મિલ્સ, ચાર્લ્સ રાઇટ [જ. 28 ઑગષ્ટ 1916, વીકો, ટેક્સાસ; અ. 20 માર્ચ 1962, વેસ્ટ ન્યાક(West Nyack), ન્યૂયૉર્ક] : વીસમી સદીના પાંચમા અને છઠ્ઠા દાયકામાં અમેરિકન સમાજના વિશ્લેષણમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અમેરિકન સમાજશાસ્ત્રી. તેમણે ટૅક્સાસ તથા વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો તથા વિસ્કૉન્સિન અને મેરિલૅન યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું હતું. 1946–62ના ગાળામાં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. સમાજશાસ્ત્રની રાજકીય શાખામાં તેમનું ખેડાણ મહત્વનું હતું. ઉદ્દામવાદી વિચારસરણી ધરાવતા આ વિદ્વાનના મતે સમાજશાસ્ત્રનું તાત્વિક સ્વરૂપ મૂળભૂત રીતે રાજકીય છે. સામાજિક સ્તરરચનામાં સંસ્કૃતિ અને વ્યક્તિમત્તાના સંદર્ભે સત્તાના કેન્દ્રને સમજવાનો તેમનો અભ્યાસુ પ્રયત્ન રહ્યો. અમેરિકન મધ્યમવર્ગ અંગેનો તેમનો અભ્યાસ ‘White Collar’ (1951) અને ભદ્રવર્ગના સંદર્ભનો અભ્યાસ ‘Power of Elite’ (1956) સમાજશાસ્ત્રના આધુનિક વિકાસમાં સીમાચિહ્નરૂપ બન્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાજવિજ્ઞાનમાં મિલ્સને નામના અપાવનાર તેમનો ગ્રંથ ‘Sociological Imagination’ 1959માં પ્રકાશિત થયો. એ ગ્રંથમાં અમેરિકામાં સમાજવિજ્ઞાનના વિકાસનું ઐતિહાસિક અર્થઘટન રજૂ કરવામાં આવ્યું છે. વ્યક્તિના અંગત પ્રશ્નોને સમાજના મહત્વના પ્રશ્નો સાથે જોડીને જગતને જોવા–સમજવાનો એક સમાજશાસ્ત્રીય ર્દષ્ટિકોણ એ ગ્રંથમાં રજૂ થયો છે.
સમાજશાસ્ત્રમાં વાદ અને અનુભવજન્યવાદના તેઓ સતત ટીકાકાર અને માનવવાદી સમાજશાસ્ત્રના પુરસ્કર્તા રહ્યા હતા. અમેરિકાના ડાબેરી વિચારસરણી ધરાવતા (new left) સમાજશાસ્ત્રીઓના વર્તુળ પર તેમનો ખૂબ પ્રભાવ હતો. તેઓ અમેરિકાના સમાજશાસ્ત્રીઓના મુખ્ય પ્રભાવથી વિખૂટા પડી ગયેલા હોવાથી વિવાદાસ્પદ બન્યા હતા, જેને લીધે અમેરિકાના વિદ્યાકીય વર્તુળમાંથી તેમને લગભગ જાકારો આપ્યો હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી.
તેમણે ટાલકૉટ પાર્સન્સનાં ક્લિષ્ટ ગણાતાં લખાણોનો સરળ અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો, જે નમૂનારૂપ ગણાય છે.
ગૌરાંગ જાની