મિનેલી, લિઝા (જ. 12 માર્ચ 1946, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં અભિનેત્રી અને ગાયિકા. રૂપેરી પડદા પર સૌપ્રથમ વાર તેમણે પોતાનાં માતાએ તૈયાર કરેલા ચલચિત્ર ‘ઇન ધ ગુડ ઓલ્ડ સમરટાઇમ’(1949)માં અભિનેત્રી તરીકે દેખા દીધી. 1965માં ‘ફલૉરા, ધ રેડ મિનૅસ’માંના અભિનય બદલ ટૉની ઍવૉર્ડનાં વિજેતા બન્યાં. આ પદક મેળવનારાં તે સૌથી નાની વયનાં સૌપ્રથમ અભિનેત્રી હતાં. તેમણે હાઈસ્કૂલ ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ અને રોડવિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે ત્રણ વર્ષની ઉંમરે ચલચિત્રમાં અભિનય કર્યો હતો. ટેલિવિઝન પર તથા કૅબરેમાં તેમની ગાયન-પ્રતિભા તથા દર્દીલાં ગીતોને ભાવવાહી સૂરમાં ગાઈ શકવાની આવડત અને પ્રભુત્વ તેમનાં માતા જુડી ગારલૅન્ડની યાદ અપાવે તેવાં હતાં. ‘ચાર્લી બબલ્સ’ (1967), ‘ધ સ્ટરાઇલ કકુ’ (1969) તથા ‘ટેલ મી યુ લવ મી, જૂની મૂન’ (1970) જેવી ફિલ્મોમાંનો તેમનો નાટ્યોચિત અભિનય સામાજિક રીતે બહિષ્કૃત માનવીઓની વેદનાને વાચા આપવાના તેમના સામર્થ્યના પુરાવારૂપ છે. તેમને ‘કૅબરે’ ચલચિત્ર માટે 1972માં ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો. ત્યારપછીનાં ચલચિત્રો ‘ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક’ (1977) અને ‘સ્ટેપિંગ આઉટ’(1991)માં તથા બીજાં ટેલિવિઝન-ચિત્રોમાં તેઓ નાટ્યસહજ અભિનય આપતાં રહ્યાં. તેઓ જેમ ઑસ્કાર તેમ એમી ઍવૉર્ડથી પણ સન્માનિત થયાં છે. ટુ ગોલ્ડન ગ્લોબ અને ગ્રેમી લીજેન્ડ ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે.

મહેશ ચોકસી