મિશ્ર, સતીશચન્દ્ર

February, 2002

મિશ્ર, સતીશચન્દ્ર (જ. 22 જુલાઈ 1925; હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 23 સપ્ટેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના સલ્તનત કાળના નામાંકિત ઇતિહાસકાર. તેમણે એમ. એ. તથા પીએચ.ડી.નો અભ્યાસ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો હતો. પીએચ.ડી. માટે તેમણે ‘શેરશાહ સૂર’ વિશે મહાનિબંધ લખ્યો હતો. ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શેખ અલાદુન રશીદના સંશોધનમદદનીશ તરીકે કામ કર્યું. ત્યાં તેમણે ફારસી ભાષાનો પણ અભ્યાસ કર્યો, જે ભવિષ્યમાં સંશોધનકાર્યમાં તેમને ઉપયોગી થયો. તેઓ 1952માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિનિયર લેક્ચરર તરીકે જોડાયા અને ઉત્તરોત્તર પ્રગતિ કરીને ઇતિહાસના પ્રોફેસર તથા વિભાગના અધ્યક્ષ બન્યા. ઇતિહાસનું વાચન, મનન, સંશોધન તથા લેખન તેમનો જીવનધર્મ હતો. આ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગને રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા અપાવવામાં તેમનું પ્રદાન અસાધારણ હતું. તેમણે ‘રાઇઝ ઑવ્ મુસ્લિમ પાવર ઇન ગુજરાત’ (1963) અને ‘મુસ્લિમ કૉમ્યૂનિટિઝ ઇન ગુજરાત’ (1964) નામના ગ્રંથો પ્રગટ કર્યા. પ્રથમ ગ્રંથમાં તેમણે તેરમીથી પંદરમી સદી સુધીના ગુજરાતના ઇતિહાસનું વિશ્લેષણ કર્યું છે. તેનાથી ગુજરાતના સલ્તનત યુગનો તલસ્પર્શી અભ્યાસ અને સંશોધન કરવાની અનેક વિદ્વાનોને પ્રેરણા મળી છે. બીજા ગ્રંથમાં તેમણે મુસ્લિમોની 69 જેટલી જ્ઞાતિઓની વિશિષ્ટતા, રિવાજો, રીતભાત, જીવનશૈલી અને જીવન પ્રત્યેના ર્દષ્ટિબિંદુનું વિશદ વિવેચન કર્યું છે. આ ગ્રંથે તેમને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી છે. આ ઉપરાંત ગુજરાતના સલ્તનત કાળને લગતા ફારસી ભાષાના મૂળ સ્રોતો પ્રસિદ્ધ કરવા પ્રત્યે તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું. તેમણે એમ. એલ. રહેમાન સાથે ફારસીમાં લખાયેલ ‘મિરાત-એ-સિકંદરી’ અને ‘તારીખ-એ-મેહમૂદશાહી’ની સંશોધિત આવૃત્તિનું સંપાદન કરીને તે પ્રગટ કરી. પ્રોફેસર મિશ્રે સંશોધનનાં નવાં ક્ષેત્રોનું દિશાસૂચન કર્યું. તેમણે રાષ્ટ્રીય યોજના હેઠળ ચાંપાનેરમાં ખોદકામ કરીને મધ્યકાલીન ગુજરાતના પુરાતત્ત્વીય અવશેષો શોધ્યા. ‘અર્બન હિસ્ટરી’માં સંશોધન કરવામાં તેઓ અગ્રેસર હતા. આ ઉપરાંત તેમણે પ્રતિષ્ઠિત સામયિકોમાં પચાસથી વધારે સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા હતા. તેઓ ઇતિહાસને માત્ર અભ્યાસનો વિષય માનવાને બદલે આજના સામાજિક તથા આર્થિક જીવન સાથે જોડવા માંગતા હતા, જેથી તે સમાજને સાચા અર્થમાં સમજીને ભાવિ જીવનને માર્ગદર્શક બની શકે.

તેઓ રાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન હોવા ઉપરાંત, સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મધ્યકાલીન ભારતના ઇતિહાસનું નવા ર્દષ્ટિકોણથી ખેડાણ કરવામાં મોખરાનું સ્થાન શોભાવતા હતા. તેમના પ્રયાસોના ફલસ્વરૂપે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ઇતિહાસ-વિભાગ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સ્પેશિયલ આસિસ્ટન્સ ડિપાર્ટમેન્ટ તરીકે જાહેર થયો. ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિકલ રિસર્ચના તેઓ સ્થાપક-સભ્ય, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ઘણાં વર્ષો સુધી સભ્ય તથા અર્બન હિસ્ટરી ઍસોસિઍશન ઑવ્ ઇન્ડિયાના સ્થાપક-સભ્ય તથા પ્રમુખ હતા. ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના મધ્યકાલીન ભારત વિભાગના તેઓ પ્રમુખ તથા બોધિગયા મુકામે 1981માં યોજાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના અધિવેશનના પ્રમુખપદે તેઓ બિરાજ્યા હતા. ગુજરાત ઇતિહાસ પરિષદના 1968થી 1970 દરમિયાન તેઓ પ્રમુખ હતા અને રાજકોટ મુકામે યોજાયેલ પરિષદના અધિવેશનનું પ્રમુખસ્થાન તેમણે સંભાળ્યું હતું. તેમણે ઇંગ્લૅન્ડ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવચનો આપ્યાં હતાં.

તેઓ વખતોવખત જ્ઞાનચર્ચાઓ યોજતા ત્યારે તેમાં થતી ચર્ચાઓમાં તેમનાં વિપુલ જ્ઞાન, ચોકસાઈ અને સંશોધનના અભિગમની સતત પ્રતીતિ થતી હતી.

રજનીકાન્ત શાહ