મિશ્રમંજરી (1963) : તેલુગુ છંદ-કાવ્યોનો અદ્યતન સંગ્રહ. આ કૃતિને 1965ના વર્ષનો ભારતીય કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિના રચયિતા રાયપ્રોલુ સુબ્બારાવ આચાર્યે (જ. 1892) તેમાં પ્રેમનો વિષય છેડ્યો છે. પ્રેમ તમામ નૈતિકતાનું રહસ્ય છે અને પ્રેમનું હાસ્ય વિશ્વને પ્રકાશિત કરે છે, એવી ભાવનાની તેમાં પ્રતીતિ થાય છે. તેમણે સ્ત્રીને પૂજ્ય અને માનવજીવનની ઉન્નતિ કરનાર તરીકે લેખી છે અને નારીસૌંદર્યનાં શૃંગારિક વર્ણનોમાં છૂટો દોર આપતી અસંસ્કારી પરંપરાને વર્જ્ય ગણી છે.

તેમણે તેમના કાવ્યમાં સ્વદેશાભિમાન અને નરવી રાષ્ટ્રીયતાની ભાવના જાગ્રત કરવાની હાકલ કરી છે. આ ગ્રંથની અનેક પંક્તિઓ દ્વારા તેમણે જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ભૂત અને વર્તમાન કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પરાક્રમી વ્યક્તિઓનો મહિમા ગાયો છે. વળી તેમાં પોતના, ત્યાગરાજ, ક્ષેત્રય્યા, ચેલ્લપિલ્લા વેંકટ શાસ્ત્રી જેવા પ્રેરણાદાયી કવિઓ; સી. આર. રેડ્ડી જેવા કેળવણીકાર; રાધાકૃષ્ણન્ જેવા તત્વચિંતક અને મુતનુરી કૃષ્ણરાવ જેવા સંસ્કૃતિના ધુરંધરની પ્રશંસા કરી છે.

આંધ્રના ઉગડી, સંક્રાન્તિ અને દશેરા જેવા તહેવારો ઉપરાંત ભગવાન વેંકટેશ્વર અને ભગવાન કૃષ્ણ તેમનાં કાવ્યોનું વિષયવસ્તુ બન્યા છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી જે કંઈ સુંદર લાગ્યું તે અપનાવવાની તૈયારી સાથે તેમણે ઇકબાલ, મીરાં અને ગુરુદેવનાં કાવ્યોના અનુવાદ તેમાં ઉમેર્યા છે. તેઓ કાવ્યને સત્ય, સૌંદર્ય અને પ્રેમનો સંગમ માને છે અને તેને સ્વાનુભૂતિ અને મુક્તિ માટેનું સાધન ગણે છે.

તેમની કૃતિમાં પરંપરાગત છંદના ઢાંચા પરત્વે તેમજ નવા છાંદસ પ્રયોગો કરવામાં તેમની પદ્યપ્રભુતા, લોકગીતોમાં હોય તેવી તાજગી અને મુક્તિની ભાવના જોવા મળે છે. તેથી આ કૃતિ તેલુગુ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા