મિશ્ર, રાજન (જ. 1 ઑગસ્ટ 1951, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. પિતાનું નામ હનુમાનપ્રસાદ, જેઓ પોતે વિખ્યાત સારંગીવાદક અને સંગીતકાર હતા. માતાનું નામ ગગનદેવી, જેઓ સંગીતકારોના પરિવારમાં જન્મેલાં. રાજન મિશ્રે બાળપણથી જ સંગીતની સાધનાની શરૂઆત કરેલી. તેમના પરિવારમાં છેલ્લાં ત્રણ સો વર્ષોથી શાસ્ત્રીય સંગીતનો વારસો ચાલતો આવ્યો છે. તેમના પિતા જાણીતા સંગીતકાર હોવાથી શાસ્ત્રીય સંગીતનું શરૂઆતનું શિક્ષણ રાજને પિતા પાસેથી જ પ્રાપ્ત કર્યું હતું. પિતા ઉપરાંત તેમણે જાણીતા શાસ્ત્રીય સંગીતકાર પંડિત બડે રામદાસજી તથા પંડિત ગોપાલ મિશ્ર પાસેથી પણ સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1961માં વારાણસી ખાતે પ્રતિવર્ષ યોજાતા સંકટમોચન મંદિર મહોત્સવમાં રજૂ થયો હતો. ત્યારથી આજદિન સુધી તેમણે તેમના લઘુબંધુ પંડિત સાજન મિશ્ર સાથે દેશવિદેશમાં અનેક જાહેર કાર્યક્રમો આપ્યા છે. બંને ભાઈઓ દરેક કાર્યક્રમમાં એકસાથે ગાતા હોવાથી સંગીતની દુનિયામાં તેઓ ‘રાજન-સાજન મિશ્ર’ના જોડકાના નામથી ઓળખાય છે.
તેમને આજદિન સુધી અનેક પુરસ્કારો અને માનસન્માનથી નવાજવામાં આવ્યા છે. 1979માં તેમને ભારતના તત્કાલીન પ્રધાનમંત્રીના હસ્તે ‘સંસ્કૃતિ ઍવૉર્ડ’ એનાયત થયો હતો. 1997માં મધ્યપ્રદેશ સરકારે તેમને કુમાર ગંધર્વ ઍવૉર્ડથી સન્માન્યા હતા અને તે જ વર્ષે તેમને વારાણસી ખાતે કાશી ગૌરવ પુરસ્કારથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. 1998માં તેમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં તેમની અનેક સંહતિકાઓ (CDs) અને કૅસેટો બહાર પડી છે, જે દેશવિદેશમાં લોકપ્રિય બની છે.
તેઓ ગ્રિતમા (GRITMA) અને ગુરુકુળ સંસ્થાઓ મારફત સમાજસેવાના ભાગ તરીકે સંગીતનું શિક્ષણ આપવાનું કામ કરે છે.
શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રની તેમની સિદ્ધિઓ ઉપરાંત તેમણે 1973માં બનારસ હિંદુ યુનિવર્સિટીની સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ.ની પદવી પણ પ્રાપ્ત કરી છે.
તેમણે ભારતનાં લગભગ બધાં જ નાનાંમોટાં નગરોમાં તથા વિશ્વના ઘણા દેશોનાં મહત્વનાં નગરોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આપ્યા છે.
તેમનાં પત્ની શ્રીમતી બીના મિશ્ર સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ.ની પદવી ધરાવે છે.
અમદાવાદની શાસ્ત્રીય સંગીતને વરેલી સંસ્થા ‘સપ્તક’ સાથે સાજન મિશ્રની સાથે રાજન મિશ્રનો પણ વર્ષોથી ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે