મિથ્ર : ભારત અને ઈરાનના પ્રાચીન સાહિત્યમાં નિર્દિષ્ટ દેવ. આર્યો ઈરાનમાં આવ્યા અને તેમની એક શાખા ભારતમાં પ્રવેશી એ સમય દરમિયાન ભારતીય અને ઈરાની આર્યોના તે સંયુક્ત દેવ હતા.

ભારતીય અને ઈરાની આર્યોના જીવનમાં પ્રકાશના દેવનું પણ સ્થાન હતું. મિત્રની ‘મિથ્ર’, અર્થાત્ સૂર્યદેવ કે પ્રકાશદેવ તરીકે તેઓ ઉપાસના કરતા હતા.

‘મિથ્ર’નો સર્વપ્રથમ ઉલ્લેખ ગ્રીક લેખકોની કૃતિઓમાં થયો છે, જેમાં તેમને ઈરાનીઓના મુખ્ય દેવ ગણાવ્યા છે. મિથ્ર તેમના મહાદેવ હતા. આ દેવ ઈરાનનાં પ્રાચીન મહાકાવ્યોમાં ‘મિથ્ર’ તરીકે વર્ણવાયેલ છે.

આ મિથ્રની સાથે સંકળાયેલ ઉત્સવ ‘મિથ્રકન’ કહેવાતો હતો.

વિદેશી સંપર્કને કારણે મિથ્ર ધર્મમાં પરિવર્તન આવ્યું. એ ધર્મ ઈસવી સનની પહેલી સદીમાં રોમમાં પ્રસાર પામ્યો. રોમનોએ એશિયાના વિસ્તારો પર કબજો મેળવ્યો. ત્યારબાદ ઇટાલીમાં પ્રવેશ્યો.

બીજી સદીના અંતે લશ્કર દ્વારા તેનો પ્રચાર થયો; કારણ કે વેપારીઓ, ગુલામો, સૈનિકો વગેરે એશિયામાંથી રોમમાં આવીને વસ્યા હતા. આમાંના કેટલાકે લશ્કરી હોદ્દાઓ ગ્રહણ કર્યા અને બીજાઓએ બંદરોમાં વેપારી મથકો પણ સ્થાપ્યાં. પાટનગર રોમમાં પણ તેનો પ્રચાર થયો. મિથ્ર ધર્મ સમ્રાટના દૈવી અંશના સિદ્ધાંતનું સમર્થન કરતો હોવાથી રોમન સમ્રાટોએ તેના પ્રચારમાં વિશેષ રુચિ દાખવી.

ઈશ્વરલાલ ઓઝા