મિત્ર, શંભુ (જ. 22 ઑગસ્ટ 1915, કૉલકાતા; અ. 19 મે 1992, કૉલકાતા) : બંગાળી વ્યવસાયી રંગભૂમિ અને પ્રશિષ્ટ નાટકોના નિર્માણ સાથે સંકળાયેલા પ્રખ્યાત નટ, દિગ્દર્શક. બંગાળી થિયેટરની વ્યાવસાયિક નાટ્યમંડળી ‘રંગમહેલ’માં તેમણે ‘માલારૉય’ અને ‘રત્નદીપ’ નાટકોમાં 1940માં કામ કર્યું. પછી નાટ્યનિકેતન થિયેટરમાં ‘કાલિન્દી’ નાટકમાં ભજવેલી મિસ્ટર મુખર્જીની ભૂમિકાથી અને શિશિરકુમારની મંડળી શ્રીરંગમ્માં ‘જીવનરંગ’ નાટકથી ખૂબ પ્રખ્યાત બન્યા.

શંભુ મિત્ર

જોકે આ દરમિયાન શંભુ મિત્રને સમજાઈ ગયું કે પોતે આ રંગભૂમિ માટે સર્જાયા નથી. એથી 1943માં ભારતીય નાટ્ય સંઘ(ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન – ઇપ્ટા)માં જોડાયા અને ‘જબાનબંદી’ તથા ‘નબન્ના’ નાટકોમાં અગ્રેસર ભૂમિકા ભજવી. ભારતીય રંગભૂમિ અને લોકલક્ષી નાટ્યસાહિત્યમાં આ ‘નબન્ના’ નાટકે નવો ઇતિહાસ સર્જ્યો છે. શંભુ મિત્રે રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયના નાટ્યવિભાગ અને દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યસંસ્થાના વડા તરીકે પણ સેવાઓ આપી હતી. 1948માં તેમણે ‘બહુરૂપી’ નામે નાટ્યગ્રૂપની સ્થાપના કરી. તેમણે હિંદી અને બંગાળી ફિલ્મોમાં કામ પણ કર્યું. ‘ધરતી કે લાલ’ (1946), ‘હિંદુસ્તાન હમારા’ (1950) અને ‘ધરતી દેબતા’ (1948), ‘પથિક’ (1953), ‘શિવશક્તિ’ (1954), ‘નિશાચર’ (1971) વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો. આ ઉપરાંત પણ ભારતીય નાટ્યમંચનના ઇતિહાસમાં શંભુદાએ બે બીજાં મોટાં મહત્વનાં પ્રદાન કર્યાં છે. એમાંથી એક તે પોતાની પત્ની તૃપ્તિ મિત્ર અને પુત્રી સોનાલી મિત્રને થિયેટરનો વારસો આપ્યો, અને બીજું રવીન્દ્રનાથ ટાગોરનાં નાટકોની વિશિષ્ટ રીતે રજૂઆત કરી. આ નાટકો ત્યાં સુધી માત્ર પ્રશિષ્ટ નાટકો તરીકે પુસ્તકોમાં પુરાઈ રહ્યાં હતાં, પણ તેની મંચન-શક્યતાઓ શંભુ મિત્રે વિકસાવી આપી અને ભારતીય થિયેટરમાં એ રીતે ટાગોરનાં નાટકો મંચનના મુખ્ય પ્રવાહમાં આવ્યાં. પોતાનાં આંગિક અને વાચિક અભિનયથી એમણે પ્રેક્ષકોમાં હંમેશાં ખૂબ આકર્ષણ જમાવ્યું. એમનું મહત્વનું પ્રદાન તો નવનાટ્ય-આંદોલનનું ગણાય છે. બર્તોલ્ત બ્રેખ્તના ‘ગૅલેલિયોની જીવનકથા’ નાટકમાંનો એમનો અભિનય લોકો આજે પણ યાદ કરે છે. શંભુ મિત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનિત થયા છે. 1957માં ‘જાગતે રહો’ માટે ક્રિસ્ટલ ગ્લોબલ ઍવૉર્ડ, રવીન્દ્રભારતી યુનિવર્સિટી અને જાદવપુર યુનિવર્સિટીએ માનદ ડિ.લિટ્.ની પદવી એનાયત કરી હતી. 1976માં રામન મૅગ્સેસે ઍવૉર્ડ, તેમજ ‘પદ્મભૂષણ’થી પણ સન્માનિત થયા. 1966માં સંગીત નાટક અકાદમીની ફેલોશિપ અને 1982-83માં મધ્યપ્રદેશ સરકારે કાલિદાસ સન્માનથી તેમને નવાજ્યા હતા.

હસમુખ બારાડી