મિર્ઝા ખાન દાગ દહેલ્વી (જ. 25 મે 1831, દિલ્હી; અ. 17 માર્ચ 1905, હૈદરાબાદ) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. તેમનું નામ મિર્ઝાખાન નવાબ હતું. તેમના પિતા શમ્સુદ્દીનખાન નવાબ, લોહારૂ રિયાસતના નવાબ ઝિયાઉદ્દીનખાનના ભાઈ હતા. દાદાનું નામ એહમદહુસેન ખાન નવાબ હતું. દાગ દહેલ્વી રાજવી કુટુંબના નબીરા હતા. 7 વર્ષની ઉંમરે, તેમના પિતાના અવસાન પછી તેમની માતાએ, છેલ્લા મુઘલ બહાદુરશાહના દીકરા મિર્ઝા મુહમ્મદ સુલતાન ઉર્ફે મિર્ઝા ફખરૂ સાથે લગ્ન કરી લીધાં અને ‘શૌકત-મહેલ’નું નવું નામ અંગીકાર કર્યું. હવે મિર્ઝા દાગને દિલ્હીના લાલ કિલ્લામાં પ્રવેશ મળ્યો અને ઉર્દૂ કાવ્યના ગઢ-સમા એ કિલ્લામાં તેમનો ઉછેર યોગ્ય વાતાવરણમાં થયો. ત્યાં મુઘલ દરબારના રાજકવિ ઝૌકના તેઓ શાગિર્દ બન્યા. તેમણે રાજદરબારમાં રહીને ઉર્દૂ-ફારસી ઉપરાંત સુલેખન, ઘોડેસવારી વગેરેની પણ તાલીમ લીધી હતી. તેઓ 1856માં ફરીથી અનાથ અને 1857ના વિપ્લવ પછી નિરાધાર બની ગયા. તેમણે દિલ્હીથી રામપુર રાજ્યમાં સ્થળાંતર કર્યું અને નવાબ યૂસુફઅલીખાન બહાદુરનો આશ્રય મેળવીને રાજકુંવર નવાબ કલ્બેઅલીખાનના શિક્ષક બની રહ્યા. રામપુરમાં 24 વર્ષના નિવાસ દરમિયાન તેમણે લખનઉ, પટના તથા કૉલકાતાની મુસાફરી કરી તથા સ્થાનિક મુશાયરાઓમાં ભાગ લીધો. કૉલકાતામાં 4 મહિનાના નિવાસનો ઉલ્લેખ તેમણે પોતાના એક કાવ્ય ‘ફરિયાદે દાગ’માં કર્યો છે. 1888માં ફરીથી રામપુરથી નીકળીને તેમણે અમૃતસર, લાહોર, આગ્રા, અલીગઢ, મથુરા, જયપુર અને ગુજરાતમાં માંગરોળની નવાબી રિયાસતની મુલાકાત લીધી હતી. દરેક જગ્યાએ તેમને એક ઉસ્તાદ કવિ તરીકે સન્માનવામાં આવ્યા હતા અને અનેક લોકો તેમના શિષ્ય બન્યા હતા. 1890ની આસપાસ તેઓ નિઝામહૈદરાબાદ ગયા અને ત્યાંના રાજવી મીર મહેબૂબઅલીખાનના શિક્ષક નિમાયા. તેઓ હૈદરાબાદમાં લગભગ 15 વર્ષ રહ્યા અને ઘણાં માનચાંદ તથા ઇજ્જત પ્રાપ્ત કર્યાં. તેમને ‘મુકર્રબુલ સુલતાન’; ‘બુલબુલે હિન્દ’; ‘જહાં-ઉસ્તાદ’; ‘નાઝિમ યાર જંગ’; ‘દબીરુદૌલા’ તથા ‘ફસીહુલ મુલ્ક’ જેવા ખિતાબો પણ મળ્યા હતા. તેમણે હૈદરાબાદમાં ઉર્દૂ શાયરી અને મુશાયરાઓને લોકપ્રિય બનાવ્યાં.
દાગ ઉર્દૂના લોકપ્રિય કવિ છે. તેમની ભાષામાં વાક્ચાતુર્ય ભરપૂર હોવા છતાં સરળતા હોય છે. તેમની કવિતા લાવણ્ય તથા નજાકત ભરેલી છે. તેમના વિષયો રસપૂર્ણ અને સામાન્ય લોકોને પસંદ પડે એવા હોય છે. તેઓ ઉર્દૂ ગઝલમાં મીઠાં, સુરીલાં અને પ્રેમ-રસ-ભરપૂર કાવ્યો લખવામાં નિપુણ ગણાય છે. તેમણે હૈદરાબાદમાં એક દફતર (ઑફિસ) શરૂ કર્યું હતું, જ્યાં પગારદાર મુનશીઓ, બહારગામથી આવેલાં કાવ્યોમાં સુધારા-વધારા સૂચવતા હતા. આ કામ દાગની સીધી દેખરેખ હેઠળ ચાલતું હતું. સુધારા-વધારા (ઇસ્લાહ) માટે તેમને પોતાનાં કાવ્યો મોકલનારાઓમાં ઇકબાલ અને જિગર મુરાદાબાદી જેવા પાછળથી ખ્યાતનામ બનેલા કવિઓનો પણ સમાવેશ થતો હતો. તેમના 4 દીવાનો ‘ગુલઝારે દાગ’, ‘આફતાબે દાગ’, ‘મહેદાબે દાગ’ તથા ‘યાદગારે દાગ’ પ્રસિદ્ધ થયા છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી