મિથ્યાભિમાન (1870) : કવિ દલપતરામ (1820–1898)રચિત મૌલિક હાસ્યરસિક સામાજિક નાટક. મિથ્યાભિમાન, દંભ તથા આડંબર જેવી સ્વભાવ-મર્યાદાઓને ખુલ્લી પાડવા માટે નાટ્યલેખ મોકલવા માટેની ‘બુદ્ધિપ્રકાશ’ની જાહેરાતના સંદર્ભમાં દલપતરામે આ ‘હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ’ લખી મોકલ્યો હતો. આ કૃતિને તેમણે ‘ભૂંગળ વિનાની ભવાઈ’ તરીકે પણ ઓળખાવી છે. તેમાં 8 અંકો અને 14 ર્દશ્યો છે. સંસ્કૃત પરિપાટી મુજબ સૂત્રધાર તથા રંગલાના મનોરંજક સંવાદ મારફત વિષય-સૂચન કરાયા પછી નાયક જીવરામ ભટ્ટનો પ્રવેશ થાય છે.

55 વર્ષના જીવરામ ભટ્ટ મનસાપુરીના રઘનાથ ભટ્ટની 20 વર્ષની રૂપવતી પુત્રી જમનાને પરણેલા છે. એક વખત તે સાસરે આવવા નીકળે છે. રતાંધળાપણાના રોગના કારણે રાતે તેમને કશું સૂઝતું નથી, છતાં પોતાની આ મર્યાદા અને નબળાઈ છુપાવી, પોતાને બધું જ દેખાય છે એવો આડંબર અને ઢોંગ સતત કર્યા કરે છે; પરિણામે અનેક હાસ્યાસ્પદ પ્રસંગો મારફત તેમની ફજેતી થાય છે અને તેમને અનેક રીતે વેઠવું પડે છે. આથી તેમની માનહાનિ થાય છે અને તેમનું મિથ્યાભિમાન ઉઘાડું પડી જાય છે. આથી છેલ્લે જીવરામ પસ્તાવો કરે છે અને અભિમાન, દંભ તથા ડોળ જેવાં દૂષણોથી દૂર રહેવા વિશે શીખ આપતો આરસ-સ્તંભ રચવા સ્વજનોને જણાવે છે.

‘મિથ્યાભિમાન’ નાટકના નાયક જીવરામ ભટ્ટનો અભિનય કરતા પ્રાણસુખ નાયક

આ કેન્દ્રસ્થ પાત્ર અથવા નાયકનો કરુણ અંત આલેખાયો હોવા છતાં, ‘મિથ્યાભિમાન’ ગુજરાતી સાહિત્યમાં એક નમૂનેદાર પ્રહસનાત્મક નાટ્યકૃતિ લેખાય છે. આ નાટક લખાયું (1870) તે અરસામાં મુંબઈ જેવા નગરમાં ‘પિક્ચર-ફ્રેમ’ થિયેટરનો આવિષ્કાર થઈ ચૂક્યો હતો એટલે દલપતરામ થિયેટરની રચના, સ્ટેજ-સેટિંગ તથા નાટ્યભજવણી અને તે માટેની સૂચના જેવી રંગભૂમિ-વિષયક બાબતોથી પરિચિત હતા અને પોતાની આવી જાણકારીનો તેમણે આ યાદગાર કૃતિમાં ઠીક ઉપયોગ કર્યો છે. વળી, સંસ્કૃત નાટ્ય-પરિપાટીનાં તત્વો રૂપે નાંદી, સૂત્રધાર તથા સંસ્કૃત નાટકોના શ્લોકોનો પણ નાટ્યબંધમાં વિનિયોગ થયો છે; જ્યારે નાટ્યારંભથી અંત સુધી હાસ્યરસિક ઉક્તિઓ ઉચ્ચારતાં રહી સમગ્ર કથાપટમાં છવાઈ રહેતા રંગલાનું પાત્ર તળપદી ભવાઈ શૈલીની લાક્ષણિકતા દાખવે છે. આમ આ પ્રારંભકાલીન હાસ્યનાટકમાં ત્રિવિધ શૈલી-તત્વોનો રોચક સમન્વય છે.

આ નાટક ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ 1871માં ‘મિથ્યાભિમાન અથવા જીવરામ ભટ્ટ’ – એ નામે છાપી પ્રગટ કર્યું. લખાયા–છપાયા પછી આ પ્રહસન છેક 1953માં ગુજરાત વિદ્યાસભા સંચાલિત નટમંડળે સફળતાપૂર્વક ભજવી ભારે લોકપ્રિયતા મેળવી. તેમાં જૂની ગુજરાતી રંગભૂમિના હાસ્ય-નટ પ્રાણસુખ નાયકે જીવરામ ભટ્ટની ભૂમિકા અવિસ્મરણીય રીતે ભજવી અને પોતાની અભિનયપટુતા તથા કંઈક અતિરંજકતા વડે આ નાટકની હાસ્યરસિકતા તથા રંગભૂમિક્ષમતા સિદ્ધ કરી.

દિનકર ભોજક