મિશેલ ફૂકો (જ. 15 ઑક્ટોબર 1926, પૉલિટીવ્સ(Politievs), ફ્રાન્સ; અ. 25 જૂન 1984, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ ફિલસૂફ. મિશેલ ફૂકોએ 1946થી 1952 સુધી પૅરિસમાં e’cole normale sup’erieureમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1955થી 1958 સુધી સ્વીડનની ઉપાસલા યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1958માં વૉરસોમાં ફ્રેન્ચ સેન્ટરના નિર્દેશક તરીકે તેમણે સેવાઓ આપી હતી. 1959માં હામબુર્ગ, જર્મનીમાં ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટરપદે તેમણે કામ કર્યું હતું. ફ્રાન્સમાં ક્લેરમો ફેરાં યુનિવર્સિટીમાં 1960માં તેમણે મનોવિજ્ઞાન વિષયમાં અધ્યાપન કર્યું હતું. 1962માં તે જ સંસ્થામાં તેઓ તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. 1966માં ટ્યૂનિસિયાની ‘યુનિવર્સિટી ઑવ્ ટ્યૂનિસ્ટ’માં તેઓ મુલાકાતી અધ્યાપક બન્યા હતા. ફ્રાન્સની પ્રખ્યાત સંસ્થા College de France-માં 1969માં વિચારતંત્રોનો ઇતિહાસ (History of systems of thought) – એ વિષયના તેઓ પ્રાધ્યાપક બન્યા હતા. 1970માં અમેરિકા અને જાપાનમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં. ફ્રાન્સમાં જેલના કેદીઓની પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા માટે તેમણે 1971માં એક સંશોધનજૂથ સ્થાપ્યું. 1972માં એટિકામાં ‘ન્યૂયૉર્ક સ્ટેટ પ્રિઝન’ની તેમણે મુલાકાત લીધી. ન્યૂયૉર્ક, મૉન્ટ્રિયેલ અને રિયો–ડી–જાનેરોમાં 1973માં તેમણે વ્યાખ્યાનો આપ્યાં. 1976માં તેમણે બ્રાઝિલની મુલાકાત લીધી. 1978માં એક ઇટાલિયન અખબાર માટે તેમણે ઈરાનની ક્રાન્તિ વિશે લેખો લખ્યા. 1981માં પોલૅન્ડની સામ્યવાદી સરકાર વિરુદ્ધના ‘સૉલિડૅરિટી’ જૂથને તેમણે ટેકો આપ્યો હતો. કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલી)માં 1983માં તેમણે અધ્યાપનકાર્ય શરૂ કર્યું અને દર વર્ષે એક સત્રમાં ત્યાં અધ્યાપન કરવાનો કરાર પણ કર્યો; પરંતુ 1984ના જૂનની 25મી તારીખે તેમનું મૃત્યુ થયું.

અસ્તિત્વવાદી સાર્ત્ર પછી મુખ્ય અનુસંરચનાવાદી (poststructuralist) ચિંતકો તરીકે ફ્રાન્સના ઝાક દેરિદાને અને મિશેલ ફૂકો(Foucault)ને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. ફૂકોનું ઇતિહાસાધીન સત્તાવિશ્લેષણ અને દેરિદાનું વ્યતિરેક–આશ્રિત ભાષાવિશ્લેષણ એ બે અત્યંત મૌલિક અભિગમોનાં મૂળ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ભાષા–જ્ઞાન–સત્તા વિશે મૌલિક રીતે વિચારનાર જર્મન ચિંતક નિત્શેના ચિંતનમાં છે. નિત્શેનું અનુકરણ કર્યા વગર અને ભૂતકાળના વિચારોની પુન:સ્થાપના કરવાના ઇરાદા વગર બંનેએ પોતપોતાની રીતે સત્તા, જ્ઞાન, અર્થ (meaning) અને સ્વ (self) વિશેની વિચારણા નવેસરથી હાથ ધરી છે અને પ્રાગ્-આધુનિક અને આધુનિક બંને પ્રકારની પ્રસ્થાપિત વિભાવનાઓનું અને વિચારકોટિઓનું વિસર્જન કરીને એ ક્ષેત્રોના વિચારની નવી દિશાઓ તેમણે દર્શાવી છે. પ્રસ્થાપિત વિચારધારાઓનું પુનરાવર્તન કર્યા કરીને તત્વચિંતનમાં એના એ જ વિચારવિષયો ર્દઢ કર્યા કરવાને બદલે ફ્રેન્ચ પરંપરાના ચિંતકોમાં એટલે કે સાર્ત્ર, દેરિદા, ફૂકો, લ્યૉતાર્દ વગેરેમાં ચિંતનને નવી દિશામાં લઈ જવાના લગભગ ઉત્તમ સાહિત્યસર્જકોની કોટિના પ્રયત્નો દેખાય છે.

ફૂકોની કેટલીક મહત્વની કૃતિઓ (ફ્રેન્ચમાંથી થયેલા અંગ્રેજી અનુવાદોનાં શીર્ષકો અને તે અનુવાદોની પ્રકાશન સાલ પ્રમાણે) નીચે મુજબ છે :

મૅડનેસ ઍન્ડ સિવિલાઇઝેશન (1965)
ધ બર્થ ઑવ્ અ ક્લિનિક (1973)
ધી ઑર્ડર ઑવ્ થિંગ્સ (1970)
ધી આર્કિયૉલૉજી ઑવ્ નૉલેજ (1972)
ડિસિપ્લિન ઍન્ડ પનિશ (1977)
ધ હિસ્ટરી ઑવ્ સેક્સ્યુયાલિટી – ગ્રંથ 1 (1978)
– ગ્રંથ 2 (ધ યુઝ ઑવ્ પ્લેઝર) (1985)
– ગ્રંથ 3 (ધ કેર ઑવ્ સેલ્ફ) (1986)

ઉપર દર્શાવેલી કૃતિઓનાં શીર્ષકો ઉપરથી સ્પષ્ટ થાય છે કે બૃહત્-સ્વરૂપના વિશ્વવ્યાપી ઇતિહાસ(macro history)ને બદલે ફૂકો પાશ્ચાત્ય સમાજોની કેટલીક પ્રથાઓ, સંસ્થાઓ, નિયમાવલીઓ વગેરેનો નાના એકમનો ઇતિહાસ (micro-history) રજૂ કરે છે. હેગલે કે માર્કસે વૈશ્વિક ઇતિહાસની ગતિ અને તેની દિશા દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઇતિહાસનું પ્રયોજનલક્ષી અર્થઘટન કર્યું હતું. ફૂકોને તેવાં વ્યાપક અર્થઘટનો માન્ય નથી. સજાની રીતોનો ઇતિહાસ, તબીબી ઉપચાર અને ચિકિત્સાનો, માનસિક રોગીઓની માવજતનો અને જાતીયતા(sexuality)નો ઇતિહાસ વગેરેનું ફૂકોએ આલેખન કર્યું છે. આવા આલેખન દ્વારા ફૂકો મુખ્યત્વે એવું સ્થાપવા માગે છે કે જ્ઞાન અને સત્તા અનિવાર્ય રીતે એકબીજા સાથે જોડાયેલાં છે તેમજ સત્તાનો માત્ર દમનકારક કે પ્રતિબંધક કાનૂની અર્થ લેવાને બદલે સત્તાનો ઉત્પાદક, વ્યવસ્થા-સ્થાપક તેમજ સર્જનાત્મક અર્થ લેવો જરૂરી છે.

ફૂકોના ચિંતન-સંશોધનનું મુખ્ય લક્ષ્ય મનુષ્યો અંગેનાં જ્ઞાનોનું નિર્માણ જુદા જુદા પાશ્ચાત્ય યુગોમાં કઈ કઈ રીતે થાય છે તે શોધવાનું અને કઈ જાતનાં સત્તાતંત્રો મનુષ્યને નિર્ધારિત કરે છે તે જાણવાનું હતું. ફૂકો નિરપેક્ષ જ્ઞાન અને નિરપેક્ષ સત્યનું સ્વરૂપ શોધવા માગતા ન હતા. કારણ કે તેમના મતે નિત્શેની જેમ જ આવું જ્ઞાન કે આવું સત્ય છે જ નહિ. શું સાચું છે અને શું ખોટું છે, તેવી જ રીતે શું ઉચિત છે અને શું અનુચિત છે, કોને પ્રમાણિત જ્ઞાન ગણાય અને કોને તેવું જ્ઞાન ન ગણાય તે બાબતો ઐતિહાસિક રીતે ઘડાતી હોય છે. મનુષ્યવિષયક વિજ્ઞાનો જેવાં કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન વગેરે મનુષ્ય અંગેનું જ્ઞાન આપે છે અને તેને આધારે જેલો, માનસિક દર્દી માટેનાં ચિકિત્સાલયો, અદાલતો, શાળાઓ, ફૅક્ટરીઓ વગેરેમાં મનુષ્યો સાથેના વ્યવહારો નિયત થાય છે. સમાજવિજ્ઞાનો મહદ્અંશે લોકોનું નૉર્મલ/ઍબનૉર્મલ (સાધારણ/વિચલિત) એવું દ્વિભાજન કરે છે. ફૂકોના જુદા જુદા ગ્રંથોમાં મુખ્યત્વે ઍબનૉર્મલ એટલે કે અસાધારણ કે વિકૃતનો વિચાર કરવામાં આવ્યો છે, જેમાં પાગલપણું, ગુનાખોરી, જાતીય વિકૃતિઓ અને માંદગીનો સમાવેશ થાય છે. બધા યુગોમાં આ વિષયો અંગે એકસરખા વાગ્-વ્યવહારો થયા નથી. પહેલાંના જમનામાં પાગલ વ્યક્તિઓ, ગુનેગારો કે માંદા માણસો વિશે જે માન્યતાઓ હતી અને તેમની સાથે જે વ્યવહારો થતા હતા તેનાથી ભિન્ન પ્રકારના વ્યવહારો અત્યારે થાય છે.

માંદા, પાગલ, ગુનેગાર કે જાતીય રીતે વિચલિત વ્યક્તિઓ ઉપર સાજા, ડાહ્યા અને નિર્દોષ માણસો જે નક્કી કરે તેવા વ્યવહારો થાય છે અને તેમાં સત્તા (power) અચૂક પોતાની ભૂમિકા ભજવે છે. મનશ્ચિકિત્સકો, ડૉક્ટરો, ગુનાશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ પોતપોતાનાં ક્ષેત્રોના લોકો માટે સત્ય સ્થાપે છે અને તે સત્યોને આધારે તેમના નિયંત્રણની, તેમને અનુશાસિત કરવાની ટૅકનિકોનો અમલ કરવામાં આવે છે. આમ સત્યસ્થાપક જ્ઞાન અને નિયંત્રણ–સ્થાપક સત્તા બંને સાથે જ પ્રવર્તે છે. સત્તાનું ક્ષેત્ર માત્ર સરકારનું કે રાજ્યનું જ ક્ષેત્ર નથી.

વર્તમાનમાં માનસિક બીમારી, ગુનાખોરી કે જાતીય વિકૃતિ વિશે જે સ્વાભાવિક લાગે છે તે ઇતિહાસના અમુક તબક્કે તેવું જણાતું ન હતું. તેના તરફ ફૂકો ધ્યાન દોરે છે અને અત્યારે જે પ્રથાઓ છે તે જ પ્રથાઓ સુધી વિકસવાનું ઐતિહાસિક રીતે અનિવાર્ય જ હતું તેવું ફૂકો સ્વીકારતા નથી. ઇતિહાસોનું કોઈ સમયપત્રક હોતું નથી અને કશું ઇતિહાસમાં અનિવાર્ય રીતે હેતુલક્ષી કે પ્રગતિસાધક હોતું નથી. ઇતિહાસમાં કેવળ સંજોગાધીનતા (contingency) જ પ્રવર્તે છે તેવો ફૂકોનો મત છે. ઇતિહાસમાં તબક્કાવાર કોઈ નિયત વિકાસક્રમ પ્રવર્તતો નથી. લોકોનાં જ્ઞાનમાં અને વ્યવહારમાં અણધાર્યાં અને અપેક્ષિત ન હોય તેવાં પરિવર્તનો આવતાં હોય છે.

ફૂકોએ તબીબી ચિકિત્સા, મનશ્ચિકિત્સા અને સમાજવિજ્ઞાનોનાં ક્ષેત્રે જ્ઞાનને સમજવાનો નવો અભિગમ આપ્યો છે જેને તે archaeology કહે છે. જ્ઞાનની ‘આર્કિયોલૉજી’ એટલે જ્ઞાનની ઉત્પત્તિ(arche)નો અભ્યાસ નહિ પણ જ્ઞાન જેમાં સંગૃહીત થયાં છે તે archivesનો – દસ્તાવેજોનો અભ્યાસ. જ્ઞાનનાં જે જે ક્ષેત્રોનો અભ્યાસ કરવાનો છે તે તે ક્ષેત્રો અંગે ખરેખર પ્રવર્તેલા વાગ્ વ્યવહારો(discourses – ઉક્તિ-સમુચ્ચયો)ની ફૂકોની ર્દષ્ટિએ તપાસ કરવી પડે છે. આ તપાસ એવા વાક્-વ્યવહારોની કરવાની હોય છે જેમના દ્વારા જ્ઞાનનાં તે તે ક્ષેત્રોમાં વિધાનો કોણ કરી શકે, કોનાં વિધાનો માન્ય થઈ શકે, કયાં સત્તાતંત્રો આવા વ્યવહારોને ઘડે છે વગેરેની જાણકારી મળે. દરેક યુગમાં પ્રવર્તતા ચોક્કસ વાગ્-વ્યવહારો તે યુગમાં કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન કોને ગણવું તેનાં ધોરણો પૂરાં પાડે છે. દસ્તાવેજ-આશ્રિત વાગ્-વ્યવહારોનું વિશ્લેષણ એટલે પુરાતત્વ – archeology. પાગલપણું, તબીબી ચિકિત્સા અને સમાજવિજ્ઞાનોનો આર્કિયૉલૉજીના નવા અભિગમથી ફૂકોએ વિચાર કર્યો છે. દરેક યુગમાં કઈ કઈ કાર્યપદ્ધતિઓ કે પ્રથાઓ (practices) વૈજ્ઞાનિક ગણાય તે અંગેનાં ધોરણો પ્રસ્થાપિત થતાં જતાં હોય છે. તેની સમજણ આર્કિયૉલૉજીમાંથી મળે છે. વ્યક્તિઓ જે ઐતિહાસિક યુગમાં, જે ક્ષેત્રોમાં વિચારે છે અને કાર્ય કરે છે તે ક્ષેત્રોમાં કેટલીક કાર્યપ્રણાલીઓ (practices) તેની પાર્શ્ર્વભૂમિકા રૂપે પ્રવર્તતી હોય છે. આવી કાર્યપ્રણાલીઓમાં સત્યાસત્યનો તેમજ ઉચિત-અનુચિતનો – એમ બંને પ્રકારના ભેદો પાડવામાં આવે છે. જે તે ક્ષેત્રોમાં સાચો વાગવ્યવહાર સ્થપાય અને તેના સંદર્ભમાં તે તે ક્ષેત્રોમાં સમાવેશ પામતી વ્યક્તિઓ ઉપર નિયંત્રણની ટૅક્નીકો દ્વારા શાસન થાય એ રીતે જ્ઞાન અને સત્તાનું સંયુક્ત પ્રવર્તન સ્થપાય છે.

ફૂકોના મતે કાર્યપ્રણાલીઓ ઐતિહાસિક રીતે ઊતરી આવે છે અને આ રીતે તેમનાં ઐતિહાસિક અવરોહણ કે તેમનાં નિમ્નગામી સંચરણના શાસ્ત્રને ફૂકો વંશવૃત્ત (genealogy) કહે છે. ફૂકોની ર્દષ્ટિએ સામાજિક રીતે ઊતરી આવતી પ્રથાઓનો અભ્યાસ મુખ્યત્વે માનવશરીરો ઉપર સત્તાનું શાસન કઈ રીતે લાદવામાં આવે છે તેનો જ અભ્યાસ છે; દા. ત., સજાઓનું લક્ષ્ય ગુનેગારોનાં શરીરો છે. તેમના ઉપર શાસન કરવાની રીતોનો અભ્યાસ ફૂકોએ કર્યો છે. તેવી જ રીતે જાતીય વર્તનના સામાજિક નિયંત્રણનું લક્ષ્ય પણ માનવશરીરો જ છે. ઐતિહાસિક રીતે જેનું અવરોહણ થયું છે તેવી સજાની રીતોમાં પહેલાં આકરામાં આકરી અસહ્ય શારીરિક પીડા આપનારી જાહેર સજાઓનું મહત્વ હતું તેમ સમજાય છે; પરંતુ ઓગણીસમી સદીના અંત સુધીમાં જેલોના સ્થાપત્યમાં એવા સુધારા થતા ગયા કે જેથી ચોકીદારો દરેક કોટડીના કેદીની બારીક હિલચાલ ઉપર સતત દેખરેખ રાખી શકે. કોને ક્યાં રાખવા, કયા સ્થાનેથી તેમનું નિરીક્ષણ કરવું, કઈ રીતે તેમનું હલનચલન નિયંત્રિત કરવું, કયો દૈનિક ક્રમ તેમની પાસે પળાવવો વગેરે ઝીણામાં ઝીણી બાબતો સંપૂર્ણ રીતે નિયત થયેલી હોવાથી, દેખીતી રીતે ક્રૂર જાહેર સજાના સ્થાને હવે સંપૂર્ણ અને સતત ચોકીપહેરો રાખવાની પ્રથાઓ વિકસી છે. વ્યક્તિનાં શરીરોની, તેમનાં હલનચલનોની, તેમનાં દૈનિક કાર્યોની ચોક્કસ સમયપત્રક મુજબ જેલોમાં, લશ્કરી છાવણીઓમાં, સ્કૂલોમાં, ફૅક્ટરીઓ વગેરેમાં આગવી વ્યવસ્થાઓ સ્થપાતી ગઈ છે.

