મિરિયાલા, અપ્પારાવુ

July, 2025

મિરિયાલા, અપ્પારાવુ (જ. 9 સપ્ટેમ્બર 1949, નાદાકુડુર, આંધ્રપ્રદેશ; અ. 15 જાન્યુઆરી 2025, રાવુલાપાલેમ, આંધ્રપ્રદેશ) : બુર્રાકથાના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત અગ્રગણ્ય કલાકાર. તેમણે બુર્રાકથાને આમ- જનતામાં લોકપ્રિય બનાવી. તેમના પિતાનું નામ વેંકટરામૈયા અને માતાનું નામ તિરુપત્તમ્મા હતું. બાળપણથી જ નાટક અને બુર્રાકથા પ્રત્યે લગાવ હતો. તેમણે 15 વર્ષની ઉંમરે રાવુલાપાલેમ મંડલના જોનાડા ગામમાં પહેલો સ્ટેજ શો કરી એમની કલાયાત્રા શરૂ કરી હતી. તેમણે તેમના અભિનય અને અવાજથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

મિરિયાલા અપ્પારાવુએ બુર્રાકથાને આધુનિક બનાવી. તેમણે પૌરાણિક કથાઓ, સંગીત અને નાટકનું સંયોજન કર્યું. તેમણે પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, બાળલગ્ન, સાક્ષરતા, મહિલાશિક્ષણ જેવા સામાજિક પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કર્યા. તેઓ કાફી અને તોડી રાગમાં નિપુણ હતા આથી બુર્રાકથાને વધુ અસરકારક બનાવી શક્યા. એમણે દિલ્હીમાં આવેલી આંધ્ર કલ્ચરલ યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો આથી એમની કલાને રાષ્ટ્રીયસ્તર પર માન્યતા મળી. તેમણે 1974માં આકાશવાણી અને 1993માં દૂરદર્શન પરથી કાર્યક્રમો આપ્યા. તેઓ બી-હાઈગ્રેડ અને એ-ગ્રેડના કલાકાર હતા. તેમણે ભારત અને સિંગાપોર, કુવૈત જેવા દેશોમાં 5000થી વધુ કાર્યક્રમો કર્યા હતા.

તેમણે બુર્રાકથા માટે જીવન સમર્પિત કર્યું હતું. તેમણે યુવાપેઢી માટે પણ બુર્રાકથા તરફ આકર્ષણ ઊભું કર્યું હતું. આજના બુર્રાકથાના કલાકારોમાં 70થી 80% કલાકારો તેમનાં શિષ્યો છે. તેમનાં પત્ની નાગમણી પણ બુર્રાકથા રજૂ કરતાં હતાં. તેમનાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ પણ આ ક્ષેત્રમાં કાર્ય કરે છે. તેમણે લગભગ 200 વ્યક્તિઓને બુર્રાકથાનું જ્ઞાન આપ્યું છે. તેઓ ક્યારેક તો 365 દિવસમાંથી 300 દિવસ બુર્રાકથા રજૂ કરતા. તેમણે 1968થી 2021 સુધીનાં 53 વર્ષો દરમિયાન બુર્રાકથાના હજારો કાર્યક્રમો રજૂ કરી તેને સમાજમાં પ્રતિષ્ઠિત કરી.

બુર્રાકથાના ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન માટે તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1970માં સુવર્ણા ગંતાકંકણમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1975માં રાજ્ય સ્તરની સરકારી સ્પર્ધામાં બુર્રાકથામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2021માં વાય.એસ.આર. લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ભારત સરકાર દ્વારા 2025માં તેમને પદ્મશ્રી (મરણોત્તર) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનિલ રાવલ