નાઈ જઈ એલિસ ડંકનના ‘મીરા’(જેમાં મુખ્ય ભૂમિકા મ. સ. સુબ્બલક્ષ્મીએ કરી છે)ના સર્જનમાં સાથ આપ્યો. મુંબઈ પાછા આવી હોમી વાડિયાને વસંત સ્ટુડિયો સ્થાપવામાં સહાય કરી. તેમનાં ચિત્રોમાં કલાદિગ્દર્શક રૂપે સેવા આપી. યુદ્ધોત્તર ચિત્રોમાં ચમત્કારોનું તત્વ વિશેષ રહ્યું. એ બધાંના નિર્માતાઓએ ચમત્કારી ર્દશ્યોના ચિત્રાંકન માટે બાબુભાઈ મિસ્ત્રી પર આધાર રાખ્યો. રામાયણ શ્રેણીનાં પૌરાણિક ચિત્રોમાં ચમત્કારોના ચિત્રાંકનનું દિગ્દર્શન કર્યું. પૌરાણિક તથા લોકવાર્તા પર આધારિત ચલચિત્રોમાં બાબુભાઈની ભારે માંગ રહી. તેમનાં આ બધાં ચિત્રાંકનો ભારે લોકપ્રિય થયાં. તેમણે ‘સંપૂર્ણ રામાયણ’, ‘મદારી’, ‘કણ કણ મેં ભગવાન’, ‘બેદર્દ જમાના ક્યા જાને’, ‘મહાભારત’, ‘પારસમણિ’, ‘હાતિમતાઈ’ વગેરે ચિત્રોનું દિગ્દર્શન કર્યું.

બાબુભાઈએ 65થી વધુ ચિત્રોનું દિગ્દર્શન કર્યું. 37 ચિત્રોનું કલાનિર્દેશન કર્યું અને 52 ચિત્રોમાં યુક્તિપૂર્વકની છબિકલાના નિષ્ણાત તરીકે સેવાઓ આપી. તેમણે ‘મહાભારત’, ‘વિશ્વામિત્ર’ અને ‘શ્રીકૃષ્ણ’ ટી.વી. શ્રેણીઓમાં પણ છબિકલાની જવાબદારી સંભાળી. ખ્યાતનામ દિગ્દર્શક સ્વ. મનમોહન દેસાઈ પોતાની કારકિર્દીના પ્રારંભે બાબુભાઈના સહાયક હતા. જાણીતા છબિકારો પીટર પરેરા, એન. સત્યેન, ડૅની દેસાઈ, રવિ નાગાઇચ વગેરેએ બાબુભાઈ મિસ્ત્રીના સહાયકો તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ઈ. સ. 2000માં ‘ઝી’ ટી.વી. દ્વારા બાબુભાઈને ચલચિત્રક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ પારિતોષિક અર્પણ કરાયું.

તેમનાં નોંધપાત્ર ચિત્રો : ‘નવદુર્ગા’ (1953), ‘તિલોત્તમા’ (1954), ‘શ્રીકૃષ્ણભક્તિ’ (1955), ‘સતી નાગકન્યા’ (1956), ‘નાગલોક’, ‘પવનપુત્ર હનુમાન’ (1957), ‘માયા બાજાર’, ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ (1958), ‘ચંદ્રસેના’ (1959), ‘માયા મચ્છિન્દ્ર’ (1960), ‘સંપૂર્ણ રામાયણ’ (1961), ‘કણ કણ મેં ભગવાન’, ‘પારસમણિ’ (1963), ‘ભરતમિલાપ’ (1965), ‘અલખ નિરંજન’ (1974), ‘સતી નાગકન્યા’ (1983), ‘હાતિમતાઈ’ (1990).

હરસુખ થાનકી