મિલિંગ મશીન (Milling Machine) : ધાતુના દાગીના પર ચક્રાકારી કર્તન ઓજાર (rotary cutting tool) વડે વિવિધ સપાટીઓ તૈયાર કરવા વપરાતું મશીન. આ પ્રકારનાં અન્ય મશીનોમાં શેપર અને પ્લેનર મશીનો ગણાવી શકાય. શેપર પ્રમાણમાં નાના અને પ્લેનર મોટા દાગીના માટે પસંદ કરાય છે. મિલિંગ મશીન શેપર અને પ્લેનર કરતાં વધારે ઝડપથી કામ કરે છે; એટલું જ નહિ, પરંતુ તેમાં વપરાતાં ઓજારો(tools)ના વૈવિધ્યને લીધે જુદા જુદા પ્રકારની સપાટીઓ મેળવી શકાય છે.

આકૃતિ 1 : કૉલમ અને ‘ની’ મિલિંગ મશીન. 1. બેઝ, 2. કૉલમ, 3. ‘ની’, 4. ટેબલ, 5. સ્પિન્ડલ, 6. ઓવર આર્મ, 7. આર્બર સ્ટેડીઝ, 8. ગતિ લીવર

મિલિંગ મશીનોના ઘણા પ્રકારો છે, જેમાં ‘કૉલમ ઍન્ડ ની’ (column and knee), સ્થિર પાટ (fixed bed) અને પ્લેનો-મિલર મુખ્ય પ્રકારો છે. કૉલમ અને ની પ્રકારનાં મિલિંગ મશીનો સૌથી વિશેષ પ્રમાણમાં વપરાય છે.

આકૃતિ 2(અ) : મિલિંગ કટરો. (અ) સીધા દાંતાનું પાતળું કટર, (આ) હેલિક કટર, (ઇ) સાઇડ ઍન્ડ ફેઇસ કટર, (ઈ) લગાવેલ દાંતાવાળું કટર, અને દાંતા લગાવવાની વિગત

મિલિંગ મશીનનું કદ (size, capacity) તેના ટેબલના કદ ઉપરથી નક્કી થાય છે, કારણ કે કેટલા કદનો દાગીનો ગોઠવી શકાય તે ટેબલના કદથી નક્કી થાય. ટેબલને આગળ-પાછળ, આજુબાજુ તેમજ ઉપર-નીચે એમ ત્રણેય દિશામાં ચાલ આપી શકાય તેમજ અમુક પ્રકારમાં ટેબલને ઊર્ધ્વ ધરીના સંદર્ભે ફેરવી ચોક્કસ કોણીય માપમાં પણ બેસાડી શકાય. મશીનમાં કર્તન ઓજાર તરીકે કટરો (cutters) કામ કરે છે. આ કટરો આર્બર (સ્ટીલમાંથી બનાવેલ દંડ) પર લગાવવામાં આવે છે. આર્બર મશીનમાં આવેલ સ્પિન્ડલના છેડે લગાવવામાં આવે છે. મશીન પરની ઇલેક્ટ્રિક મોટરમાંથી ગિયરબૉક્સ અથવા તો પટ્ટા-સંચારણ દ્વારા સ્પિન્ડલને ગતિ મળે છે. સ્પિન્ડલ ફરતાં આર્બર અને છેવટે કટર (કે એકથી વધુ લગાવેલ કટરો) ફરે છે. આ કટર પર કાપા આપીને તીક્ષ્ણ ધારો તૈયાર કરાઈ હોય છે. આ ધારો દાગીનાને છોલીને જોઈતા આકારની સપાટી ઉત્પન્ન કરે છે.

આકૃતિ 2(બ) : એન્ડ મિલ્સ, (અ) સીધા દાંતાવાળું કટર, (આ) હેલિકલ દાંતાવાળું કટર, (ઇ) આર્બર પર લગાવેલ શેલ-કટર, (ઈ) ટીટ-સ્લૉટ કટર

મિલિંગ કટર એ પરિભ્રામી ઓજાર છે, જેમાં એકથી વધુ કર્તનદાંતા આવેલા હોય છે. કટર ફરે એટલે એક પછી એક દાંતો દાગીનાના સંપર્કમાં આવે અને કર્તન થાય. મિલિંગ કટરોમાં ઘણું વૈવિધ્ય મળી રહે છે અને તે કારણે મિલિંગ મશીન દ્વારા મળતી સપાટીઓમાં પણ વિવિધતા હોય છે અને માટે જ મિલિંગ મશીન વધારે ઉપયોગી બન્યું છે.

મુખ્ય પ્રકારનાં મિલિંગ કટરો નીચે પ્રમાણે છે :

(1) સાદાં કટરો (plane milling cutters),

(2) બાજુ અને પરિધીય ધાર કટરો (side & focecutters),

(3) ધાતુકાપ કટરો (metal slitting cutters),

(4) ઍંગલ કટરો (angle cutters),

(5) છેડાધાર કટરો (end mills),

(6) T સ્લૉટ કટરો (T-slot cutters),

(7) ફેસિંગ કટરો (facing cutters),

(8) ગિયર કટરો (gear cutters).

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