પાગલપણાનો ઇતિહાસ : ‘હિસ્ટરી ઑવ્ મૅડનેસ’માં ફૂકો નોંધે છે કે મધ્યયુગમાં યુરોપમાં લૅપ્રસી(leprosy)ના રોગીઓ માટે અલાયદા નિવાસો સ્થપાતા હતા. એકાએક 14મી સદીમાં લૅપ્રસી(leprosy)નો રોગ અર્દશ્ય થઈ જતાં આ નિવાસો ખાલી પડ્યા. ઈ. સ. 1509માં ઇરેસમસે અને 1605માં ‘કિંગ લિયર’માં શેક્સપિયરે ‘મૅડનેસ’ વિશેના તેમના નિરૂપણમાં પાગલો પણ કેટલુંક સત્ય આપણને સમજાવે છે તેવું દર્શાવ્યું હતું. યુરોપમાં સત્તરમી સદીમાં ઘણાબધા લોકોને અનેક કારણોસર લૉક-અપમાં, અટકાયતમાં રાખવામાં આવતા હતા. ફેફરુંના દર્દીઓ, અસાધ્ય માંદગીના દર્દીઓ, ગુનેગારો, રખડુઓ, પાગલો, રાજ્યના દુશ્મનો, શ્રમ ન કરનારા બેકારો – એમ જાતજાતના લોકોને જેલમાં એકસાથે પૂરવામાં આવતા. એ સદીમાં સોએ એક પૅરિસવાસી જેલમાં જ હોય એવું બનતું. સત્તર અને અઢારમી સદીમાં ‘હિસ્ટીરિયા’ અંગે પણ જાતજાતની માન્યતાઓ પ્રવર્તતી હતી. 18મી સદીમાં એવો વિચાર રજૂ થયો હતો કે માનસિક બીમારીને માટે શારીરિક ઉપચારો ફાયદાકારક નહિ નીવડે. ફ્રેન્ચ ક્રાન્તિ પછી પાગલોને કેદખાનામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને અલાયદી સંસ્થાઓમાં મૂકવાનું શરૂ કરવામાં આવ્યું. પાગલોને ગુનેગારોથી અલગ પાડવામાં આવ્યા. ફિલિપ પીનેએ ફ્રાન્સમાં પાગલ વ્યક્તિઓને સાંકળોથી બાંધી રાખવામાં આવતી તે પ્રથામાંથી તેમને મુક્ત કર્યા. સેમ્યુઅલ ડ્યૂકે તેમને ગ્રામીણ – ફાર્મહાઉસમાં રાખીને પરિવારના સભ્યોની જેમ તેમની માવજત કરવાનું સૂચવ્યું; દેખરેખ હેઠળ રાખીને પાગલ વ્યક્તિઓનું વર્તન ધીમે ધીમે નિયંત્રિત કરીને તેમને સુધારવાના કાર્યક્રમો તેમના નિરીક્ષકોને આપવામાં આવ્યા. તેઓ વધુ ને વધુ ‘નૉર્મલ’ વર્તન કરવા લાગે તે તરફ તેમને વાળવાના પ્રયત્નો કરવામાં આવ્યા. સજા અને પ્રબલન(પુરસ્કાર)ની ટૅક્નીકોથી તેમના વર્તનનો ઇચ્છિત લક્ષ્યના સંદર્ભમાં ઘાટ ઘડવામાં આવ્યો. વર્તનનાં આ ધોરણોનો શક્ય હોય ત્યાં સુધી પાગલ વ્યક્તિઓ અંગીકાર કરી લે તો તેઓ નૉર્મલ વ્યક્તિની જેમ જ વર્તશે તેવું સમજવામાં આવ્યું. આ વ્યવસ્થાઓમાં ડૉક્ટરોનો સાથ લેવામાં આવ્યો. આમે વિગતવાર નિરીક્ષણ-નોંધ અને ‘કેસ-હિસ્ટરી’ની પ્રથા જે માંદા માણસો માટે તો ડૉક્ટરની દેખરેખ હેઠળ વિકસતી હતી, તે જ પ્રથા અને ધોરણો માનસિક માંદગીને લાગુ પાડવામાં આવ્યાં.

ફૂકોના આ ગ્રંથમાં મધ્યકાલીન યુરોપ પછીના દેશકાળના પાગલપણાનો ઇતિહાસ આલેખાયો છે. પાગલ લોકો બીમાર છે તે ખ્યાલ તો છેક ઓગણીસમી સદીમાં વ્યવસ્થિત થયો છે. ઇતિહાસના અમુક તબક્કે પાગલ માણસોને અટકાયત(confinement)માં રાખવાની પ્રથાથી માંડીને તેમને ચિકિત્સાલયોમાં માનસિક સારવાર માટે રાખવાની પ્રથાઓ વિકસી ત્યાં સુધીનો ઇતિહાસ સીધેસીધો સમજાવી શકાતો નથી. તેનો ઇતિહાસ સમજવા માટે તે યુગની આર્થિક-સામાજિક, રાજકીય-શૈક્ષણિક વ્યવસ્થાઓ અને તે તે યુગમાં પ્રવર્તતા પાગલો વિશેના વાગ્-વ્યવહારો – સંભાષણો(discourses)ને ધ્યાનમાં લેવાં જ પડે છે.

સત્તા અંગેનું ફૂકોનું વિશ્લેષણ : સત્તાને અમુક વ્યક્તિના ઇરાદા સાથે જોડી શકાય તેવું અનિવાર્ય હોતું નથી. ઇતિહાસ કદાચ વ્યક્તિઓના સંકલ્પને લીધે ઘડાતો હોય તોપણ તે વ્યક્તિની ઇચ્છા કે સંકલ્પ અનુસાર ઘડાતો હોતો નથી. કેટલાક વ્યક્તિરૂપ કર્તા(agent)ને આધારે તો કેટલાક સામાજિક માળખા કે સંરચનાને આધારે સત્તાની સમજૂતી આપે છે. વેબરથી પારસન્સ સુધી અને લેવી સ્ટ્રૉસથી આલ્થુસર સુધી ચિંતકોએ વ્યક્તિગત કર્તા કરતાં સામાજિક સંરચનાઓ (structures) સાથે જોડીને સત્તાનો વિચાર કર્યો છે. ફૂકો આ એજન્ટ/માળખા–વિવાદમાં માળખાને પક્ષે છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દાઓ મહત્વના બને છે.

  • વ્યક્તિ શું કરી શકે છે તે બાબતને સામાજિક માળખાંઓ મર્યાદિત કરી શકે છે; પરંતુ વ્યક્તિ તે મર્યાદામાં શું કરશે તે સામાજિક તંત્રો દ્વારા હંમેશાં નિયત હોતું નથી.
  • વ્યક્તિઓના સભાન ઇરાદાઓમાં કે કેવળ ઉત્પાદનની તરેહોથી રચાતાં સામાજિક તંત્રોમાં પાવરનું આશ્રયસ્થાન શોધવાને બદલે ફૂકો ઐતિહાસિક રીતે સ્થપાતી જતી સત્તાવિષયક ગૂંથણીઓની રજૂઆતો મહત્વની ગણે છે.
  • ‘જ્ઞાન એ સત્તા છે’ (knowledge is power) – એ વિધાનનો અર્થ ફૂકો માટે એ છે કે જ્ઞાન પોતે મનુષ્યનાં હિતો અને સત્તાવિષયક સંબંધોની પરિણતિ છે. સત્તા/જ્ઞાન એ રીતે લખીને ફૂકો એમ દર્શાવે છે કે જ્ઞાન અને સત્તાનો અભ્યાસ એકબીજાથી સ્વતંત્રપણે થઈ શકે તેમ નથી. મનુષ્યનાં વિજ્ઞાનો અને સામાજિક પ્રથાઓનો અભ્યાસ કરવા માટે આ ર્દષ્ટિબિંદુનું પદ્ધતિગત આયોજન કરીને તેના ફલિતાર્થોને ફૂકો તપાસે છે. જ્ઞાન અને સત્તા ખરેખર શું છે કે તેનું જ્ઞાન કઈ રીતે થાય છે તેવા પ્રશ્નોમાં ફૂકો ઊતરતા નથી.

