મિનોઅન કલા (Minoan Art) : ભૂમધ્ય સાગરમાં ગ્રીસ નજીક ઇજિયન (Aegean) સમુદ્રકાંઠાના ક્રીટ (Crete) ટાપુની પ્રાચીન કલા. ક્રીટના સમૃદ્ધ રાજા મિનોસ(Minos)ના નામ ઉપરથી આ ટાપુની સંસ્કૃતિ અને કલા ‘મિનોઅન’ નામે ઓળખ પામી. ગ્રીક મહાકવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’માં આ ટાપુ અને તેની સંસ્કૃતિના ઉલ્લેખો ટ્રોજન યુદ્ધના સંદર્ભે મળે છે. 19મી સદીના અંતિમ દસકા દરમિયાન સર આર્થર ઇવાન્સે કરેલ ઉત્ખનન દરમિયાન મિનોઅન સંસ્કૃતિનાં ઇતિહાસ અને કલા આધુનિક યુગમાં સૌપ્રથમ વાર પ્રકાશમાં આવ્યાં. ઈ. સ. પૂ. 2000 વર્ષ અગાઉ ક્રીટમાં લખવાની પદ્ધતિનો વિકાસ થયો હતો. આ લેખનપદ્ધતિની અંતિમ તબક્કાની એક લિપિ ઈ. સ. પૂ. 1400 વર્ષ સુધી ક્રીટમાં તેમજ ગ્રીક તળભૂમિ પર પ્રચલિત હતી. આ લિપિ આજે ‘લિનિયર બી’ (Liner B) નામે ઓળખાય છે. ઈ. સ. 1950થી 1960 સુધીમાં આ લિપિને પૂરેપૂરી ઉકેલી લેવામાં આવી; પરંતુ મુશ્કેલી એ છે કે ‘લિનિયર બી’ લિપિ વડે લિખિત ગ્રીકલખાણો સમજી શકાયાં છે, પણ મિનોઅન ભાષા હજી સુધી ઉકેલી શકાઈ નથી. મિનોઅન સંસ્કૃતિ અને કલા દક્ષિણમાં આવેલ ઇજિપ્ત તથા પૂર્વમાં આવેલ ઇરાકની મેસોપોટેમિયાની કલા સાથે ઘનિષ્ઠ નાતો ધરાવે છે, તે છતાં તે એ બંનેથી ખાસ્સી અલગ છે. ઇજિપ્તની તથા મેસોપોટેમિયાની કલા અને ગ્રીક કલા વચ્ચે કડીરૂપ (link) કે સેતુરૂપ કલા તરીકે મિનોઅન કલાને જોવી શક્ય નથી. મિનોઅન કલા ઘણી જ સ્વયંસ્ફુરિત (spontaneous) અને રમતિયાળ (playful) છે.
સ્થાપત્ય : ઈ. સ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીમાં મિનોઅન પ્રજાને ઇજિપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા અને વહાણવટા દ્વારા દરિયાઈ યાત્રાઓ વ્યાપક હતી. કૃષિ-આધારિત ગ્રામ-સંસ્કૃતિ વિક્સી હતી. સ્થાપત્યનો વિકાસ નહિવત્ હતો.
