મિસ્ત્રી, છગનલાલ

February, 2002

મિસ્ત્રી, છગનલાલ (જ. 1933, ચીખલી, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી તેમણે પહેલાં અમદાવાદની શેઠ સી. એન. વિદ્યાવિહાર અને પછી શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકલાના અધ્યાપકની ફરજ બજાવી. તે સંસ્થામાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ 1990થી તેઓ પૂરો સમય ચિત્રકલામાં વ્યસ્ત છે.

છગનલાલનાં તૈલચિત્રો વણાટ વણેલી સાદડી કે કાર્પેટ હોય તેવો ભાસ ઊભો કરે છે. હકીકતમાં આ લક્ષણ તેમનાં વિશિષ્ટ રંગાલેપન અને તુલિકાસંચાલનનું પરિણામ છે. સમુદ્રને તળિયે રહેલા શેષનાગ પર સૂતેલા વિષ્ણુ અને બાજુમાં લક્ષ્મી જેવા પૌરાણિક–ધાર્મિક વિષયોનું તેઓ આલેખન કરે છે. ચિત્રોમાં તેઓ આકૃતિઓ જાણીજોઈને કોઈ અણઘડ હાથે ચીતરી હોય તે રીતે આલેખે છે. આમ એક પ્રકારની ભોળી અને નિખાલસ સરળતા અને અસલિયત છગનલાલનાં ચિત્રોમાં જોવા મળે છે.

છગનલાલે અમદાવાદમાં 1972, ’73, ’79, ’92, ’94 અને ’99માં, 2002માં, 2004માં, 2014માં અને મુંબઈમાં 1978 અને ’89માં, 2002માં તથા વડોદરામાં 1999માં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. આ ઉપરાંત જાપાન, ક્યૂબા, દિલ્હી, ઉદેપુર, અમદાવાદ, બૅંગાલુરુ અને મુંબઈમાં અનેક સામૂહિક પ્રદર્શનોમાં ભાગ લીધો છે.

તેમને ઑલ ઇન્ડિયા એક્ઝિબિશન ઑવ્ આર્ટ, મૈસૂર (1962); હૈદરાબાદ આર્ટ સોસાયટી (1972); કાલિદાસ સમારોહ, ગ્વાલિયર, (1974); કાલિદાસ સમારોહ, ઉજ્જૈન (1975); નૅશનલ ઍવૉર્ડ (1975); બૉમ્બે આર્ટ સોસાયટી, મુંબઈ (1976, ’77); ઑલ ઇન્ડિયા આટર્સ ઍન્ડ ક્રાફ્ટસ સોસાયટી, દિલ્હી (1976); ઇન્ડો-આરબ સોસાયટી (1977); આંધ્રપ્રદેશ કાઉન્સિલ ઑવ્ આટર્સ, હૈદરાબાદ (1980, ’81); ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી (1985, ’88) તથા લલિત કલા અકાદમી, દિલ્હી (1989) તરફથી ઍવૉર્ડ મળેલા છે.

છગનલાલનાં ચિત્રો ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, બૅંગાલુરુની કર્ણાટક લલિત કલા અકાદમી તથા ચિત્રકલા પરિષદ, દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, હૈદરાબાદ આર્ટ સોસાયટી અને હૈદરાબાદની આંધ્રપ્રદેશ કાઉન્સિલ ઑવ્ આર્ટિસ્ટ્સના ચિત્રસંગ્રહોમાં સ્થાન પામ્યાં છે.

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સભ્યપદે પણ તેમણે સેવા આપી હતી.

અમિતાભ મડિયા