મિશ્ર, જયવંત (જ. 15 ઑક્ટોબર 1925, હરિપુર, બિહાર; અ. 7 સપ્ટેમ્બર 2010) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક, વિદ્વાન વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘કવિતા કુસુમાંજલિ’ (1992) માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક ચંદ્રકો મેળવવાની સાથે તેમણે અનુક્રમે પટણા તથા બિહાર યુનિવર્સિટીમાંથી ‘સાહિત્ય’ તથા ‘વ્યાકરણ’ની એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ પણ મેળવી. ભારતની તથા વિદેશી યુનિવર્સિટીઓમાં લગભગ 4 દશકા સુધી તેમણે અધ્યાપન કર્યું. બિહારની કે. એસ.ડી. યુનિવર્સિટીના કુલપતિનો કાર્યભાર પણ તેમણે સંભાળ્યો. ‘કાવ્યાત્મક મીમાંસા’, ‘સંસ્કૃત વ્યાકરણ’ અને ‘મૈથિલા નાટક પર સાંસ્કૃતિક પ્રભાવ’ જેવા 10 વિવેચનાત્મક ગ્રંથો પ્રગટ કરવા ઉપરાંત ‘પુષ્પ-ચિંતામણિ’ તથા ‘સંસ્કૃત ગદ્યસંગ્રહ’નું સંપાદન પણ કર્યું છે. રાષ્ટ્રપતિનું સન્માનપત્ર (1986) મળવા ઉપરાંત દેશની પ્રમુખ સાહિત્ય-સંસ્થાઓએ ‘સંસ્કૃતરત્નમ્’ તથા ‘મિથિલાવિભૂતિ’ જેવાં પદોથી તેમનું બહુમાન કર્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા કુસુમાંજલિ’ સંયત-શુદ્ધ મૈથિલીમાં લખાયેલ કાવ્યસંગ્રહ છે. વૈવિધ્યસભર ભાવરસ, વિલક્ષણ નાવીન્ય તેમજ સ્થાનિક ભાષા-પ્રયોગોના યથોચિત વિનિયોગ જેવી કૃતિગત વિશેષતાઓને કારણે આ કાવ્યસંગ્રહ મૈથિલીમાં થયેલું અનન્ય ઉમેરણ લેખાય છે.
મહેશ ચોકસી