ઈ. સ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં સ્થાપત્યે અચાનક હરણફાળ ભરી જણાય છે, અને નોસોસ(Knossos), ફાઇસ્ટોસ (Phaistos) તથા માલિયા (Mallia) ખાતે અક્કેક એમ કુલ 3 મહેલોનું વિરાટ પરિમાણમાં સર્જન થયું; પરંતુ ઈ. સ. પૂ. 1700માં આવેલા ધરતીકંપથી આ ત્રણેય મહેલો નાશ પામ્યા. થોડા જ સમયમાં એથી પણ વધુ વિરાટ કદમાં આ ત્રણેય મહેલોનું પુન:સર્જન થયું, પણ ફરીથી ધરતીકંપે ઈ. સ. પૂ. 1450માં તેમનો વિનાશ કર્યો. ઈ. સ. પૂ. 1500માં તેમનું પુન:સર્જન થયું. તેમાંથી નોસોસ ખાતે આવેલ રાજા મિનોસનો ભવ્ય મહેલ ઉત્ખનન દરમિયાન મળી આવેલ છે. ગ્રીક પુરાકથાઓમાં મિનોતૂર(Minotaur)ની ભુલભુલામણી તરીકે તેનો ઉલ્લેખ થાય છે. અનેક સભાખંડો, ઓરડા અને સંકુલ પૅસેજ ધરાવતો આ મહેલ હકીકતમાં એક વિરાટ ભુલભુલામણી જ છે. તેનો બાહ્ય દેખાવ તેના સમકાલીન ઍસિરિયન અને પર્શિયન મહેલો જેટલો ભવ્ય નથી. અનેક પૅસેજ, દાદરા, પરસાળ, બારીઓને કારણે હવાઉજાસ ભરપૂર માત્રામાં અંદર જાય છે અને બંધિયારપણું જણાતું નથી. ઈંટો અને પથ્થરોથી બંધાયેલ આ મહેલમાં પ્રત્યેક સ્તંભ લાકડાનો બનેલો છે. રાજા મિનોસ સિવાય અન્ય કોઈ સ્થાપત્યના આશ્રયદાતાનું નામ મળતું નથી. પુરાતત્વ દ્વારા મળતી માહિતી મુજબ એટલું જાણવા મળે છે કે સ્થાપત્યના આશ્રયદાતાઓ લડાયક રાજકુમારો નહોતા. ક્રીટ પર કિલ્લા કે કિલ્લેબંધ વસાહતો નથી મળી આવી કે નથી તેની કલામાં લશ્કરી વિષયોની હાજરી.
શિલ્પ : મિનોઅન પ્રજાના રાજકીય કે સામાજિક જીવનની માહિતી આપણે માટે જેટલી દુર્લભ છે તેથી પણ વધુ દુર્લભ મિનોઅન પ્રજાની ધાર્મિક માહિતી છે. મિનોઅન પ્રજાએ નાનાં કે મોટાં કોઈ મંદિરો બાંધ્યાં નથી. કેટલીક ગુફાઓ મળી આવે છે, જ્યાં ધાર્મિક (sacred) પ્રવૃત્તિ થતી હોવાના નિર્દેશ મળ્યા છે. અહીં માતૃકા (mother goddess) કે ફળદ્રૂપતાની દેવી (fertility goddess) જેવી આકૃતિઓ નાનાં શિલ્પ-સ્વરૂપે મળી છે. આમાંની એક શિલ્પકૃતિ ‘નાગદેવી’ (snake goddess) તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામી છે. ઈ. સ. પૂ. આશરે 1650માં સર્જન પામેલી આ શિલ્પકૃતિમાં વસ્ત્રથી ઢંકાયેલી દેવીનાં બંને વિશાળ સ્તન ખુલ્લાં છે. એક સાપ દેવીની કેડે વીંટળાયેલો છે. દેવીના લંબાવેલા બે હાથમાં અક્કેક સાપ પકડાયેલા છે. ખુલ્લાં સ્તનોનું સ્ત્રૈણ ફળદ્રૂપતાના પ્રતીક તરીકે અને સાપોનું પૌરુષી ફળદ્રૂપતાના પ્રતીક તરીકે અર્થઘટન કરવાનું વલણ વ્યાપક છે. આમ માનવ-વંશવૃદ્ધિ ચાલુ રહે તે માટેની પ્રજનનપ્રક્રિયાની આ દેવી પ્રતીકાત્મક (symbolic) રજૂઆત કરે છે.
મિનોઅન શિલ્પમાં આખલાની આકૃતિઓ પણ ઘણી જોવા મળે છે. જંગલી શક્તિનું અહીં પશુ-આકૃતિમાં નિરૂપણ થતું જોવા મળે છે.
ચિત્ર : ધરતીકંપો પછી પુન:સર્જન પામેલા મહેલોની દીવાલો પર તૂટલીફૂટલી ખંડિત હાલતમાં ભીંતચિત્રો મળી આવ્યાં છે. ઈ. સ. પૂ. ચોથી સદીમાં ચિત્રિત ‘ધ મિસ્ટ્રેસ ઑવ્ એનિમલ્સ’ સપાટ રંગોમાં ચીતરાયું હોવા છતાં પ્રભાવશાળી છે. આ ચિત્રમાં એક યુવતી કેસરની પાંદડીઓ સર્પદેવીને અર્પણ કરતી નીચે બેઠી છે. સર્પદેવીનો ઠસ્સો અને યુવતીની નમ્રતા કલાકારે સપાટ રંગોની મર્યાદામાં રહીને પણ ખૂબ સ્પષ્ટ ચાક્ષુષ કરી છે. આ ચિત્રકૃતિને અસાધારણ કલાત્મક સિદ્ધિ ગણાવી શકાય. આ બંને આકૃતિઓની પાછળ ચિત્રિત નિસર્ગનું આલેખન પણ સપાટ છે. ક્રીટ સાથે વ્યાપારી સંબંધો ધરાવતા ઇજિપ્તની કલાની અહીં સ્પષ્ટ અસર જોઈ શકાય છે; પણ ક્રીટની આગવી સિદ્ધિ એ ગણાવી શકાય કે ઇજિપ્તની સપાટ આલેખનની અક્કડ ચિત્રકલામાં ક્રીટે જીવંત જોમ અને લાવણ્યનો સંચાર કર્યો. ક્રીટની નજીક આવેલા થેરા ટાપુ પરના એક્રોટીરી ખાતે મળી આવેલાં ભીંતચિત્રોમાં શુદ્ધ નિસર્ગની કૃતિઓ મળી આવે છે. આ નિસર્ગચિત્રોમાં રણની આંધી, રેતીના ઢૂવા અને રણની કાંટાળી વનસ્પતિનું આલેખન છે. ઈ. સ. પૂ. 1600 પછી સામુદ્રિક જીવનનું આલેખન ભીંતચિત્રોમાં કેન્દ્રસ્થાન મેળવે છે. નોસોસ ખાતે આવેલ મિનોસના મહેલમાં સમુદ્રમાં તરતી માછલીઓ અને ડૉલ્ફિનોનું આલેખન વિશાળ ભીંતચિત્રોમાં જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ ઘડા અને કૂજાઓ પર ઑક્ટોપસનું આલેખન જોવા મળે છે. સામુદ્રિક જીવનનાં આ ચિત્રોમાં અંતર્ગોળ અને બહિર્ગોળ રેખાઓથી રચાતો રમતિયાળ (playful) સંવાદ જોવા મળે છે. ‘ટોરીડોર ફ્રેસ્કો’ (Toreador fresco) નામે જાણીતા બનેલા ભીંતચિત્રમાં દોડતા આખલાની સામે જઈ શિંગડાં પકડી ગુલાંટિયું (summersault) ખાઈ આખલાની પાછળ ઊભા રહી જવાની રમતનું આલેખન છે. આખલો મિનોઅન સમાજમાં પવિત્ર પ્રાણી લેખાતો. આ રમતનું ધાર્મિક મહત્ત્વ પણ હોવાનું અનુમાન છે. માત્ર યુવકો નહિ પણ યુવતીઓ પણ આ રમત રમતી હતી તેવું ભીંતચિત્રો પરથી ફલિત થાય છે. આખલા અને માનવ-આકૃતિઓ પાછળ જમીન, માનવમેદની, આકાશ કે અન્ય કોઈ પણ વસ્તુનું કોઈ આલેખન નથી, આસમાની રંગનો એક અમૂર્ત રંગપટ જ છે.
કુંભકલા (Pottery) : મિનોઅન પ્રજાએ આગવી કુંભકલા વિકસાવી હતી. ક્રીટ ટાપુ પર કામારેસ નામના સ્થળેથી વિપુલ માત્રામાં કુંભ મળી આવતાં મિનોઅન કુંભકલા ‘કામારેસ’ નામે જાણીતી બની છે. તકનીકી રીતે પૂર્ણ હોવા ઉપરાંત આ કુંભ ઉપર ચિત્રિત વિવિધ પશુઓની આકૃતિઓને કારણે આ કુંભ આકર્ષક છે. તેમાં છીપલાં, માછલીઓ, ડૉલ્ફિનો, ઑક્ટોપસ જેવા સમુદ્રના જીવો અને ઠેકડા મારતા જંગલી બકરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘હાર્વેસ્ટર વાઝ’ નામે જાણીતા બનેલા એક કૂજા પર કેડ સુધી નગ્ન સ્નાયુબદ્ધ નવયુવાન પુરુષોનું જુલુસ લણેલા પાકને માથે ઊંચકી જાય છે તેવું છીછરું કોતરેલું (low relief) ચિત્ર છે. આ કદાચ લણણી-ઉત્સવનું ચિત્ર હોઈ શકે તેવું અનુમાન છે. વજન ઊંચકવાને કારણે છાતી પર આવતા દબાણને લીધે પાંસળીઓ ચામડીની આરપાર સ્પષ્ટ જોવા મળે છે.
અમિતાભ મડિયા