ફૂકો દર્શાવે છે કે સત્તાને કેવળ દમન તરીકે જોઈ શકાય નહિ. સેન્સરશિપ, બહિષ્કાર, વ્યાવર્તન, દમન કે અવરોધની રીતે જ સત્તા વિશે વિચારવું ફૂકો માટે યોગ્ય નથી. સત્તા વિશે વિચારવાનો એ કેવળ નિષેધક ર્દષ્ટિકોણ છે. સત્તા હંમેશાં જ્ઞાનને અટકાવતી નથી કે અવરોધતી નથી. સત્તાની પ્રતિબંધક અને ઉત્પાદક – બંને પ્રકારની અસરો થાય છે. સત્તાતંત્રો અને જ્ઞાનતંત્રો સંયુક્ત રીતે કેટલાંક વર્ગીકરણો (સ્વસ્થ/વિકૃત, સામાન્ય/વિચલિત, નિર્દોષ/ગુનેગાર) દ્વારા વ્યક્તિનું સામાન્યીકરણ (normalization) કરે છે.

  • ઉચિત/અનુચિત, સત્ય/અસત્ય, યોગ્ય/અયોગ્ય, પ્રતિબંધિત/સ્વીકૃત, સમધારણ/વિકૃત, ન્યાયી/અન્યાયી વગેરે ભેદો સ્થાપનારાં જ્ઞાનનો વિચાર કરવો જરૂરી છે અને તે વિશેનાં સત્તાતંત્રોના સંદર્ભમાં પ્રવર્તમાન શાસનવ્યવસ્થાઓનો વિચાર કરવો પડે. શું ‘નૉર્મલ’ છે અને શું ‘નૉર્મલ’ નથી તે અંગેનાં વૈજ્ઞાનિક ધોરણો, શિક્ષણશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, ગુના-કાયદાશાસ્ત્રીઓ, તબીબો વગેરે સ્થાપે છે. તેવાં ધોરણો સ્થાપી શકાય તે માટે શાસનો વ્યવસ્થાઓ કરે છે અને તેને ધોરણે નાગરિકો પર નિયંત્રણ કરી શકાય કે તેનું વર્ગીકરણ કરી શકાય તે માટે શાસનો પોતાની પ્રયુક્તિઓ પ્રયોજે છે. આમ જ્ઞાન ખાતર જ્ઞાન/સત્તા ખાતર સત્તા – એ રીતે વિચારવું ફૂકોને માન્ય નથી.
  • ફૂકોના મત પ્રમાણે સત્ય માત્ર વ્યક્તિઓ સાથે સંકળાયેલું નથી, એ સામાજિક પ્રથાઓ અને સંસ્થાઓ સાથે પણ સંકળાયેલું છે. તેવી પ્રથાઓ અને સંસ્થાઓ ઐતિહાસિક રીતે નવાં નવાં ક્ષેત્રે ઉદભવતી જતી હોય છે. સત્યનું ઉત્પાદન અને વિતરણ થતું હોય છે. યુનિવર્સિટીઓ, કૉલેજો, ફૅક્ટરીઓ, લશ્કરી સંસ્થાઓ, પ્રસાર-પ્રચારનાં માધ્યમો વગેરે સત્ય/અસત્યના ભેદો નક્કી કરે છે. આ ભેદો કેવળ વિચારની કક્ષાએ જ હોતા નથી; પણ આયોજન, અમલ અને શાસનની કક્ષાએ પણ હોય છે. સત્યનું સત્તા દ્વારા ઉત્પાદન થાય છે અને સત્ય પ્રમાણે લોકોની માવજત કરવાનું કે તેમને સજા કરવાનું ગોઠવાય છે. શાસનથી સત્યો નીપજે છે અને નીપજેલાં સત્યોથી શાસન પ્રવર્તે છે અને એ રીતે જ્ઞાન-સત્તા અવિભાજ્ય બની જાય છે. સત્યો અને શાસનો કાયમી નથી, હંગામી છે. સત્યનું રાજકારણ સોવિયેત યુનિયનમાં રાજકારણનું સત્ય બની ગયું; કારણ કે કેદીઓને કુ-સમાયોજિત (maladjusted) વ્યક્તિઓ તરીકે ઘટાવવામાં આવ્યા. સોવિયેત રાજ્યની વિચારધારાને અનુરૂપ થાય તે જ ‘નૉર્મલ’ બાકીના ‘વિકૃત’ – એવા ભેદોથી સત્યનું આગવું શાસન (regime of truth) સ્થપાયું. દરેક સમાજમાં આવાં શાસનો સ્થાપિત સત્યોનાં શાસન હોય છે. તેમાં હંમેશાં જુલમ, ત્રાસ કે પીડાકારક સજા ન પ્રવર્તતી હોય તેમ પણ બને. સત્યનો રાજકીય/આર્થિક ઉપયોગ હોય છે. તે વ્યવહાર-પ્રથાઓ અને તંત્રો દ્વારા અમલી બને છે. સત્ય સત્તાની જેમ જ આર્થિક/રાજકીય રીતે પ્રવર્તે છે. તે નિષ્કામ જ્ઞાનીઓના રાજકીય રીતે વિશુદ્ધ ચિત્તની પેદાશ નથી. સત્ય સંસ્થાગત છે, પ્રથાનિષ્ઠ છે, ઐતિહાસિક રીતે ઘડાતું હોય છે અને સંપૂર્ણ રીતે સંજોગાધીન હોય છે. તેમાં કશું શાશ્વત નથી હોતું.
  • ફૂકોના મત પ્રમાણે રાજકીય સત્તાની કેવળ સમીક્ષા કે તિરસ્કાર કરવાથી કંઈ વળે નહિ. ખરેખર તો જ્ઞાન-સત્તાનું ગઠબંધન પ્રવર્તે છે, તેથી સત્તાને ઉપકારક જ્ઞાન અને જ્ઞાનને ઉપકારક સત્તા  એમ બંનેની સમીક્ષા કરવી ઘટે. સત્તા એટલે દમન, દમનમુક્તિ માટે ક્રાન્તિ અને ક્રાન્તિથી દમનમુક્તિ અને અંતે સત્તામાંથી મુક્તિ. એવો કોઈ અભિગમ ફૂકો સ્વીકારતા નથી. ફૂકો પ્રમાણે વિવિધ પ્રકારનાં જ્ઞાનોનું ઉત્પાદન કરવામાં સત્તા અંતર્વ્યાપ્ત છે અને સત્તાના સફળ અમલ માટે વિવિધ પ્રકારનાં જ્ઞાન જરૂરી છે. તેથી જ્ઞાન અને સત્તાનું વિયોજન શક્ય નથી.

