મિલ્સ, જૉન (સર) (લૂઈ અર્નેસ્ટ વૉટ્સ) (જ. 22 ફેબ્રુઆરી 1908, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 2005, દેનહામ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના નામી અભિનેતા અને દિગ્દર્શક. તેમણે સૌપ્રથમ પ્રારંભ કર્યો રંગભૂમિ પરના અભિનયથી 1929માં. 1930ના દશકા દરમિયાન હળવી કૉમેડી તથા સંગીતનાટિકાઓમાંના અભિનયથી તેઓ બેહદ લોકપ્રિય નીવડ્યા.

તેમને સવિશેષ નામના મળી ફિલ્મ-અભિનેતા તરીકે. તેમણે દેશભક્તિને લગતાં ઘણાં ચિત્રોમાં અભિનય આપ્યો. તેમાંથી મહાકાવ્ય જેવી ભવ્યતા ધરાવતાં ‘સ્કૉટ ઑવ્ ધ ઍન્ટાર્ક્ટિક’  (1948), ‘ધ કૉલ્ડિઝ સ્ટોરી’ (1954) અને ‘ઓહ ! વૉટ એ લવલી વૉર !’ (1969) જેવાં ચલચિત્રો ખૂબ સ્મરણીય અને પ્રેક્ષકપ્રિય બની રહ્યાં. પૂરા બે દાયકા ફિલ્મી પ્રેક્ષકવૃંદ સમક્ષ તેમની એક સંસ્કારી અને વિશ્વાસપાત્ર ‘ઇંગ્લિશમૅન’ની પ્રતિમા તરવરી રહી. અનુકંપા ન ધરાવતાં પાત્રોમાં તેઓ નાછૂટકે જ અભિનય આપતા. ‘રેન્સ ડૉટર’(1970)માં એક મૂર્ખ ગામડિયાના પાત્રનો અભિનય કરવા બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ અપાયો હતો. તેમણે ‘ગાંધી’ (1982) તથા ‘ઍ વુમન ઑવ્ સબસ્ટન્સ’ (1986) જેવાં ચલચિત્રોમાં પણ અભિનય આપ્યો હતો. તેમના રંગભૂમિ પરના અભિનયમાં પારાવાર વૈવિધ્ય જોવા મળતું હતું.

સર જૉન મિલ્સ

તેમને 1976માં ‘સર’નો ખિતાબ અપાયો. તેઓ જૂલિયેટ તથા હૅલી નામની બે અભિનેત્રી-પુત્રીઓના પિતા થાય.

મહેશ ચોકસી