મિયાં ઇફ્તિકારુદ્દીન

February, 2002

મિયાં ઇફ્તિકારુદ્દીન (જ. 1907, લાહોર, પાકિસ્તાન; અ. 6 જૂન 1962) : ભારતના સ્વાતંત્ર્ય-સૈનિક અને પાછળથી કટ્ટર લીગવાદી તથા પાકિસ્તાનના પુનર્વસવાટ મંત્રી. તેમના પિતા જમાલુદ્દીન શ્રીમંત જમીનદાર અને પંજાબની ધારાસભાના સંસદીય સચિવ હતા. ઇફ્તિકારુદ્દીન લાહોરની અચિસન કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી સ્નાતક થયા. ઇંગ્લૅડથી 1935માં પાછા ફર્યા બાદ તેઓ પંજાબમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. તેઓ કૉંગ્રેસના પ્રભાવક વક્તા હતા. તેમણે 1946માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું તે પહેલાં તેઓ પંજાબની ધારાસભાના સભ્ય, કૉંગ્રેસ સંસદીય પક્ષના સચિવ તથા પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તેમણે 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને બે વર્ષની કેદની સજા ભોગવી હતી; પરંતુ 1946માં કૉંગ્રેસમાંથી છૂટા થઈને તેઓ મુસ્લિમ લીગમાં જોડાયા. ત્યારબાદ પંજાબમાં સીધાં પગલાં સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. તેઓ બંધારણીય સમિતિમાં મુસ્લિમ લીગના સભ્ય તરીકે ચૂંટાયા હતા. પાકિસ્તાનની માગણી અને મુસ્લિમોના અધિકારોના તેઓ પ્રખર હિમાયતી બન્યા. પંજાબમાં અવ્યવસ્થા અને અરાજકતાને અંકુશમાં રાખવા માટે 1947માં જે શાંતિ સમિતિની રચના કરવામાં આવી તેના સભ્યપદે તેમને નીમવામાં આવ્યા હતા. 1947માં થયેલ દેશના વિભાજન બાદ તેઓ પાકિસ્તાનમાં ગયા અને ત્યાં પુનર્વસવાટ-મંત્રી બન્યા. 1950માં પંજાબ મુસ્લિમ લીગના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા. તે વર્ષે પક્ષમાંથી તેમને દૂર કરવામાં આવ્યા. તેથી તેમણે આઝાદ પાકિસ્તાન પક્ષની રચના કરી.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય તરીકે તેઓ રાષ્ટ્રીય એકતા, કોમી એખલાસ તથા જ્ઞાતિવિહીન સમાજના હિમાયતી હતા. મુસ્લિમ લીગમાં જોડાયા બાદ, તેઓ ધર્માંધ બન્યા અને મુસ્લિમો તથા શીખો માટે અલગ રાજ્યો રચવાનો પ્રચાર કરવા લાગ્યા. તેઓ ઉદારમતવાદી હોવાથી સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે બંધારણીય અને અહિંસક પદ્ધતિઓની તરફેણ કરતા હતા. બ્રિટિશ સરકારના તેઓ તીખા આલોચક હતા. સમવાયતંત્ર રચવાની યોજનાનો તેમણે અસ્વીકાર કર્યો હતો. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી, શાહીવાદના અને યુનિયનિસ્ટ પાર્ટીના સખત વિરોધી હતા; કારણ કે તે આમજનતાનો નહિ પરન્તુ જમીનદારોનો પક્ષ હતો. તેઓ ગરીબોના તરફદાર હતા. તેમણે સૂચવ્યું હતું કે 15 એકરથી ઓછી જમીન ધરાવનાર ખેડૂતનું મહેસૂલ માફ કરવું જોઈએ. ખેડૂતોને લાભ થાય એવા ઉપાયો તેઓ સૂચવતા હતા. ભારતના ઉદ્યોગોને વિકસાવવાની સુવિધા મળે તે માટે તેમણે ઉદ્યોગો તથા તેની પેદાશો પરના કરવેરાનો વિરોધ કર્યો હતો. તેઓ શિક્ષણનો વિકાસ કરવાના હિમાયતી હતા. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા ઉપરાંત તેમણે સામાજિક અને રાજકીય જરૂરિયાત મુજબનું શિક્ષણ આપવાનો આગ્રહ રાખ્યો હતો.

જયકુમાર ર. શુક્લ