જાતીયતાનો ઇતિહાસ ; ‘ધ હિસ્ટરી ઑવ્ સેક્સ્યુયાલિટી’ – એ પુસ્તકના ત્રણ ગ્રંથોમાં ફૂકોએ પાશ્ચાત્ય જગતમાં લૈંગિકતાવિષયક વિચારો અને વ્યવહારોનું ઐતિહાસિક નિરૂપણ કર્યું છે. ફૂકો પ્રમાણે દરેક યુગમાં જુદા જુદા ક્ષેત્રે અનેક પ્રકારના વાગ્-વ્યવહારો (discourses) ઉદભવે છે. આ વાગ્-વ્યવહારો કે ઉક્તિસમૂહો તેના વિષયને ઘડે છે. સામાજિક જ્ઞાનના ક્ષેત્રે ફૂકો નામમાત્રવાદી (nominalist) તેમજ નિર્મિતિવાદી (constructivist) છે. ભાષાવ્યવહારો, સામાજિક પ્રથાઓ, જ્ઞાનની પદ્ધતિઓ તેમનાં વિષયક્ષેત્રોને સર્જે છે. જુદા જુદા યુગમાં નવાં નવાં જ્ઞાનક્ષેત્રો રચાતાં આવ્યાં છે. વિજાતીય કે સજાતીય સંબંધોને જોવાની, તેને સમજવાની અને તેને અંકુશિત કરવાની રીતો ઐતિહાસિક રીતે, અસતત રીતે પરિવર્તન પામતી હોય છે. જાતીય વર્તન અવશ્ય કુદરતી છે, પણ મનુષ્યોના જાતીય વ્યવહારોની આસપાસ અનેક માન્યતાઓ સંકળાયેલી છે તે સ્વાભાવિક નથી, પણ માનવનિર્મિત છે.

ફૂકો પ્રમાણે ચીન, જાપાન, ભારત અને પ્રાચીન રોમમાં sex વિશે વૈજ્ઞાનિક નહિ પણ શૃંગારપ્રધાન, કલાત્મક અભિગમ પ્રવર્ત્યો છે; તેથી વિરુદ્ધ, પાશ્ચાત્ય સમાજોમાં scientia sexualis એટલે કે કામુકતાવિષયક વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ વિકસ્યો છે.

પાશ્ચાત્ય સમાજોમાં પહેલાં ખ્રિસ્તી પ્રથાને લીધે અને પછી ફ્રૉઇડની પદ્ધતિને લીધે પોતાના જાતીય વર્તનની નાનામાં નાની વિગતને પાદરી સમક્ષ કે મનશ્ચિકિત્સક સમક્ષ કબૂલવાની પરંપરા સ્થપાઈ. Confession–કબૂલાત –એકરારની આ પ્રથા પછી બધે ફેલાઈ ગઈ. જાતીયતાનું સત્ય પરસ્પરના સંવાદથી અને તેમાં થયેલી નિખાલસ કબૂલાતથી પ્રાપ્ત થશે તેવું શિક્ષકો, પાદરીઓ, તબીબો અને શાસકો સ્વીકારવા લાગ્યા. રોજિંદા જીવનમાં માબાપ-સંતાનો વચ્ચેના સંબંધોમાં, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના સંબંધમાં, પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ‘કન્ફેશન’નું મહત્વ સ્થપાતું ગયું. કાનૂની ક્ષેત્રે ગુનેગાર પાસેથી ઉત્પીડન કે યાતના (torture) દ્વારા ગુના અંગેનું સત્ય શોધવાનું પણ સર્વત્ર સ્વીકૃત થતું ગયું. આમ સત્ય, કબૂલાત અને ઉત્પીડનનો સંબંધ સ્થપાતો ગયો. જાણે કે આખો પાશ્ચાત્ય સમાજ ચારે બાજુ જાતજાતના ચોકીપહેરા હેઠળ ‘કન્ફેસિંગ સોસાયટી’ બની ગયો હોય તેમ તે પ્રથાનો પાશ્ચાત્ય ઇતિહાસ જોતાં ફૂકોને સમજાય છે. કાનૂની અને શિક્ષણ-વ્યવસ્થા, કૌટુંબિક અને પ્રેમ-સંબંધો – એમ સર્વત્ર, ગુનાઓ, પાપો, ખરાબ વિચારો, અમાન્ય ઇચ્છાઓ, પોતાનાં સ્વપ્નાંઓ, પોતાની સમસ્યાઓ કે રોગો – એ બધામાં કબૂલાતોનું મહત્વ સ્થપાયું છે. ફ્રૉઇડનું મનોવિશ્લેષણ એ ‘કન્ફેશન’નું આધુનિક સ્વરૂપ છે. કબૂલાતોને વૈજ્ઞાનિક રીતે ફ્રૉઇડે માન્ય કરી.

