મિયાણીનું હરસિદ્ધમાતાનું મંદિર : મિયાણી (જિ. પોરબંદર) પાસે આવેલ કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું ઉત્તરાભિમુખ મંદિર. આ પ્રાચીન મંદિર મૂળમાં સોલંકી કાળનું શૈવ મંદિર હોવાનું જણાય છે. મંદિરના ગર્ભગૃહના ભોંયતળિયામાં આવેલ શિવલિંગ અને જળાધરીને નષ્ટ કર્યાની નિશાનીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ અને ઓતરંગમાં નવગ્રહોનો પટ્ટ અંકિત છે. મંડોવરની જંઘાના ભદ્ર ગવાક્ષની મૂર્તિઓમાંની કેટલીક ગૂમ થઈ છે અને કેટલીક દરિયાની ખારી હવાને કારણે ખવાઈ ગઈ છે. મંડપ પરની સંવર્ણા ઉત્કૃષ્ટ કોટિની છે. શિખરનો કેટલોક ભાગ ખંડિત થયો છે. અહીંની સમીપનો કોયલો ડુંગર એ સૌરાષ્ટ્રમાં આવેલી શક્તિપીઠોમાં મુખ્ય કૌલગિરિપીઠ છે. હરસિદ્ધિનું આ સ્થાનક પણ શક્તિપીઠ ગણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