મિશ્ર, રાજેન્દ્ર

February, 2002

મિશ્ર, રાજેન્દ્ર (જ. 1943, દ્રોણીપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના લેખક. રાજેન્દ્ર મિશ્રની સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 1964માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી તેજસ્વી હતી. 1966માં તેમણે ડી. ફિલ.ની ઉપાધિ મેળવી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામગીરી બજાવવા ઉપરાંત ઇન્ડોનેશિયામાં ઉદયન યુનિવર્સિટીમાં સંસ્કૃત તથા ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના વિષયમાં તેઓ બે વર્ષ માટે અતિથિ-પ્રોફેસર તરીકે કાર્યરત હતા. શીમલામાંથી પ્રાધ્યાપક તરીકે નિવૃત્તિ પછી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ રહ્યા હતા. ઉત્તરાખંડ સંસ્કૃત યુનિવર્સિટીમાં પરામર્શક તરીકે પણ રહ્યા હતા.

તેમણે સંસ્કૃત તથા હિંદીમાં 31 પુસ્તકો પ્રગટ કર્યાં છે. આ ઉપરાંત તેમણે સાહિત્યિક સંશોધન-વિવેચનનાં 6 પુસ્તકો આપ્યાં છે. તેઓ તેમનાં સંસ્કૃત નાટકો ‘નાટ્યપંચગવ્યમ્’, ‘રૂપકરુદ્રીયમ્’ તથા ‘નાટ્યપંચામૃતમ્’ વગેરે નવ નાટ્યસંગ્રહો તેમજ ‘જાનકીજીવનમ્’ નામના મહાકાવ્યથી બહુ ખ્યાતિ પામ્યા છે. તેમને અનેક સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયાં છે. તેમાં સંસ્કૃત સાહિત્યના તેમના પ્રદાન બદલ 1987માં અપાયેલ વાલ્મીકિ પુરસ્કાર મુખ્ય છે. તેમણે અસંખ્ય એકાંકીઓ, છ ગદ્યકથાઓ, ચાર ચંપૂકાવ્યો, અનેક ઊર્મિકાવ્યો, ચાર ગઝલસંગ્રહો પણ રચ્યા છે. આજે પણ તેમનું લેખનકાર્ય અવિરતપણે ચાલે છે. તેમની રચનાઓમાં ‘જાનકીજીવનમ્’ અને ‘વામનાવતરણમ્’ મહાકાવ્યો છે. ‘જાનકીજીવનમ્’ સુખાંત છે. ‘પ્રશાન્તરાઘવમ્’ એક વિશિષ્ટ પ્રકારની નાટ્યકૃતિ છે. ‘મૃગાંકદૂતમ્’ એ અનોખું દૂતકાવ્ય છે. ‘લીલાભોજરાજમ્’ પણ સુંદર નાટ્યકૃતિ છે. ‘કાન્તારકથા’ મૃક શિશુની કથા છે. ‘અભિનવ મંચ’  વગેરે બાળકો માટેની કથાઓ છે. ‘ચતુષ્પથીયમ્’ ચાર નુક્કડ નાટકોનો સંગ્રહ છે.

પુરસ્કૃત સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’માં પાશ્ચાત્ય શૈલીની ટૂંકી વાર્તાઓ છે. સંસ્કૃત સાહિત્ય માટે આ સ્વરૂપ નવું છે. આ સંગ્રહમાંની વાર્તાઓમાં વર્તમાન સમયની સામાજિક-સાંસ્કૃતિક પશ્ચાદભૂમિકા આલેખાઈ છે. તેની પ્રવાહી શૈલી તથા સંસ્કારી ભાષા વિશેષ પ્રકારે ધ્યાન ખેંચે છે. તેમણે ભોજપુરીમાં પણ રચનાઓ કરી છે. આથી તેઓ ‘ત્રિવેણી કવિ’ તરીકે ઓળખાય છે.

મહેશ ચોકસી

દશરથલાલ ગૌરીશંકર વેદિયા