મિયાં મુમતાઝ દોલતાના (જ. 23 ફેબ્રુઆરી 1916, લાહોર, પાકિસ્તાન; અ. 30 જાન્યુઆરી 1995) : સ્વાતંત્ર્ય પૂર્વે અવિભાજિત પંજાબમાં મુસ્લિમ લીગના આગેવાન. પાકિસ્તાનમાં પંજાબના મુખ્ય પ્રધાન. તેમના પિતા અહમદયાર દોલતાના અવિભાજિત પંજાબમાં મુલતાન જિલ્લાના શ્રીમંત જમીનદાર હતા. તેમના પુત્ર મિયાં મુમતાઝે લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી 1933માં સ્નાતક થયા બાદ, ઇંગ્લડ જઈને ઑક્સફર્ડની ક્રાઇસ્ટ કૉલેજમાં અભ્યાસ કરીને એમ. એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ લંડનના મિડલ ટૅમ્પલમાં જોડાયા અને 1939માં બૅરિસ્ટર થયા. આ દરમિયાન ઑક્સફર્ડમાં ઇન્ડિયન મજલિસની પ્રવૃત્તિમાં સક્રિય રહીને 1936–37માં તેમના પિતાના પગલે, તેમણે રાજકારણમાં ભાગ લેવા માંડ્યો. એક વરસ પર્યંત તેમણે પંજાબના રાજકારણનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને જૂન, 1940માં તેમના પિતાશ્રીના અવસાન બાદ, તેમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તેમણે યુનિયનિસ્ટ પક્ષમાં જોડાઈને રાજકીય કારકિર્દી શરૂ કરી; પરન્તુ 1943માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગમાં જોડાઈ ગયા. તેનાથી પંજાબમાં તે પક્ષને નોંધપાત્ર લાભ થયો.
મિયાં મુમતાઝ ઘણા સારા વક્તા, મિલનસાર સ્વભાવના, વાસ્તવદર્શી અને વિદ્વાન હતા. તેથી લાંબા ગાળે તેમનો પક્ષ આખા પ્રાંતમાં એક પ્રબળ પક્ષ બન્યો. તેમના મુસ્લિમ લીગમાં જોડાયા પછી, પંજાબના રાજકારણમાં મહત્વનો વળાંક આવ્યો, જેમાં આગળ પડતો ભાગ ભજવવાની દોલતાનાને તક મળી. સર સિકંદર હયાતખાનનું 1942માં એકાએક અવસાન થયું. તેઓ યુનિયનિસ્ટ પક્ષ અને મુસ્લિમ લીગ – એમ બંને પક્ષો વચ્ચે કેટલીક બાબતોમાં એકતા જાળવી શકતા હતા. તેમના અવસાન બાદ આ બંને પક્ષો વચ્ચેના મતભેદો ઘણી ખરાબ કક્ષાએ પહોંચ્યા. સર ખિજર હયાતખાન પંજાબના નવા મુખ્ય મંત્રી બન્યા; પરન્તુ આ બંને પક્ષો વચ્ચેના મતભેદો દૂર થઈ શક્યા નહિ. આ પરિસ્થિતિમાં મુસ્લિમ લીગના મહામંત્રી તરીકે દોલતાનાએ 1944માં મહત્વનો ભાગ ભજવ્યો. દોલતાનાની સલાહ મુજબ મહંમદ અલી ઝીણાએ ખિજર હયાતખાનને જણાવ્યું કે તે યુનિયનિસ્ટ પક્ષને મુસ્લિમ લીગના સાથી પક્ષ તરીકે જાહેર કરે અને તેના સભ્યો લીગની શિસ્ત પાળે. ખિજરખાને તે માગણીનો ઇનકાર કર્યો. તેથી દોલતાનાએ પંજાબમાં ખિજરના મંત્રીમંડળની વિરુદ્ધ ચળવળ ચલાવી અને ત્યાંના મુસ્લિમોમાં ભાગલા પાડ્યા. તેના ફળસ્વરૂપે, પંજાબના રાજકારણમાં વીસ વરસથી મહત્વનો ભાગ ભજવતો અને 1937થી પંજાબમાં સત્તા ભોગવતો યુનિયનિસ્ટ પક્ષ તૂટવા લાગ્યો. દોલતાનાની ચળવળનું આખરી પરિણામ 1946ની ચૂંટણીમાં આવ્યું. તેમના અથાક પ્રયાસોના પરિણામે મુસ્લિમ લીગે ચૂંટણીમાં યુનિયનિસ્ટ પક્ષને સખત હાર આપી. પંજાબમાં મુસ્લિમોની કુલ 75 બેઠકોમાંથી મુસ્લિમ લીગને 69 બેઠકો પર જીત મળી.
