મિસ્ત્રાલ, ફ્રેડરિક

February, 2002

મિસ્ત્રાલ, ફ્રેડરિક (જ. 8 સપ્ટેમ્બર 1830, ફ્રાન્સ; અ. 25 માર્ચ 1914, મેલેન) : 1904માં સ્પૅનિશ સાહિત્યકાર ઇચેગરે સાથેની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ કવિ; હકીકતમાં પ્રૉવેન્સલ કવિ. ફ્રાન્સની બહાર જેને પ્રૉવેન્સલ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે તે ઑસિટન બોલીમાં તેમનું સાહિત્ય લખાયેલું છે. મધ્યયુગમાં ઑસિટન સાહિત્યની બોલબાલા હતી, પણ ત્યારબાદ છેક ઓગણીસમી સદીમાં તેને એકલે હાથે પુનર્જીવિત કરવાનો યશ જેને ફાળે જાય છે તે અપ્રતિમ પ્રતિભા ધરાવનાર મૂર્ધન્ય મેધાવી સાહિત્યકાર તે ફ્રેડરિક મિસ્ત્રાલ. એ વર્ષનો નોબેલ પુરસ્કાર તેમને તેમના પોતાના સર્જન માટે તથા આધુનિક ઑસિટન સાહિત્યને પુનર્જીવિત કરવા માટેના તેમણે કરેલ અથાક પ્રયાસોને બિરદાવવાના નિમિત્તે એનાયત થયો હતો. 1854માં મિસ્ત્રાલ અને બીજા 6 મિત્રોએ એક મંડળ સ્થાપ્યું, જેનું મુખ્ય ધ્યેય ઑસિટન સાહિત્યને અને પ્રૉવેન્સની ભાષાને પુનર્જીવિત કરવાનું હતું. તે ભાષાનાં જોડણી અને વ્યાકરણને ધોરણસરનાં બનાવવામાં તેમણે ખૂબ પરિશ્રમ કર્યો. તે જમાનાના કેટલાક અંતિમવાદીઓ આ વિસ્તારને ફ્રાંસથી અલગ કરવાના મતના હતા, પણ મિસ્ત્રાલ અને તેમના સાથીદારોએ તેને ફેડરેશનનો ભાગ બનાવીને, હકીકતમાં સ્વતંત્ર ‘પ્રૉવેન્સ’નો દરજ્જો મળે તે માટે ખૂબ પ્રયાસો કર્યા. ફ્રાંસથી તદ્દન અલગ નહિ, છતાં આત્મનિર્ભર એવું પ્રૉવેન્સ.

અત્યંત ઉમદા સ્વભાવના આ કવિની કાવ્યરચનાઓમાં ધબકે છે તેના ‘પ્રૉવેન્સ’નો પ્રાણ. પ્રૉવેન્સલ બોલીમાં લખાયેલ પોતાનાં કાવ્યો કવિએ પોતે જ ફ્રેન્ચ ભાષામાં અનૂદિત કર્યાં છે. પ્રણાલિકાગત હોવા છતાં તેમનાં કાવ્યોમાં આધુનિકતાનું તત્વ છે. પ્રાદેશિકતાવાદનો જુસ્સો સ્વાભાવિકપણે તેમની કવિતામાં છલકાય છે. અનેક ઊર્મિકાવ્યો પ્રકાશિત કરી નામના મેળવનાર આ કવિએ ત્રણ સુદીર્ઘ રચનાઓ પણ આપી છે, જેને આધુનિક મહાકાવ્ય કહી શકાય. સૌપ્રથમ મહાકાવ્ય  ‘મિરેલે’ 1859માં રચાયું અને 1900માં અનૂદિત થયું. તેમાં પ્રૉવેન્સલ પ્રેમીઓની કરુણ પ્રણયકથા છે. તેના પ્રકાશન સાથે કવિ જાણીતા બન્યા. ત્યારબાદ ‘નેર્ટો’ (1878) અને ‘ઍંગ્લૉર’ (1897) પ્રસિદ્ધ થયાં અને તેની સાથે જ પ્રૉવેન્સલ ભાષાને સાહિત્યની ભાષા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો.

ફ્રેડરિક મિસ્ત્રાલ

કવિ હોવા ઉપરાંત મિસ્ત્રાલ ભાષાશાસ્ત્રી હતા અને તેને કારણે પ્રૉવેન્સલ ભાષાના શબ્દકોશનું નિર્માણ કરવામાં તેઓ સફળ થયા. આ શબ્દકોશમાં પ્રૉવેન્સલ રીતરિવાજો, ઇતિહાસ વગેરેની પણ વિસ્તૃત જાણકારી સુલભ બની છે. એકલે હાથે પોતાના પ્રદેશનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસના સંરક્ષણ માટે જીવનભર પરિશ્રમ કરનાર ફ્રેડરિક મિસ્ત્રાલ ‘પ્રૉવેન્સ’નું જાણે પ્રતીક બની ગયા.

પંકજ જ. સોની