મિનેસોટા : યુ. એસ.માં ઉત્તર તરફ આવેલાં મધ્ય-પશ્ચિમ રાજ્યો પૈકીનું મોટામાં મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 46° 00´ ઉ. અ. અને 94° 15´ પ. રે.ની આજુબાજુનો 2,18,601 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વ તરફ સુપીરિયર સરોવર અને વિસ્કૉન્સિન, દક્ષિણે આયોવા તથા પશ્ચિમે ઉત્તર અને દક્ષિણ ડાકોટા રાજ્યો આવેલાં છે. ગોફર રાજ્ય અથવા નૉર્થ સ્ટાર રાજ્ય જેવાં ઉપનામ પણ તેને અપાયેલાં છે. મિનિયાપૉલિસ આ રાજ્યનું મોટામાં મોટું શહેર છે તથા સેંટ પૉલ તેનું પાટનગર છે.

મિનેસોટા

ભૂપૃષ્ઠઆબોહવા : મિનેસોટાના ઉત્તર તરફનો મોટો ભાગ સુપીરિયરના ઉચ્ચપ્રદેશથી આવરી લેવાયેલો છે. અહીંની ભૂમિ અસમતળ છે અને લોહઅયસ્કનો નિક્ષેપો ધરાવે છે. દક્ષિણ મિનેસોટાના ઘણાખરા ભાગો નવાં સ્થાનાંતરિત મેદાનોથી બનેલા છે. દેશની કેટલીક અતિસમૃદ્ધ ખેતભૂમિ આ મેદાનોમાં આવેલી છે. ટિલથી બનેલાં અને ઘસારાથી છેદાયેલાં મેદાનો રાજ્યના નૈર્ઋત્ય છેડા પર છે. આ વિભાગના થોડાક સમતળ પ્રદેશોમાં ઉત્કૃષ્ટ કક્ષાનાં ખેતરો આવેલાં છે. રાજ્યનો અગ્નિ છેડો સ્થાનાંતરિત થયા વિનાની ભૂમિથી બનેલો છે. તેનો પશ્ચિમ ભાગ તદ્દન સપાટ છે, જ્યારે પૂર્વ તરફના ભાગમાં નદીઓએ ઊંડી ખીણો બનાવી છે. રાજ્યનું ઊંચામાં ઊંચું સ્થળ ઈગલ પર્વત છે. તેની ઊંચાઈ 701 મીટર છે, જ્યારે તેનો લેક સુપીરિયરનો કિનારો સમુદ્રસપાટીથી 83 મીટરની ઊંચાઈ ધરાવે છે. પ્લાયસ્ટોસીન હિમયુગ દરમિયાન અહીં સુધી પથરાયેલી હિમનદીઓએ મિનેસોટાના વિસ્તારને આવરી લીધેલો. તેની  અસરથી અહીં ઢળતાં અસમતળ મેદાનો તૈયાર થયેલાં છે. વળી એ વખતે હિમનદીજન્ય અસંખ્ય નાનાં નાનાં થાળાં પણ બનેલાં; જે બધાં પાણીથી ભરાતાં 15,000થી વધુ સરોવરો થયેલાં આજે અહીં જોવા મળે છે. અહીં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 32° સે. અને −13° સે. જેટલાં રહે છે.

અર્થતંત્ર : મિનેસોટાના અર્થતંત્રમાં ખેતીની તેમજ ઔદ્યોગિક ચીજવસ્તુઓનો ઘણો મોટો ફાળો છે. કમ્પ્યૂટરોનો ઉદ્યોગ, ખાદ્યપેદાશો અને માંસપ્રક્રમણની પ્રવૃત્તિ રાજ્યના ઘણા મહત્વના ગણાતા ઉદ્યોગો ગણાય છે. નાણાકીય બાબતો તથા જથ્થાબંધ અને છૂટક વેપારના ક્ષેત્રે રાજ્યના અન્ય કોઈ પણ વ્યવસાય કરતાં વધુ લોકો રોકાયેલા છે. દુનિયાભરમાં વ્યસ્ત ગણાતાં, સ્વચ્છ જળ ધરાવતાં બંદરોમાં અહીંના ડલથ બંદરની ગણના થાય છે. વળી તે મુખ્ય જહાજી મથક પણ છે. દક્ષિણ મિનેસોટામાં ઘણાં ઉપજાઉ ખેતરો આવેલાં છે. દૂધ આ પૈકીની ઘણી મૂલ્યવાન પેદાશ છે. આ રાજ્ય દેશમાં ઢોરમાંસ, મકાઈ, સોયાબીન અને ઘઉં પેદા કરતાં મુખ્ય ઉત્પાદક મથકોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. પશુઓ અને ડુક્કરો પણ અહીં પુષ્કળ પ્રમાણમાં છે. યુ.એસ.માં ઉત્પન્ન થતા લોહઅયસ્કનો આશરે 70 % હિસ્સો આ રાજ્યમાંથી મળે છે. ઉત્તર મિનેસોટાનાં ગાઢ જંગલોમાંથી મૂલ્યવાન લાકડું પણ મળે છે. ઉત્પાદક ચીજવસ્તુઓમાં રસાયણો, વીજસામગ્રી, યંત્રસામગ્રી, છાપકામ-સામગ્રી, કાગળ-પેદાશો અને ધાતુમાળખાંનો સમાવેશ થાય છે.

