મિશ્ર, ચન્દ્રનાથ (‘અમર’) (જ. 2 માર્ચ 1925, ખોજપુર, મધુબની) : મૈથિલી ભાષાના કવિ, નવલકથાકાર અને વિદ્વાન. સાહિત્યિક વિવેચનના તેમના ગ્રંથ ‘મૈથિલી પત્રકારિતક ઇતિહાસ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેઓ નવ-પાણિનિ-વ્યાકરણના આચાર્ય લેખાયા છે. તેમણે માર્ચ, 1983 સુધી શિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે 5 કાવ્યસંગ્રહો, 2 નવલકથાઓ અને ટૂંકી વાર્તાના 2 સંગ્રહો તેમજ બીજાં પુસ્તકો આપ્યાં છે. તેમણે વિવિધ સામયિકોનું સંપાદન પણ કર્યું છે તથા સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ રંગભૂમિના કલાકાર પણ હતા અને પ્રથમ મૈથિલી કથાચિત્ર ‘કન્યાદાન’માં તેમણે અભિનય આપ્યો હતો. તેઓ કે. ડી. સંસ્કૃત યુનિવર્સિટી સેનેટના સભ્ય રહેલા.

વિષય તરફનો સર્જનાત્મક અભિગમ, બહોળો અભ્યાસ, હકીકતોનું સૂક્ષ્મ પૃથક્કરણ અને પ્રવાહી શૈલી જેવી વિશેષતાઓને કારણે તેમની પુરસ્કૃત કૃતિ ઉલ્લેખનીય રહી છે.

મહેશ ચોકસી