દોલતાના માનતા હતા કે મંત્રીમંડળ રચવા વાસ્તે મુસ્લિમ લીગને આમંત્રણ આપવામાં આવશે; પરન્તુ ખિજર હયાતખાને કૉંગ્રેસ અને અકાલીઓ સાથે જોડાણ કરીને, દોલતાનાને બાજુએ મૂકીને પોતાના મંત્રીમંડળની રચના કરી અને મુખ્ય મંત્રી બન્યા. દોલતાનાએ તેને ‘અપવિત્ર જોડાણ’ ગણાવી, તેની વિરુદ્ધ બંધારણીય ચળવળ તથા ઉગ્ર પ્રચાર કરવા માંડ્યો. વચગાળાની સરકારની રચના તથા બંધારણ-સભા(1946)ની બાબતમાં સમગ્ર દેશમાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગના સંબંધો વચ્ચે મડાગાંઠ પડી ત્યારે, દોલતાનાએ શરૂ કરેલી ચળવળ બંધારણીય ન રહી. મહંમદ અલી ઝીણાએ મુસ્લિમ લીગ પાસે સીધાં પગલાંનો ઠરાવ પસાર કરાવ્યો અને દોલતાનાને મુસ્લિમ લીગની મધ્યસ્થ પગલાં સમિતિમાં લેવામાં આવ્યા. ખિજર હયાતખાનના મંત્રીમંડળ વિરુદ્ધની ચળવળ ઉગ્ર બની. તેથી તેણે દોલતાના સહિત પંજાબના મુસ્લિમ લીગના નેતાઓની ધરપકડ કરી. તેના પરિણામે તે ચળવળ હિંસક બની. તેથી ખિજર હયાતખાને દોલતાના સહિત લીગના નેતાઓને મુક્ત કરી, પોતાના મંત્રીમંડળનું રાજીનામું આપ્યું.
પાકિસ્તાનની રચનાના સમયે દોલતાનાએ, પંજાબના રાજકારણમાં મહત્વનો ભાગ લીધો. તેથી પાકિસ્તાનમાં પંજાબના મંત્રીમંડળમાં તેમની નિમણૂક કરવામાં આવી અને તેઓ મહત્વના નાણાખાતાના મંત્રી બન્યા. દોલતાના 1948માં પંજાબ પ્રાંતિક મુસ્લિમ લીગના પ્રમુખ અને પશ્ચિમ પાકિસ્તાનના સૌથી મહત્વના પ્રાંત પંજાબના સૌથી શક્તિશાળી નેતા બન્યા. 1951માં તેઓ પંજાબ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા અને બે વર્ષ પર્યંત તે હોદ્દો સંભાળ્યો. 1953માં તેઓ નિવૃત્ત થયા. ડૉ. ખાનસાહેબના રિપબ્લિકન મંત્રીમંડળમાં 1956માં તેઓ જોડાયા અને એક વર્ષ કામ કર્યું. ડૉ. ખાનસાહેબનું 1957માં ખૂન થવાથી તે મંત્રીમંડળનું પતન થયું. ત્યારબાદ તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.
જયકુમાર ર. શુક્લ