લોકો : સેન્ટ પૉલ, મિનિયાપૉલિસ, ડલથ, બ્લુમિંગટન અને રૉચેસ્ટર અહીંનાં મોટાં શહેરો છે. સેન્ટ પૉલ અને મિનિયાપૉલિસ જોડિયાં શહેરો છે. તે બંને મળીને યુ.એસ.ના મધ્ય-પશ્ચિમ વિભાગનો બૃહદ નગર-વિસ્તાર રચે છે. 2012 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 53,79,139 જેટલી છે.

ધાન્યપાકોથી સમૃદ્ધ મિનેસોટાનાં કૃષિક્ષેત્રો

ઇતિહાસ : 1600ના અરસામાં રુવાંટી વેચનારા ફ્રેન્ચ લોકો આ મિનેસોટા વિસ્તારમાં જ્યારે પ્રથમ વાર આવેલા ત્યારે અહીંનાં ઉત્તર તરફનાં જંગલોમાં સિયૉક્સ (સ્થાનિક નામ ‘સુ’) જાતિના ઇન્ડિયનો વસતા હતા. તે પછી ચિપેવા જાતિના ઇન્ડિયનોએ આવીને આ જંગલોનો કબજો લીધો. તેના પરિણામે બંને જાતિઓ એકબીજાની દુશ્મન બની રહી. ત્યારબાદ જુદા જુદા સમયે અહીંના વિભાગો ફ્રાંસ, બ્રિટન, સ્પેન અને યુ.એસ.ના કબજા હેઠળ રહેલા. 19મી સદીની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સે આ આખોય વિસ્તાર પોતાને હસ્તક લઈ લીધો. 1849માં યુ. એસ. કૉંગ્રેસે મિનેસોટાની પ્રાદેશિક હદો નક્કી કરી અને 11 મે, 1858ના રોજ કૉંગ્રેસે મિનેસોટાને યુ.એસ.નું એક રાજ્ય બનાવ્યું. 1861–65ના અમેરિકી આંતરયુદ્ધ પછી રાજ્યનો ઔદ્યોગિક વિકાસ ઝડપથી થતો ગયો. 19મી સદીના અંતિમ ચરણ દરમિયાન, જર્મનો, નૉર્વેજિયનો અને સ્વીડનવાસીઓ હજારોની સંખ્યામાં અહીં આવીને વસ્યા. લોહઅયસ્કનું ઔદ્યોગિક મહત્વ વધતાં 1884માં પ્રથમ વાર મિનેસોટામાંથી તેનો જથ્થો જહાજ દ્વારા અન્યત્ર મોકલવામાં આવ્યો. 1889માં રૉચેસ્ટર ખાતે દુનિયાનું પ્રમુખ ગણાતું ઔષધીય સંશોધનકેન્દ્ર ‘મેયો ક્લિનિક’ સ્થપાયું. 1950–60ના ગાળામાં અહીં ઘણા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ. લોખંડના ઉદ્યોગમાં લોહધારક ટેકોનાઇટ અયસ્ક ઉપયોગમાં લેવાવું શરૂ થયું. ટેકોનાઇટ-ખનનના એકમો ખાતે જળ અને હવાનાં પ્રદૂષણો ઊભાં થતાં 1970 અને 1980ના દાયકાઓમાં ઘણી મોટી સમસ્યાઓ આવી પડેલી. વીસમી સદીના છેલ્લા દસકામાં ખેતીઉદ્યોગ તેમજ વેપારક્ષેત્રે આ રાજ્યનું મહત્ત્વ વધ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા