મિશિગન સરોવર : યુ.એસ.નું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર. દુનિયાનાં સૌથી મોટાં સરોવરો પૈકીનું તે ત્રીજા ક્રમનું સરોવર છે. આ સરોવર પૂર્વ તરફ આટલાંટિક મહાસાગર સાથે અને દક્ષિણ તરફ મિસિસિપી નદી મારફતે મેક્સિકોના અખાત સાથે જોડાયેલું છે. આ રીતે યુ.એસ.માં તે લાંબો જળમાર્ગ રચે છે. જૂના વખતમાં આ સરોવરકાંઠે વસતા ઇન્ડિયનો તેને ‘મિશિ-ગામા’ (ઘણું પાણી) નામથી ઓળખતા હતા, લાંબા વખતના ઉપયોગથી તે નામનું અપભ્રંશ ‘મિશિગન’ થયેલું છે.

સ્થાનવિસ્તારલક્ષણો : આ સરોવર ઉત્તર-દક્ષિણ વિસ્તરેલું હોવાથી મિશિગન રાજ્યને બે દ્વીપકલ્પીય વિભાગોમાં વહેંચી નાખે છે. વિસ્કૉન્સિન અને ઇલિનૉઇ તેની પશ્ચિમ સીમા બનાવે છે, જ્યારે ઇન્ડિયાના રાજ્યનો થોડોક ભાગ તેના દક્ષિણ કાંઠાને સ્પર્શે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 494 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 190 કિમી. જેટલી છે. તેનો કુલ વિસ્તાર 57,757 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 281 મીટર છે. તેની જળસપાટી સમુદ્રસપાટીથી 176 મીટરની ઊંચાઈ પર છે. તેનો મોટામાં મોટો ફાંટો ગ્રીન બે વાયવ્ય તરફ આવેલો છે. પૂર્વ તરફ ગ્રાન્ડ ટ્રાવર્સ અને લિટલ ટ્રાવર્સ નામના

નકશો

ફાંટા છે. તેને મળતી મોટી નદીઓમાં સેન્ટ જૉસેફ, ફૉક્સ, કાલામેઝૂ, ગ્રાન્ડ અને મેનૉમિનીનો સમાવેશ થાય છે. શિકાગો નદી તેમાંથી નીકળે છે. એક કાળે તે આ સરોવરને મળતી હતી, પરંતુ પછીથી તેની પ્રવાહદિશા ઊલટી બની ગયેલી છે.

મિશિગન સરોવર

વેપારી માર્ગો : મિશિગન સરોવર મૅકિનૉની સામુદ્રધુની દ્વારા હ્યુરોન સરોવરમાં તેનાં પાણી ઠાલવે છે. સેંટ લૉરેન્સ નદી દ્વારા તેનો જળમાર્ગ આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલો છે. આ વિસ્તારનાં લાકડાં, અનાજ અને ખનિજ-પેદાશોની અહીંનાં બંદરો દ્વારા નિકાસ થાય છે. શિકાગો સૅનિટરી અને શિપ-કૅનાલ તેમજ શિકાગો અને ઇલિનૉઇ નદીઓ આ સરોવરને મિસિસિપી નદી સાથે જોડી આપે છે.

બંદરો : મિશિગન રાજ્યમાં આવેલાં મહત્વનાં બંદરોમાં એસ્કાનાબા, ફ્રૅન્કફર્ટ, ગ્રાન્ડ હેવન, લ્યુડિંગટન, મૅનિસ્ટી, મેનૉમિની, મસ્કેગૉન, પૉર્ટ ડૉલોમાઇટ, પૉર્ટ ઇનલૅન્ડ અને સ્ટોનપૉર્ટનો; વિસ્કૉન્સિનનાં બંદરોમાં ગ્રીન બે, કેવોની, મૅનિટોવૉક, મિલ્વૉકી, ઓક ક્રીક, પૉર્ટ વૉશિંગ્ટન, રેસિન અને શેબૉયગનનો; ઇન્ડિયાનાનાં બંદરોમાં ગૅરી અને ઇન્ડિયાના હાર્બરનો તથા ઇલિનૉઇનાં બંદરોમાં શિકાગો અને વૉકેગનનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા