મિશ્ર, સાજન (જ. 7 જાન્યુઆરી 1956, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી શાસ્ત્રીય સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતા પંડિત હનુમાનપ્રસાદ મિશ્ર પોતે અગ્રણી સારંગીવાદક હતા, જેમની પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. માતાનું નામ ગગનદેવી. પિતા ઉપરાંત જાણીતા સંગીતકાર પંડિત ગોપાલ મિશ્ર અને મોટા ભાઈ પંડિત રાજન મિશ્ર પાસેથી પણ તેમણે ઉચ્ચ કક્ષાની શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી હતી. 1961માં વારાણસી ખાતે તેમના મોટા ભાઈ સાથે સંકટ-મોચન મંદિર મહોત્સવમાં તેમનો સર્વપ્રથમ જાહેર કાર્યક્રમ થયેલો. ત્યારથી અત્યાર સુધીના ચાર દાયકા કરતાં પણ વધારે સમયગાળા દરમિયાન આ બંને ભાઈઓ સાથે રહીને જ પોતાની ગાયનકલાનો પરિચય આપતા રહ્યા છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જે બેલડી વિખ્યાત થઈ છે, તેમાં રાજન-સાજન મિશ્રની બેલડી પ્રથમ પંક્તિની ગણાય છે.

સાજન મિશ્રને અત્યાર સુધી ઘણાં માનસન્માન અને ઍવૉર્ડ મળ્યાં છે, જેમાં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રીના હસ્તે એનાયત થયેલ સંસ્કૃતિ ઍવૉર્ડ (1979), મધ્યપ્રદેશ સરકાર દ્વારા પ્રતિવર્ષ અપાતો કુમાર ગંધર્વ ઍવૉર્ડ (1997), કાશી ગૌરવ પુરસ્કાર (1997) અને સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ(1998)નો મુખ્યત્વે સમાવેશ થાય છે.

સાજન મિશ્ર

તેમણે તેમના મોટા ભાઈની જોડે દેશવિદેશનાં ઘણાં નાનાંમોટાં નગરોમાં અને સંગીતસમારોહોમાં પોતાની કલા પ્રસ્તુત કરી અપાર લોકચાહના મેળવી છે. તેમની અનેક કૅસેટો–સંહતિકાઓ (CDs) પણ બહાર પડી છે, જે ખૂબ લોકપ્રિય બની છે.

શાસ્ત્રીય સંગીતના ક્ષેત્ર ઉપરાંત તેમણે 1976માં બનારસ હિંદુ યુનિવર્સિટીની બી.એ.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી છે. બનારસ ખાતે તેઓ બે સંસ્થાઓ ગ્રિતમા (GRITMA) અને ગુરુકુલ મારફત શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપે છે.

અમદાવાદની શાસ્ત્રીય સંગીતને વરેલી સંસ્થા ‘સપ્તક’ સાથે  મોટા ભાઈ રાજન મિશ્રની સાથે સાજન મિશ્ર પણ વર્ષોથી ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે