મિશ્ર, સૌભાગ્યકુમાર

February, 2002

મિશ્ર, સૌભાગ્યકુમાર (જ. 1941, બરહામપુર, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દ્વા સુપર્ણા’ બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને હાલ બરહામપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે.

અત્યાર સુધીમાં તેમનાં 6 કાવ્યસંગ્રહો, 2 વિવેચનગ્રંથો અને 5 અનૂદિત કૃતિઓ પ્રગટ થયાં છે. આ ઉપરાંત તેમના અનેક લેખો જાણીતાં સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. તેમનાં કાવ્યોનાં સ્પૅનિશ, ગ્રીક, સર્બોક્રિટ, અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં રૂપાંતર થયાં છે.

તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો છે. સંખ્યાબંધ સાહિત્યિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. 1975માં વિસુવ પુરસ્કાર, 1976માં જીવનરંગ સન્માન અને 1978માં ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે. 1983માં તેમને રચનાત્મક લેખનકાર્ય માટે આયોવા યુનિવર્સિટી તરફથી ફેલોશિપ મળી હતી. તેમની પુરસ્કૃત કૃતિ ‘દ્વા સુપર્ણા’ 54 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં કવિની આગવી ર્દષ્ટિને વ્યક્ત કરતું વિષયવસ્તુ તથા નિરૂપણરીતિ હોવાના કારણે આધુનિક ઊડિયા સાહિત્યમાં તે એક મહત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા