મિત્ર, રાધારમણ (જ. 1897, શ્યામબજાર, કૉલકાતા; અ. 1992) : બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર. તેમના ‘કાલિકાતા દર્પણ’ નામક સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમણે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી ઉત્તરપ્રદેશમાં ઇટાવા ખાતે શિક્ષક તરીકે કામગીરી કરી. ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા, તેમાં ધરપકડ વહોરી અને જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ કેટલાંક વર્ષો સુધી અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજીના અંતેવાસી તરીકે કાર્ય કર્યું.
પાછળથી તેમણે ગાંધીજીવનપ્રણાલીનો ત્યાગ કર્યો અને ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા. આજીવિકા માટે કૉલકાતા કૉર્પોરેશનમાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા. 1923માં મેરઠ કાવતરા કેસમાં અન્ય ક્રાંતિકારીઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી. તે કેસની સુનાવણીથી સમગ્ર દેશમાં ઉત્તેજના જાગી હતી. તે કેસમાં તેમને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ 1938માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા.
તેઓ કૉલકાતા શહેરના પ્રાચીન અવશેષોના સંશોધનમાં અવિરત પ્રવૃત્ત રહેતા. તેમની પુરસ્કૃત કૃતિ ‘કાલિકાતા દર્પણ’ (1980) બે ભાગમાં લખાયેલ ગ્રંથ છે. કૉલકાતાના ઇતિહાસ વિશેની તેમની વિસ્તૃત જાણકારી તેમાં પ્રભાવક રીતે રજૂ થઈ છે.
તેમની અન્ય કૃતિઓમાં ‘લાઇફ ઑવ્ ડેવિડ હેર’ અને લાલ બિહારી ડેને લગતું લઘુ પુસ્તક ‘કાલિકાતય વિદ્યાસાગર’ તેમજ વિવિધ વિષયો પરના નિબંધોના સંગ્રહનો સમાવેશ થાય છે.
બળદેવભાઈ કનીજિયા