મિત્ર, શિશિરકુમાર (જ. 24 ઑક્ટોબર 1890, કૉલકાતા; અ. 13 ઑગસ્ટ 1963) : ભારતના એક ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે શાળા અને સ્નાતકકક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ભૌતિકવિજ્ઞાનના વિષય સાથે 1912માં અનુસ્નાતક અને 1919માં ડૉક્ટર ઑવ્ સાયન્સ- (ડી.એસસી.)ની ઉપાધિઓ મેળવી. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસાર્થે ફ્રાંસ ગયા અને ત્યાંથી પૅરિસની સૉબૉર્ન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા.
આ સમય દરમિયાન તેમણે પ્રકાશના વિવર્તન (diffraction) અને વ્યતિકરણ(interference)નો વિશિષ્ટ અભ્યાસ કર્યો.
પરદેશથી પાછા આવતાંની સાથે તેઓ ભાગલપુરની ટી. એન. જે. કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. થોડોક સમય અહીં કામ કર્યા પછી તેઓ બાંકુરાની ક્રિશ્ચિયન કૉલેજમાં ગયા. તે પછી તેમણે 1916માં યુનિવર્સિટીની વિજ્ઞાન કૉલેજમાં કામ કર્યું.
આ સમયે સર સી. વી. રામન કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પાલિટ પ્રાધ્યાપક તરીકે કામ કરતા હતા, ત્યારે ભૌતિકવિજ્ઞાનના શિક્ષણ અને સંશોધનનો વિકાસ કરવા માટે શિશિરકુમાર મિત્ર, મેઘનાદ સહા અને સત્યેન્દ્રનાથ બોઝને વ્યાખ્યાતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાનના ક્ષેત્રે પણ આવી નિમણૂકો થતાં કૉલકાતા વિજ્ઞાન-કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું. શિશિરકુમાર શક્તિશાળી અને ભારે ઉદ્યમી હતા. આથી તેઓ સૌની પ્રશંસાનું પાત્ર બન્યા. રામનના મત અનુસાર મિત્ર તે સમયના પ્રખર સંશોધક હતા.
1923માં તેમની ભૌતિકવિજ્ઞાનના ખેરા પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ. આ સમયે તેમની સાથે કલકત્તા યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાન વિભાગમાં સી. વી. રામન, ડી. એમ. બોઝ વગેરે શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતા હતા. સારા એવા સમય માટે તેમને કાર્ય કરવાની તક મળતાં તેમની પ્રગતિ ઝડપથી થઈ.
શિક્ષણ અને સંશોધન સાથે વિજ્ઞાનના વિકાસ માટે પણ તેમણે અમૂલ્ય યોગદાન કર્યું. તેમણે રેડિયો-સંશોધન સમિતિની સ્થાપના માટે સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ બૉર્ડ સમક્ષ દરખાસ્ત કરી અને 1942માં તેનો સ્વીકાર થયો. બિનતારી પ્રણાલી (wireless system) અને રેડિયો વાલ્વ ઉપર તેમણે સઘન સંશોધન કર્યું. આ દરમિયાન તેમણે ‘અપર ઍટ્મૉસ્ફિયર’ નામનો અમૂલ્ય દળદાર ગ્રંથ તૈયાર કર્યો. કોઈ પણ પુસ્તકાલય માટે આ ગ્રંથ મૂડી સમાન છે. પૃથ્વીના વાતાવરણમાં અમુક ઊંચાઈએ આવેલા આયનમંડળ-(ionosphere)ના નિર્માણ, વિસ્તાર અને વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસારણ ઉપરના પ્રભાવની વિગતવાર સમજૂતી તેમાં આપી છે.
તેમના નોંધપાત્ર સંશોધનને કારણે લંડનની રૉયલ સોસાયટીએ તેમને ફેલોશિપ આપી. આ સાથે તેઓ 1951–52 માટે બંગાળની એશિયાટિક સોસાયટીના પ્રમુખ અને 1955માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના મુખ્ય પ્રમુખ તરીકે વરણી પામ્યા. 1935માં તેઓ બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના સ્થાપક-ફેલો તરીકે લેવાયા હતા. 1956–58 સુધી તેઓ આ સંસ્થાના પ્રમુખ રહ્યા. 1962માં તેઓ ભૌતિકવિજ્ઞાનના રાષ્ટ્રીય સંશોધન પ્રાધ્યાપક તરીકે નિમાયા.
‘પદ્મભૂષણ’ શિશિરકુમાર મિત્રે ભારતમાં વિજ્ઞાનના વિકાસ અને સંશોધનનો પાયો મજબૂત કરવામાં મહત્વનું યોગદાન કર્યું છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં વિજ્ઞાનની પ્રગતિ જોસભેર થઈ રહી હતી તેવે સમયે ભારતમાં સૌપ્રથમ સર જગદીશચંદ્ર બોઝ અને પ્રફુલ્લચંદ રે એકલદોકલ એક સંસ્થાની જેમ વિજ્ઞાનનો વિકાસ કરવા પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારબાદ સી. વી. રામનનું આ ક્ષેત્રે આગમન થયું. આ માંધાતાઓએ વિજ્ઞાનની પ્રવૃત્તિઓને યોજનાબદ્ધ કરવા તનતોડ મહેનત કરી અને મેઘનાદ સહા, સત્યેન્દ્રનાથ બોઝ, એસ. કે. બૅનરજી અને શિશિરકુમાર મિત્ર જેવા શિક્ષકો અને સંશોધકો તૈયાર કર્યા. શિશિરકુમાર મિત્રે વાતાવરણના વિજ્ઞાનની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો, જે આજે અંતરીક્ષ-વિજ્ઞાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
પ્રહલાદ છ. પટેલ