કબૂલાતોમાં પાદરીઓ, શિક્ષકો, તબીબો વગેરે અને તેમની સમક્ષ કબૂલાતો આપનારા લોકો વચ્ચે સત્તાસંબંધો સ્થપાય તે દેખીતું છે. જેમ જ્ઞાન અને સત્તા વચ્ચે અવિભાજ્ય જોડાણ છે તેમ જ્ઞાન, સત્તા અને આનંદ (pleasure) વચ્ચે પણ જાતીયતાના સંદર્ભમાં એક નવું જોડાણ સ્થપાયું. કયા આનંદો પ્રતિબંધિત છે, કયા માન્ય છે, કયું જાતીય વર્તન નૉર્મલ છે અને કયું વિચલિત છે અને તે બધાંનો ભેદ કયાં જ્ઞાનક્ષેત્રો નક્કી કરે અને એ ભેદને આધારે વિચલિતો (deviants) સાથે કયા પ્રકારના વ્યવહારો કરવા અને તેનો અમલ કોણ કરે તે વિશે આધુનિક યુગમાં વાગ્-વ્યવહારો અનેકગણા વધી ગયા છે તેવું ફૂકોએ દર્શાવ્યું છે. જાતીય વર્તન કેવળ પ્રજનન-નિમિત્તે જ ઉદભવતું નથી. તેને અંગે મનુષ્યોમાં વિવિધ પ્રકારના કામુક (erotic) આનંદો પ્રજનનના હેતુથી સ્વતંત્ર રીતે લક્ષ્યરૂપ બનતા હોય છે. આમ હોવાથી કયા આનંદ, કેટલી મર્યાદા સુધી માન્ય છે અને તેવું કઈ સંસ્થાઓ, પ્રથાઓ, રૂઢિઓ દ્વારા નક્કી થાય તે અંગે પ્રાચીન અને અર્વાચીન યુગની કેટલીક મહત્વની કૃતિઓ(texts)નો અભ્યાસ કરવાથી યુગવિશિષ્ટ પ્રતિબંધો અને છૂટછાટોનો ખ્યાલ આવે છે. જાતીય આનંદ ઉપર જે જાતના પ્રતિબંધો છે તે પ્રકારના પ્રતિબંધો મનુષ્યના બીજા કેટલાક આનંદો વિશે લાદવામાં આવતા નથી. તે બાબત ઘણી મહત્વની છે. 16મી સદીમાં પરિણીત લોકોના જાતીય આનંદોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગેની વિચારણા પશ્ચિમમાં મહત્વની હતી. ઓગણીસમી અને વીસમી સદીમાં વિચલિત વર્તન કરનારા લોકોના ક્ષેત્રમાં બાળકો, અપરિણીત પરિણીત સ્ત્રીપુરુષો, સજાતીય સંબંધ માણતા લોકો  એમ અનેક પ્રકારના સ્ખલન કે વિચલનનાં ક્ષેત્રોનાં લોકો વિશે તબીબી ચિકિત્સાત્મક વાગ્-વ્યવહારો સ્થપાતા ગયા. જ્ઞાન, સત્તા અને આનંદનો સંબંધ આ રીતે સ્થપાતો ગયો. વસ્તીનિયંત્રણ-નિમિત્તે, સુપ્રજનન-નિમિત્તે એમ અનેક હેતુઓ ભેગા થઈને સેક્સ્યુયાલિટી (sexuality વિશે) અનેક સ્તરે થતો વિચારવિમર્શ આધુનિક યુગના તે ક્ષેત્રના ઇતિહાસથી સમજાય છે. ‘સેક્સ્યુયાલિટી’ની વિભાવના જ નવેસરથી રચવામાં આવી છે. તે જોતાં કોઈ એક જ અભિગમથી સમગ્ર ક્ષેત્રને સમજી શકાય તેમ નથી.

લૈંગિકતાનું કે કામુકતાનું હંમેશાં પાશ્ચાત્ય સમાજોમાં દમન થયું છે તેવા મતને ફૂકોની ર્દષ્ટિએ લૈંગિકતાના ઇતિહાસમાં કોઈ સમર્થન મળતું નથી. ઊલટાનું જાતીયતા અંગેના વાગ્-વ્યવહારોમાં અનેક સ્તરે અનેકગણો વધારો થતો ગયો. શાસનતંત્રો અને જ્ઞાનતંત્રોએ તેને વિશે વધુ ને વધુ ઊહાપોહ કર્યો છે. જાતીય વર્તનને કેવળ એક શારીરિક વ્યવહાર તરીકે સમજવા ઉપરાંત તે અંગે ઉચિત/અનુચિત એવા નૈતિક-સાંસ્કૃતિક વિચારો ઇતિહાસના જુદા જુદા તબક્કે નવેસરથી રજૂ થતા આવ્યા છે. તબીબી વ્યવહારપ્રથાઓ જે પ્રાચીન ગ્રીક સમયમાં પ્રવર્તતી હતી તે પ્રથાઓ તે સમયે જે શરીર-વિષયક સમજણ હતી તેના સંદર્ભમાં સમજવી પડે. તબીબી અને ચિકિત્સાના ક્ષેત્રે જે આધુનિક પ્રથાઓ વિકસી તેમાં માનવશરીર વિશેની તદ્દન નવી જ સમજણ જણાય છે. પ્રાચીન સમયમાં દેહ-દમનની અને આત્મસંયમની ટૅકનિકો પ્રયોજાતી હતી. તેનો ઇતિહાસ પણ ફૂકોએ રસપ્રદ રીતે આલેખ્યો છે. સજાતીય કામુકતા(homosexuality)ની આધુનિક સમજણ તથા પ્રાચીન ગ્રીકોની તે વિશેની સમજણ કરતાં તદ્દન ભિન્ન છે. મનુષ્યોના શરીરોને સમાજ માટે ઉપયોગી એવા શ્રમમાં રોકીને સમાજને ઉપકારક એવાં ઉત્પાદનોનાં લક્ષ્ય સિદ્ધ કરવા માટે sexને અનેક રીતે મર્યાદિત કરવી પડે તેવા વિચારો પણ ઔદ્યોગિકીકરણ દરમિયાન રજૂ થયા છે. ઉપભોક્તાવાદી સમાજોમાં પણ જાતીયતા ઉપરનાં નિયંત્રણો નવા સ્વરૂપે ટકી રહ્યાં છે. બળાત્કાર અને સગોત્ર લૈંગિક સંબંધો કયાંય માન્ય નથી.

સ્વ (self) અને નૈતિક આચરણ : ફૂકો પ્રમાણે સ્વ(self)નો તેની પોતાની સાથેનો સંબંધ સમજવાનો પ્રયત્ન નીતિશાસ્ત્રમાં થવો જોઈએ તેવા સંબંધનાં ચાર પાસાં ફૂકોએ દર્શાવ્યાં છે.

(1) વ્યક્તિનો પોતાની જાત વિશેનો જે અંશ કે ભાગ નૈતિક મૂલ્યાંકનનો વિષય બનતો હોય તેનો વિચાર કરવો પડે છે.

(2) નૈતિક નિયમો કે આદેશો સાથે વ્યક્તિ કઈ રીતે સંકળાય છે, કઈ રીતે તેને અધીન થાય છે તેનો વિચાર આવશ્યક બની જાય છે.

(3) વ્યક્તિ પોતાના ઉપર જે નૈતિક પ્રક્રિયા કરે છે કે જેને લીધે વ્યક્તિ પોતાને એક નૈતિક કર્તા (ethical subject) તરીકેનો આકાર આપે છે તે બાબતનો વિચાર પણ નૈતિક ચિન્તનમાં મહત્વનો છે,

અને

(4) નૈતિક વર્તન કરીને વ્યક્તિ શું બનવા માગે છે, કઈ જીવનતરેહ કે અસ્તિત્વનો કયો પ્રકાર (mode of being) સિદ્ધ કરવા માગે છે તેને પણ નૈતિક વર્તનના અભ્યાસમાં ધ્યાનમાં લેવું જરૂરી છે.

આમ, નૈતિક મૂલ્યાંકનનું ઉપાદાન કે લક્ષ્ય, નૈતિક આદેશને અનુસરવાની રીત, નૈતિક પ્રક્રિયા અને તેને લીધે પામવાની અસ્તિત્વની તરેહ – એ નૈતિક ચિંતનનાં ચાર પાસાં છે.

ફૂકોના ઉત્તરકાલીન ચિંતનમાં સ્વનો પોતાની સાથેનો સંબંધ અને એ અર્થમાં નૈતિકતા કેન્દ્રવર્તી વિચાર તરીકે પ્રવર્તી છે. આપણે આપણી પોતાની સાથે જે રીતે સંબદ્ધ થઈએ છીએ તે રીતોને ફૂકો ‘technologies of self’ તરીકે ઘટાવે છે.

તેનો ઇતિહાસ એટલે સ્વવિષયકતા–વિષયિતાનો ઇતિહાસ. વ્યક્તિનું સ્વતત્વ કોઈ ઊંડું અગમ્ય રહસ્યમય તત્વ નથી. જ્ઞાનની પરંપરાઓ અને શાસનની પ્રથાઓ સંયુક્ત રીતે વ્યક્તિના સ્વતત્વને પોતાની ઓળખ આપે છે અને તે સંદર્ભમાં વ્યક્તિ પોતાને ઓળખે ને સમજે છે, અનુભવે છે. આ ઉપરાંત, ભાષાવિજ્ઞાન, જીવવિજ્ઞાન કે અર્થશાસ્ત્ર જેવાં વિજ્ઞાનો પણ વ્યક્તિને એક ભાષક તરીકે, જીવંત હસ્તી તરીકે અને સંપત્તિ પ્રાપ્ત કરવા સાધનોનો ઉપયોગ કરતી વ્યક્તિ તરીકે અનુક્રમે વિચારે છે અને તેમાં મનુષ્યોને વિજ્ઞાનના વિષયો તરીકે સમજવામાં આવે છે. આમ વ્યક્તિ-વિષયકતા કે સ્વવિષયકતામાં ઐતિહાસિક રીતે પ્રવર્તતાં જ્ઞાનતંત્રો, વાગ્-વ્યવહારો (discourses) અને સત્તાતંત્રોનું અનન્ય અને પ્રભાવક યોગદાન રહ્યું છે તે જોતાં વ્યક્તિના સ્વનો વિચાર આવા ઇતિહાસોથી અલગ પાડીને સ્વપ્રતિષ્ઠિત સ્વપ્રકાશિત પ્રમાતા કે જ્ઞાતા તરીકે કરવાનું વલણ ફૂકોને માન્ય નથી.

ફૂકો માને છે કે અગાઉ પોતે જે રીતે સ્વવિષયકતાના ઇતિહાસને સમજાવ્યો છે તેના કરતાં નૈતિક વર્તનના ક્ષેત્રે પોતે નવી જ રીતે વિચાર્યું છે; તેનું કારણ એ છે કે નૈતિક ક્ષેત્રે સ્વનું પોતાના ઉપરનું શાસન કેન્દ્રમાં છે. વ્યક્તિનું સ્વતત્વ સ્વવિષયકતાના ઇતિહાસ તરીકે તેમજ શાસનના વિશ્લેષણ તરીકે સમજવા માટે સ્વનો પોતાની સાથેનો સંબંધ સમજવો પડે અને આવો સંબંધ કેળવવાની સ્વવિષયક વ્યૂહાત્મક યુક્તિઓ(technologies of self)નો ઇતિહાસ સમજવો પડે. વ્યક્તિ પોતાને નૈતિક કર્તા તરીકે કઈ રીતે ઘડે છે તેનું નિરૂપણ ફૂકોએ પ્રાચીન ગ્રીક અને રોમન કૃતિઓના વિશ્લેષણને આધારે કર્યું છે. વ્યક્તિઓએ ખાસ કરીને પોતાના જાતીય વર્તનની બાબતમાં કઈ કઈ રીતે જાગ્રત થવાનું છે અને પોતાના સ્વની સંભાળ (care of self) કઈ કઈ રીતે રાખવાની છે તે બાબતો અનેક મહત્વની પ્રાચીન પાશ્ચાત્ય કૃતિઓમાં ફૂકોને મળી આવી છે. આવી કૃતિઓમાં જીવન-શૈલીઓનું સૌંદર્યશાસ્ત્ર રજૂ થયેલું છે. ફૂકોએ સ્વની કાળજી લેવા અંગેનાં વિવિધ સૂચનો, તેને લગતી પ્રથાઓ અને તેને વિશેના ઉપદેશોની ખૂબ વિગતવાર નોંધ કરી છે અને એ રીતે સ્વની સંભાળની યુક્તિઓ અને પ્રથાઓનો રસપ્રદ ઇતિહાસ આલેખ્યો છે. નૈતિકતાનો પ્રશ્ન માત્ર આદેશો પાળવાનો પ્રશ્ન નથી પણ સ્વની સંભાળ લેતી જાગૃતિના સંદર્ભમાં જીવનશૈલી વિકસાવવાનો પ્રશ્ન છે. નૈતિકતા માત્ર આદેશોને અનુરૂપ બાહ્ય આચાર નથી; પણ અસ્તિત્વની એક શૈલી છે. મનુષ્યોના હોવાપણા(being)ની એક રીત છે. કલાકારની જેમ જ નૈતિક વિવેકબુદ્ધિથી પોતાના વર્તનનો ઘાટ ઘડતો મનુષ્ય પણ કલાકાર સર્જક છે, નૈતિકતા સ્વઘડતરનો એક કાર્યક્રમ છે. તેમાં વ્યક્તિએ પોતાના ઉપર પોતે જ શાસન કરવાનું હોય છે. આવા સ્વ-શાસનની યુક્તિઓ પણ વિવિધ સમાજોમાં વિવિધ યુગોમાં બદલાતી હોય છે. પ્રથાઓ બદલાઈ શકે છે. પરંપરાઓ તોડી શકાય છે. જૂના વિચારોનું સ્થાન નવા વિચારો લે છે. સ્વનું કોઈ કાયમી સત્વ (essence) નથી અને તેનું કોઈ અંતિમ પરમ લક્ષ્ય નથી.

મધુસૂદન બક્ષી